Team Chabuk-Gujarat Desk: વર્ષો પહેલા જૂનાગઢની પાસે પણ એરપોર્ટ હતું. એરપોર્ટ જૂનાગઢમાં તો નહોતું પણ જૂનાગઢથી થોડે દૂર આવેલા કેશોદ તાલુકામાં હતું. કેશોદની ઓળખ આ એરપોર્ટથી જ. એ પછી તો એરપોર્ટ વ્યવહારને તાળા લાગી ગયા પણ જૂનાગઢવાસીઓમાં એ વાત થતી જ રહી અને આજે પણ થાય છે કે કેશોદમાં એરપોર્ટ હતું. આ એરપોર્ટ કેટલાય ઈતિહાસનું સાક્ષી રહ્યું છે. જૂનાગઢના છેલ્લા નવાબે ભારત છોડતા પહેલા આ એરપોર્ટ પરથી જ પાકિસ્તાન ભાગવું પડ્યું હતું. આ એરપોર્ટને હવે ફરી સક્રીય કરવાની જાહેરાત કરવામાં આવતા સોરઠવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. આનંદ વ્યાપવાનું કારણ કે આ એરપોર્ટના કારણે હવે વેપાર અને પ્રવાસન ક્ષેત્રમાં પણ વિશેષ લાભ મળશે.
દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા ગઈકાલના રોજ પ્રવાસન અને વેપારને વેગ મળે એ હેતુથી દેશના પાંચ એરપોર્ટને પુન: ધમધમતા કરવાની વાત કરી. જેમાં ગુજરાતના સોરઠના કેશોદ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ એરપોર્ટ ‘ઉડાન’ યોજના હેઠળ શરૂ કરવામાં આવશે. આ પહેલા ઘણી વખત સ્થાનિકો દ્વારા અને વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા કેશોદના એરપોર્ટને ફરી ધમધમતું કરવાની રજૂઆત કરવામાં આવતી હતી. પણ કેટલાય સમયથી આ મુદ્દો માત્ર કાગળ પર રહી જતો હતો. કયા કયા એરપોર્ટ શરૂ કરવાના છે તેના પર એક નજર કરીએ તો…
- ગુજરાત-કેશોદ
- ઝારખંડ-દેવધર
- મહારાષ્ટ્ર ગોંદિયા અને સિંધુદુર્ગ
- ઉત્તરપ્રદેશ કુશીનગર
આ એરપોર્ટનો આરંભ થાય તો સૌથી મોટો ફાયદો પ્રવાસનને જ મળવાનો છે. જૂનાગઢની આસપાસના વિસ્તારમાં કંઈ કેટલાય એવા ફરવા લાયક સ્થળો છે જ્યાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. ખાસ તો વિશ્વમાં એકમાત્ર એવા એશિયાટીક લાયનને જોવા માટે. આ ઉપરાંત નવનિર્મિત રોપ-વે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો બીજી બાજુ ગિર-સોમનાથ ખાતે આવેલ સોમનાથદાદાનું મંદિર અને દિવ સહિતના અગણિત પ્રવાસ કરવા માટેના સ્થળો છે. કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા કેશોદવાસીઓ તો ખુશખુશાલ થઈ ગયા છે.
વીકિપીડિયામાં જણાવ્યા અનુસાર વર્ષ 2000ની સાલમાં જેટ એરવેઝની અંતિમ ફ્લાઈટ અહીંથી ઉડી હતી. જે પછી કોઈ ફ્લાઈટનું ઉડાન નથી થયું. આ એરપોર્ટનું નિર્માણ નવાબ મહોબ્બત ખાન ત્રીજાએ પોતાના વ્યક્તિગત પ્લેન માટે કર્યું હતું. આ પહેલા 1 એપ્રિલ 2019માં ઉડાન સ્કીમ હેઠળ જ એલિન્સ એરલાઈન શરૂ થવાની વાત કરવામાં આવી હતી. પણ આખરે હવે કેશોદનું એરપોર્ટ શરૂ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત