Homeગુર્જર નગરીએ ભાઈ ગાડી ચલાવવામાં ધ્યાન રાખો તમે રાજકોટમાં છો...!

એ ભાઈ ગાડી ચલાવવામાં ધ્યાન રાખો તમે રાજકોટમાં છો…!

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એવું બને છે કે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સાથે તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પણ પોલ ખુલી જતી હોય છે. પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પરનો વાઘ બનીને દહાડતી હોય છે. જ્યારે વરસાદ પડે અને અમદાવાદમાં ભુવો ને રાજકોટમાં ખાડો પડે, ત્યારે તંત્રના વાયદાઓ નહોર વિનાના વાઘ હોવાના દર્શન થાય છે. આ વખતે રોડ રસ્તા સબ સલામત હતા, કારણ કે ચોમાસુ જોઈએ એવું નહોતું બેસ્યું. જ્યાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી થઈ અને મેઘરાજા તૂટી પડ્યા એ ભેગી તંત્રની પોલ છતી થઈ ગઈ. વાત રાજકોટ પૂરતી સિમિત નથી. ઠેકઠેકાણે ઉબડખાબડ રોડની વ્યવસ્થા થઈ ગઈ છે.

પ્રિ-મોન્સૂનમાં આમ કરી નાખ્યું, ગટર સાફ કરી નાખી, ડ્રેનેજની વ્યવસ્થા કરી નાખી, ઢાંકણા વ્યવસ્થિત કરી દીધા જેવી ગુલબાંગોની સમય આવ્યે હવા નીકળી જતી હોય છે. આ વચ્ચે બે કલાકમાં ચાર ઈંચ વરસાદમાં રાજકોટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સાર્વત્રિક વરસાદની આગાહી બાદ અંબર પરથી પડેલા આરંભિક વરસાદે જ નિર્ભર તંત્રની કામગીરીનો વરવો નમૂનો સામે રાખી દીધો હતો.

એવામાં રંગીલા રાજકોટના ગોકુલનગરના વિસ્તારના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા તો આંખો પહોળી થઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા જ દેખાય છે. વાહન ચાલકો માટે આ ખાડા મુસીબત સમાન બની ગયા છે. વાહન ચલાવવામાં તો મુશ્કેલી પડી જ રહી છે પણ કેટલાક લોકો વાહનમાંથી ગબડીને નીચે પડી જાય એ તો વળી કેવો રોડ?

આ ઘટના એટલા માટે બની રહી છે, કારણ કે ગટરની કુંડીની બાજુમાં જ ખાડો પડી ગયો છે. જેથી વાહન લઈ પસાર થતા રાહદારીઓ વાહનના ખાડામાં ફસાઈ જતા હોય છે. ચોમાસાના ભરાયેલા પાણીના કારણે કંઈ દેખાતું નથી. ઘણા વાહનો નીચે પડતા હોવાનું પણ સ્થાનિકોએ કહ્યું છે. માત્ર સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી જતી હોય પણ આ વખતે થોડી રાહ જોવી પડી. વરસાદની ઋતુમાં જ્યાં ત્યાં કાં તો ખાડા પડી જાય છે અથવા તો રેતીઓ ઉખડી જતા રોડ રોડ કહેવાને લાયક નથી રહેતો.

રાજકોટ શહેરમાં પડેલા અવિરત અનરાધારના કારણે આ સમસ્યા સર્જાય છે. શેરીઓ પાણી પાણી થઈ ગઈ છે. વરસાદના આનંદની સાથે ખાડાઓ પણ સમસ્યારૂપ બન્યા છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્રએ જાગી જવાની જરૂર છે.

રાજકોટમાં જ દર ચોમાસામાં પોપટપરાનું નાલુ તળાવ બની જાય છે. થોડા વરસાદમાં જ તે પાણી ભરાયુંની ચાડી ખાતું દેખાય છે. આ નાલામાંથી હજ્જારો વાહનો પસાર થાય છે પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સ્થાનિક લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર આવી હાલાકીનો સામનો કરવો પડે છે. આ નાલામાં પાણી ભરાવાના કારણે એક અસ્થિર મગજનો વ્યક્તિ ફસાયો હતો. આ વ્યક્તિને ફાયરબ્રિગેડના સ્ટાફે આવી બચાવી લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments