Homeગુર્જર નગરીકોરોનાની 'હોળી' છે, જાણી લો ક્યાં મંદિર ખુલ્લા છે અને તમે કઈ...

કોરોનાની ‘હોળી’ છે, જાણી લો ક્યાં મંદિર ખુલ્લા છે અને તમે કઈ રીતે કરી શકશો ઉજવણી

Team Chabuk- Gujarat Desk: ‘હોળી’ છે. હોળીના તહેવારની સાથે-સાથે હાલ સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાની ‘હોળી’ ચાલી રહી છે. દેશમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે જેને લઈને સરકારે ફરીથી પ્રતિબંધો લગાવવાની ફરજ પડી છે. હવે આ વખતે પણ આપણે કોરોનાને સાથે રાખીને હોળી-ધૂળેટી ઉજવવાની છે. ટીમ ચાબુક પણ આપ સૌને હોળી-ધૂળેટીની શુભકામના પાઠવે છે. સાથે જ ઘરે રહીને સુરક્ષિત હોળી-ધૂળેટી ઉજવવા અપીલ કરે છે.

હોળી
ફાગણ સુદ પૂનમના દિવસે આવતો હોળીનો તહેવાર હોળી અને ધૂળેટી એમ બે દિવસનો હોય છે. હોળી માટે પ્રહલાદ અને હોલિકાની કથા ખૂબ જાણીતી છે. હોળીકા સાથે અગ્નિમાં બેસવા છતાં પ્રહલાદનો વાળ  વાંકો નથી થતો. એજ તો પ્રભુની સાચી ભક્તિ અને સત્યનો વિજય દર્શાવે છે.
ઘરે રહીને જ કરો ડાકોરના ઠાકોરના દર્શન
કોરોનાએ હોળીની ઉજવણી પર પાણી ફેરવ્યું છે. જેના કારણે રંગનો તહેવાર બેરંગ બન્યો છે. જે મંદિરમાં હોળી અને ધૂળેટીના દિવસે કીડિયારું ઉભરાય છે તે મંદિર આ વખતે ખાલી જોવા મળશે. ડાકોરના ઠાકોરના દર્શન આ વખતે ભક્તોએ ઓનલાઈન જ કરવા પડશે. ડાકોર  ભક્તો માટે બંધ રખાયું છે. ડાકોરમાં દર વર્ષે કેસૂડાથી રમાતી હોળીનો લ્હાવો આ વખતે અધૂરો રહી જશે. દર વર્ષે અહીં ઘેરૈયા બનીને લાખો લોકો ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય  છે. પરંતુ આ વખતે ભક્તિ ઘરે રહીને જ કરવી પડશે. આ ઉપરાંત દ્વારકા મંદિર પણ ભક્તો માટે બંધ રાખવાનો તંત્રએ નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
અંબાજી, સોમનાથ, શામળાજી મંદિર ખુલ્લા છે
હોળી અને ધૂળેટીએ અંબાજી, શામળાજી અને સોમનાથ મંદિરને ભક્તો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે, ભક્તોએ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરવું પડશે. તેમજ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. જો ભક્તોએ નિયમોનો ભંગ કર્યો તો તેમને અહીં દંડ રૂપી પ્રસાદ મળી શકે છે. હોળી-ધૂળેટી પર અહીં લાખો લોકોના આવવાની શક્યતા છે. જેથી મંદિર પ્રશાસને પણ તૈયારીઓ કરી લીધી છે. ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાતા પહેલાં તેમનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે કે ભક્તો સોશિયલ ડિસ્ટંસનું પાલન કરે.
હોળીકા દહન માટે નિમય
આજે ગુજરાતમાં પ્રતિબંધો વચ્ચે હોળીકા દહન કરાશે. કોરોના કહેર વચ્ચે સરકારે નિયમોના પાલન સાથે હોળીકા દહનની મંજૂરી આપી છે. મર્યાદીત સંખ્યામાં રહીને હોળીકા દહન કરી શકાશે. આ ઉપરાંત મર્યાદિત સંખ્યામાં તેમજ સોશિયલ ડિસ્ટંસિંગના પાલન સાથે હોળીકાની પ્રદક્ષીણા કરી શકાશે.
અહીં સંપૂર્ણ પ્રતિબંધ
હોળી-ધૂળેટીના તહેવાર માટે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ અમદાવાદના તમામ સરકારી અને ખાનગી સ્વિમિંગ પુલ બંધ રહેશે. અમદાવાદમાં તમામ ક્લબ, પાર્ટી પ્લોટ અને સમાજની વાડીમાં પણ ઉજવણીના કાર્યક્રમો પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી રમાતી હોળી આ વખતે નહીં જોવા મળે. આ પ્રકારની તમામ ઉજવણી પર AMCએ પ્રતિબંધ મુક્યો છે. જો કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આ જ પ્રમાણે નિયમો પાળવાના રહેશે.
રાજકોટમાં ખાસ વ્યવસ્થા
રાજકોટમાં હોળી-ધૂળેટી માટે નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે પોલીસે શહેરમાં SRPની બે ટૂકડીઓ તૈનાત કરી છે. આ ઉપરાંત હોમગાર્ડ સહિત 600 જવાનોનો બે દિવસ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. પોલીસ ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ કરશે. ધૂળેટીએ સવારથી જ અલગ અલગ પોઇન્ટ પર ફોર્સ તૈનાત કરવામાં આવશે.
જૂનાગઢ તંત્રની અપીલ
જૂનાગઢ વહીવટી તંત્ર અને પોલીસે લોકોને સરકારી ગાઈડ લાઈનનો અમલ કરવા માટે અપીલ કરી છે. સાથે જ જો નિયમોનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી ચીમકી પણ આપી છે.
અમરેલીની આરોગ્ય ટીમની સૂચના
અમરેલી જિલ્લાની આરોગ્ય ટીમે લોકોને એક સ્થળે ભીડ ન કરવા સૂચના આપી છે. આ ઉપરાંત તહેવારોમાં બહારથી વતન પરત આવતા લોકોને ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે. હાલ અમરેલી જિલ્લામાં કુલ 110 જેટલા એક્ટીવ કેસ છે. મોટા ભાગના લોકો સેલ્ફ આઈસોલેટ છે.
તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments