Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી રૂ. ૭૫ લાખના ખર્ચે કાર્યાન્વિત કરાયેલી ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજનની ટેન્કનું લોકાર્પણ રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે. ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવા આપણે સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સંસ્થાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુદ્ધનાં ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ.
ભાઈશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર ક્ષમતાની રૂપીયા ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કનુ નિમાર્ણ થયું તે અંગે મુખ્યમંત્રીએ ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લાને રાહત થશે તેમ જણાવ્યું હતું. ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેર સામે લડવા સજ્જ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કોરોના હજી ગયો નથી. સાવચેતી જ સલામતી જાળવવામાં આવે, લોકો માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે, વેકસીન મુકાવે તે જરૂરી છે.
આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશ્કેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ. ભાઈશ્રીએ ત્રીજી લહેર ન આવે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી જણાવ્યું હતું કે, જો આવે તો જરૂરીયાતવાળા બધા જ લોકોને ઓક્સિજન મળી રહે અને સૌ નિરોગી રહે અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના. ભાઈશ્રીએ પોરબંદર ખાતે દાતાઓ બજરંગલાલજી તાપડિયા, તુષાર જાની, ભુપેન્દ્ર કણસાગરા, ડી. એચ.ગોયાણી, સહિતના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપનીના સૌ સાધકો અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કહ્યુ કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરથી આપણે ઘણું બધું શીખ્યા છીએ. ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલમા તૈયાર થયેલ ૨૦ હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી ટેન્ક પોરબંદરને ઉપયોગી બનશે.
આ પ્રસંગે કલેકટર અશોક શર્માએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, વૈશ્વિક મહામારીની જો ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા જિલ્લા વહિવટી તંત્ર સુસજ્જ છે. સંભવિત લહેરને પગલે જિલ્લામા આગોતરા આયોજનના ભાગરૂપે ૧ હજાર બેડ તૈયાર કરાયા છે. કોરોના સામે બાળકોને રક્ષણ પુરુ પાડવા ધારાસભ્યની ગ્રાન્ટમાથી પીડીયાટ્રીક વેન્ટીલેટર ખરીદવામા આવશે. આ ઉપરાંત જરૂરી તમામ તકેદારી રાખવાની સાથે જિલ્લા તંત્ર સજ્જ છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ રમેશ ધડુક તથા રામ મોકરીયા વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક કલેકટર એમ.કે. જોશી, નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, પુર્વ સાંસદ ભરત ઓડેદરા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, સિવિલ સર્જન ડો.ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અગ્રણીઓ અને તબિબો તેમજ સાંદિપની સંસ્થાના દાતાઓ તેમજ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ભરત ગઢવીએ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા