Homeગુર્જર નગરીલ્યો નવા વર્ષની શરૂઆત વરસાદથી થાશે

લ્યો નવા વર્ષની શરૂઆત વરસાદથી થાશે

ગોવાબાપા : હાલ ચાબુક માળીયા ઉપરથી રેઈનકોટ કાઢી લે, છત્રીય લઈ લે અને આ શિયાળાના કપડાં નાખી દે કબાટમાં.

‘કાં શું થયું ? ટાઈઢના ઠરી જાશો. રેવા દ્યો હમણાં જ કોરોનામાંથી સાજા થ્યા છો.’

હવે નવા વર્ષની શરૂઆત વરસાદથી જ થવાની છે તો હું શું કરું? હાલ તને સમાચાર આપી દઉં એટલે તને સ્વેટર મૂકીને રેઈનકોટ કાઢવાનું શું કામે કહું છું તેની ખબર પડી જાય. આ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ઉત્તર ગુજરાતમાં 2-3 જાન્યુઆરીની વચ્ચે કમોસમી વરસાદ પડશે. હવે એક તો માંડ 2020 છોડીને આવ્યા છીએ. ઘણી થપાટો ખમી એમાં એક થપાટ કમોસમી વરસાદની પણ હતી. શિયાળા જેવું લાગતું થયું છે ત્યાં તો વરસાદની આગાહી આપી દીધી. સારું એવી આગાહીનું મશીન નથી ચાબુક કે કોરોના બેથી ત્રણ વર્ષ હજી રહેશે, બાકી તો આપણા સંધાયનું શુ થાય ? હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ સાચી પડે છે કે નહીં એ માટે ત્રીજી જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.

ગો કોરોના… કોરોના ગો

આજે કોરોનાની આખે આખી વાત કરી નાખવી છે ચાબુક, કારણ કે હવે વેક્સિન આવવાને થોડા જ સમયની વાર છે. મીડિયાવાળાય તૈયાર જ બેઠા હશે કે વેક્સિન લોન્ચ થાય એટલે સીધા બ્રેકિંગ મારી દઈએ પછી ભલે જોડણી ખોટી જાતી. પણ કોરોનામાં લોકો ડરે છે ખૂબ હો. કોરોનાથી તો હજુ ઘણા નથી ડરતા જેટલા સરકારથી ડરે છે.

‘કેમ?’

હવે તું સાંભળ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કોરોનાની વેક્સિન લગાવવાના સર્વે માટે લોકો ગયા હતા. તો જનતાએ માહિતી આપવાની જ ના પાડી દીધી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકોને ભય છે કે અમે માહિતી આપીશું અને એ NRC અને CAAમાં લઈ ગયા તો ? શાહઆલમ, દાણીલીમડા, રખિયાલ, જમાલપુર જેવા વિસ્તારો છે તેમાં લોકો માહિતી આપવા જ નથી માગતા. એ લોકોએ ઓળખ અને પુરાવા ન આપ્યા ચાબુક એમાં રજીસ્ટ્રેશન પણ ન થઈ શક્યું. એટલે અમદાવાદમાં જે સાત લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાં અમદાવાદના આ વિસ્તારોએ કોરોનાની નહીં પણ સરકારના બિલના બીકના માર્યા નથી કરાવ્યું. એમ કહી શકાય.

નવો સ્ટ્રેન

કોરોનાનો નવો સ્ટ્રેન સાઉથ આફ્રિકાથી બ્રિટનમાં આવ્યો અને બ્રિટનમાંથી બિલ્લી પગે કેટલાક દેશમાં ઘુસી ગયો. ભારતમાં કુલ પાંચ લોકોમાં નવા કોરોનાનો સ્ટ્રેન પકડાયો છે. એમાં 4 કેસ પુણેની લેબમાં છે અને એક કેસ દિલ્હીની લેબમાં છે. એટલે કે ભારતમાં બ્રિટનથી આવનારા લોકોના સ્ટ્રેન કુલ 25 થયા છે. હવે એ લોકો બીજા કોને કોને મળ્યા હશે એ તો એ જ કહી શકે પણ હવે થોડા સમય સુધી સતર્ક રહેવાની જરૂર છે.

રાજનાથસિંહે ઝાટકી નાખ્યા

હવે ખેડૂતોના મુદ્દા પર જઈએ ચાબુક. ભારત સરકારના રક્ષામંત્રી રાજનાથસિંહે આજે ભાજપના નેતાઓની ક્લાસ લઈ નાખી.

‘ઓનલાઈન કે ઓફલાઈન?’

‘હે ?’

‘પૂછવું પડે ગોવાબાપા કોરોનામાં બધુ ઓનલાઈન થાય છે એટલે ?’

હવે ચાબુક તને તો ખ્યાલ જ છે કે ભાજપના નેતાઓ ખેડૂતોને ખાલીસ્તાની અને નક્સલી આવા શબ્દોથી બોલાવી રહ્યા છે. જેના કારણે રાજનાથસિંહ નારાજ થઈ ગયા અને ભાજપના નેતાઓ પર ભડક્યા. જાહેરમાં ઝાટકી નાખ્યા અને બીજી તરફ એમણે એ પણ કહ્યું કે, તમારા આવા વાક્યપ્રયોગોથી પ્રધાનમંત્રી પણ નારાજ છે. આમ કહી રાજનાથસિંહે કેબિનેટમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

ઈટાલીથી પ્રહાર

રાહુલ ગાંધી ઈટાલી દેશમાં નાનીના ઘરે ગયા છે. અને ત્યાંથી પણ તેમણે મોદી સરકાર પર પ્રહાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું.

‘કેમ? ત્યાં પણ જાહેરસભા કરી નાખી.’

હવે અહીં કોઈ નથી સમજતું તો ત્યાં કોણ સમજશે? વાત એવી છે ચાબુક કે રાહુલ ગાંધીએ ટ્વીટર પર મોદી સરકાર વિરૂદ્ધ આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે મોદી સરકારે ચાલુ વર્ષે ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવુ માફ કરી દીધું. આમ કહી એમણે ઉદ્યોગપતિઓનું કેટલું દેવુ માફ કર્યું તેની એક મોટી રકમ લખી નાખી. સારું રકમ લખતા ભૂલ ન કરી બાકી બધા પાછા રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા પર હેરાન કરી નાખેત. ચાબુક રકમ છે 23 ખર્વ 78 અબજ 76 કરોડ. બસ જો આટલું દેવુ માફ કર્યું હોવાનું એમણે લખ્યું છે. એમણે તો એમ પણ કહ્યું છે કે, અગિયાર કરોડ પરિવારને વીસ વીસ હજાર રૂપિયા આપી શક્યા હોત.

-કાં તને શું થયું ?

‘તમે કોઈ પણ નેતાને પૂછો કે 23 ખર્વ 78 અબજ 76 કરોડ આની પાછળ કેટલા મીંડા આવે એટલે કોઈ જવાબ ન આપી શકે. આ તો સારું રાહુલ ગાંધીએ ટ્વીટમાં જ લખી નાખ્યું બાકી મીડિયાવાળા તો એના પર પણ એક્સક્લુઝિવ સ્ટોરી ચલાવેત.’

‘હા મોજ હા’

‘હા મોજ હા’

(દેશભરના મહત્વના સમાચાર મેળવો ગોવાબાપા સાથે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments