Team Chabuk-Gujarat Desk: ખેડૂતોએ તૈયાર કરેલા પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભાશયથી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ ટેકાના ભાવથી ચણાની સીધી ખરીદીનો શુભારંભ કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્રઢ નિશ્ચય છે કે ખેડૂતોની આવક બમણી કરવી અને ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા. દેશને વિકાસ અને સમૃદ્ધિની નવી રાહ તરફ આગળ લઈ જવામાં ખેડૂતોનો સહકાર પ્રથમ પગલું છે. કોરોનાની મહામારીમાં પણ દેશનું અર્થતંત્ર ધબકતું રહ્યું તેનું એકમાત્ર કારણ કૃષિ છે. ભારત કૃષિ અને ઋષિઓનો દેશ છે. ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારી માટે અનેક યોજનાઓ સરકાર બનાવી રહી છે. હાલમાં જ ગુજરાત રાજ્યએ અનોખી પહેલ કરીને ખેડૂત ભાઈઓને સ્માર્ટ મોબાઈલ ફોન આપ્યા જેના થકી ગુજરાતના ખેડૂતો પણ હવે સ્માર્ટ ખેડૂતો બનીને તમામ વિગતો માત્ર આંગળીના ટેરવે મેળવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દરેક સિઝનની શરૂઆતમાં ટેકાના ભાવ નક્કી કરતી હોય છે. જ્યારે આ વર્ષે ચણા, તુવેર, રાયડો અને ઘઉંના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે તા. ૨૧-૦૨-૨૦૨૨ થી ૨૮-૦૨-૨૦૨૨ સુધી ખેડુતોની નોંધણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાંથી કુલ ૪.૬૫ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે માટે ૨૯ જિલ્લાના ૩ લાખ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં કુલ ૭૬,૧૫૭ ખેડૂતોએ ટેકાના ભાવે ચણાના વેચાણ માટે નોંધણી કરાવેલ છે. લઘુતમ ટેકાના ભાવે આજથી શરૂ કરવામાં આવેલી ખરીદી આગામી ત્રણ માસ સુધી ચાલશે.
આ તકે ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખા સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, અગ્રણી મનસુખ ખાચરીયા, માજી ધારાસભ્ય બાવનજી મેતલીયા, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગન ઘોણીયા, નાફેડના પ્રતિનિધિ રોહિત બોડા, ગુજકોમાસોલ મેનેજર જે.જે.રૂપાપરા તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
