ગોવાબાપા : આજે પણ કોરોના સિવાય કંઈ નથી ચાબુક. ગઈકાલની જ વાત છે આત્મારામભાઈ પરમારે ભીડ ભેગી કરી. અને હવે ઉર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલે ભીડ ભેગી કરી. બોટાદામાં દિવાળીનું સ્નેહમિલન કર્યું. અમદાવાદની જનતા બે દિવસથી ઘરમાં બંધ છે. ને ભાજપના જ નેતાઓ નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. પહેલા તો સૌરભભાઈ પટેલે જ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું અને પછી તેઓ ખૂદ બોલ્યા કે, ’જનતાએ નિયમોનું પાલન કરવું જોઈએ.’
હા મોજ હા…
નેતાઓ તો કાર્યક્રમ કરે. એટલી ભીડ ભેગી થાય કે નેતાજીએ મીડિયામાં કહેવું પડે, આ તો સ્વયંભૂ જોડાયા હતા. ગરબે ન રમો તો તમારી સાસુના સમ, એમ કહી ગરબાના તાલે બધા ઘુમે અને જનતા નવરાત્રી તો ઠીક કરફ્યુમાં પણ ફળીયા બહાર પગ ન મૂકે.

આજે અમદાવાદની જનતા બે દિવસથી કરફ્યુનું પાલન કરી ઘરમાં બંધ છે. રાતના રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરના લોકો ઘરમાં વહેલા પૂરાય જાય છે અને નેતાઓ એવી શીખામણ આપી રહ્યા છે કે જનતાએ જવાબદારી નિભાવવાની.
‘તો ગોવાબાપા તમે એવું કેમ કહો છો કે ચૂંટણી પ્રચારમાં કોરોના મામાના ઘેર વુહાન ચાલ્યો જાય છે.’
એટલા માટે ચાબુક કે નેતાઓ ભીડ ભેગી કરે ત્યારે કરફ્યુ નથી લાદવામાં આવતો. ચૂંટણી આવે ત્યારે કોરોના પાછો બિસ્ત્રા પોટલા બાંધી ચીન ભાગી જાય છે. વુહાનમાં તેના મામાને ઘેર જાય છે. મામી પેંગ લિયૂનના હાથના રોટલા ખાઈ છે. ન્યાં કોરોના એના પિતરાઈ સ્વાઈન ફ્લૂ, બર્ડ ફ્લૂ ભેગો રમે છે. મામા જીનપિંગ એને આખા ચીનમાં ફેરવે છે. એના માટે તો મામાનું ઘર કેટલું તો કે દિવો બળે એટલું. જેવી ચૂંટણી પૂરી થાય કે કોરોના પાછો આવી જાય છે. નેતાઓ આવે ત્યારે આસપાસ કોરોના નથી રખડતો.

હમણાં જ ખૂદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કહ્યું કે, ‘સંક્રમણને રોકવું આવશ્કય છે. એટલા માટે હું આપને કહું છું કે રાત્રિ કરફ્યુનું પૂરતું પાલન કરો. અને પૂરતુ નિયમોનું પાલન થાય. સાથે સાથે દિવસે રાતે નવ સુધી માસ્ક ફરજિયાત પહેરો.’
Live : Press Conference https://t.co/kLOCgNKgtQ
— Vijay Rupani (@vijayrupanibjp) November 22, 2020
‘તો હવે ભીડ ભેગી કરતા નેતાઓ શું જવાબ આપશે ગોવાબાપા?’
એનો જવાબ મને ખબર છે કે, ‘રાત્રી કરફ્યુ તો અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં છે એની બહાર ક્યાં છે. ’આ જોને સૌરભભાઈએ પણ બોટાદમાં સ્નેહમિલન યોજ્યું. હવે બોટાદમાં ક્યાં કરફ્યુ જેવું લાદવામાં આવ્યું છે!!
જોકે ભાજપે પણ આગામી કાર્યક્રમો બંધ રાખ્યા છે. હું તો કઉં ચાબુક કે ઝુમ એપ જેવી એપ્લિકેશન છે તો નેતાઓ શા માટે તેનો ઉપયોગ નથી કરતા. ઓનલાઈન સ્નેહ મિલન અને વિજય મિલન જેવા કાર્યક્રમો યોજવાના. વોટ્સએપનું ગ્રુપ હોય તો એમાં મુબારકબાદી આપી દેવાની.
હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ગોળ ખૂબ ભાવતો છતાં તેઓ ગોળ છોડી શક્યા, તો તમે કોરોનાના સમયે આવા મિલનોથી દૂર ન રહી શકો. મહાપુરુષોના જીવન આપણા બધાના શીખવા માટે પણ હોય છે. ખાલી જયંતીઓ વખતે ટ્વીટર પર પોસ્ટ મૂકવા માટે નથી હોતા.
જનતા પણ ક્યારે માનશે ?
વાત નેતાઓની જ નથી. કેટલીક જનતાનો પણ વાંક છે. સુરતની પુણા ગામની શાકભાજી માર્કેટમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવી દીધા. ભીડ એકઠી થઈ. એમાં કેટલાક ફેરિયાઓ પણ માસ્ક વિના રખડતા જોવા મળ્યા. ઘણા લોકોના માસ્ક તો નાક નીચે રખડતા હતા. એને ન-માસ્ક કહેવાય ચાબુક. એકબીજાને ખભા અડતા જાય. લોકો આડેધડ રખડે. શાકભાજીની રેકડી હોય ત્યાં ગાય હોય પણ ગાય ન હતી દેખાતી એટલે મને સમજાય ગયું કે માણસો કરતાં પશુઓ સમજદાર છે.
બોપલમાં થશે મોટાપાયે કોરોના ટેસ્ટિંગ
હે ચાબુક અમદાવાદના બોપલમાં કોરોનાનો આજે વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલના સફલ પરિસર, આરોહી હોમ્સ તથા આરોહી રેસિડેન્સી સોસાયટીના કુલ 52 જેટલા મકાનોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવે ખાસ કરીને સફલ સહિતના એપાર્ટમેન્ટમાં અને સાઉથ બોપલમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવશે. સફલની આસપાસ જ મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે. જેની આગળ શાકભાજીની લારીઓ છે. અહીં પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય છે. જેથી હવે ત્યાં પણ ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું આપણે સૌએ ધ્યાન રાખવું પડશે. ચાલો તયે મળીએ કાલ.
(દેશ-દુનિયાના સમાચારો હળવાફુલ અંદાજમાં માણો રોજ સાંજે ગોવાબાપા સાથે)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત