Homeગુર્જર નગરી‘જ્યાં સુધી દાસા સાહેબ GPSCના ચેરમેન છે ત્યાં સુધી તો મને સપનામાં...

‘જ્યાં સુધી દાસા સાહેબ GPSCના ચેરમેન છે ત્યાં સુધી તો મને સપનામાં પણ એવો વિચાર ન આવે કે મને અન્યાય થયો છે…’

Team Chabuk-Gujarat Desk: ગુજરાત જાહેર સેવા આયોગના (GPSC) અધ્યક્ષ તરીકે દિનેશ દાસાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. દિનેશ દાસાએ તેમના નિવૃત્તિ દિવસે ફેસબૂક પર પોસ્ટ મૂકી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. દિનેશ દાસાએ ફેસબુક પર મૂકેલી પોસ્ટના અંશો અત્રે પ્રસ્તુત છે.

મારે ઋણ સ્વીકાર કરવો છે…

આજે જી.પી.એસ.સી. (GPSC) અધ્યક્ષ તરીકેની મારો કાર્યકાળ પૂર્ણ થયો. આ ક્ષણોમાં, મારે ઋણ સ્વીકાર કરવો છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા સત્તર વર્ષમાં યોગ્ય ગણી, મને ભિન્ન ભિન્ન જવાબદારીઓ સોંપી, મારા જીવનને ઊર્જાવંત અને કારકિર્દીને ઉજ્જવળ કરી છે. હું આ ક્ષણે એમનો હૃદયપૂર્વક આભાર માની, આજીવન ઋણ સ્વીકાર કરું છું. 

આનંદી બહેન અને અમિત શાહ વિશે શું કહ્યું ?

મારામાં વિશ્વાસ મૂકી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી સમ્માનીય શ્રીમતી આનંદીબહેન પટેલે, સૌપ્રથમ મને GPSCના સભ્ય તરીકે અને ત્યારબાદ ચેરમન તરીકે નિયુક્તિ કરી. હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. “કામ હંમેશા નિર્ભય રહી કરવું”. – આ સૂત્રને સાર્થક કરવાનું બળ આપનાર ગૃહમંત્રી આદરણીયશ્રી અમિતભાઈ શાહનો હું સદાય આભારી રહીશ.

મુખ્યમંત્રીનો માન્યો આભાર

ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે મને પાંચ વર્ષ સહકાર અને માર્ગદર્શન પૂરા પાડ્યા. એમની હૂંફ માટે હું કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇશ્વરની સાક્ષીએ કાર્ય કરવાની મને પ્રેરણા આપી. મારા પ્રત્યેના આ સદભાવ માટે હું એમનો હૃદયપૂર્વક આભારી છું. રાજ્ય સરકારના સૌ ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીશ્રીઓ માટે પણ આભારનો ભાવ વ્યક્ત કરું છું. ગુજરાત રાજ્યની વિકાસયાત્રામાં નાનકડો ફાળો આપી શકાયો એ બદલ હું ઇશ્વરનો અને સૌ શુભચિંતકોનો જીવનપર્યંત ઋણી રહીશ. આપ સૌની કુશળતાની કામના માટે પ્રભુને પ્રાર્થના.

છેલ્લા છ વર્ષમાં કાબેલેદાદ કામગીરી

GPSCના ચેરમેન તરીકેની દિનેશ દાસાની જવાબદારી સંપન્ન થઈ છે. આયોગે ૬ વર્ષમાં કુલ ૮૨૭ જાહેરાતો પ્રસિદ્ધ કરી. ૨૪,૩૮૪ પદો માટેની ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવી. ૬૨ લાખ કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષાઓ માટે ઉમેદવારી નોંધાવી. આ પૈકી ૨૨,૫૨૪ પદો માટેની ભરતીપ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. બાકી રહેલા પદો માટેની ભરતીપ્રક્રિયા માટેની પ્રાથમિક પરીક્ષાઓ લેવાઈ છે. ઇન્ટરવ્યૂની કાર્યવાહી બાકી છે. એ રીતે આ પદો માટેની પ્રક્રિયા આંશિક રૂપે પૂરી થઈ છે. ઉપરાંત, આયોગે ૬ વર્ષ દરમિયાન ૯૬૦ દરખાસ્તો અન્વયે ૧૩,૬૩૦ અધિકારીઓની બઢતી માટેની, ૧૧૯૬ શિસ્ત વિષયક દરખાસ્તો પરત્વેની તથા ૬૬૮ ભરતી નિયમો ઘડવાની / સુધારવાની દરખાસ્તો પરત્વે જરૂરી કાર્યવાહી પણ કરી છે. આયોગે ૬ વર્ષ દરમિયાન આઠસોથી વધુ પરીક્ષાઓ લીધી. 

શૈલેષ સગપરીયાની ફેસબુક પોસ્ટ થઈ વાઈરલ

જીપીએસસીના ચેરમેન દિનેશ દાસા સાહેબ નિવૃત્ત થતા હોય, ખ્યાતનામ લેખક અને મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયાએ પણ તેમના આગવા શબ્દોમાં દિનેશ દાસાની પ્રતિભાને પોંખવાનું કામ કર્યું હતું. તેમણે લખેલી પોસ્ટમાં દિનેશ દાસા સાહેબની કામગીરીની પ્રશંસા કરતી અનહદ ટીપ્પણીઓ આવી હતી. કેટલાક તો તેઓ જ્યારે ચેરમેન હતા ત્યારે જીપીએસસીની પરીક્ષા પાસ કરી તેમની પણ કોમેન્ટ આવી હતી. કોઈ સરકારી અધિકારી નિવૃત થતા હોય અને તેમના આટ આટલા લોકો વખાણ કરતા હોય તેવો આ ભૂતો ન ભવિષ્યતિ જેવો બનાવ છે. આગળ શૈલેષભાઈ સગપરિયાના શબ્દોમાં દિનેશ દાસા સાહેબ.

શૈલેષભાઈની ફેસબુક પોસ્ટ

જસદણનો એક યુવાન જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો. રાજકોટમાં રહીને એને દિવસ-રાત સખત મહેનત કરી. ક્લાસ 1-2 અધિકારીની પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા બંને પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈ થયો અને ઉત્સાહપૂર્વક ઇન્ટરવ્યૂ પણ આપી આવ્યો.

થોડા સમય પછી ઇન્ટરવ્યૂનું પરિણામ જાહેર થયું. અધિકારી તરીકે પસંદ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં આ છોકરાનું નામ નહોતું. મારી સાથે બધી વાતો શેર કરતા આ છોકરાને સાંત્વના અને હિંમત આપવા માટે મેં એને કોલ કર્યો. વાત-વાતમાં મેં એને પૂછ્યું, ‘જી.પી.એસ.સી. દ્વારા ઇન્ટરવ્યૂમાં તને અન્યાય થયો હોય એવું લાગે છે ?’

જીપીએસસીએ જેને પસંદ નહોતો કર્યો એવા યુવાને મને જવાબ આપ્યો, ‘સાહેબ, જ્યાં સુધી દાસા સાહેબ જીપીએસસીના ચેરમેન છે ત્યાં સુધી તો મને સપનામાં પણ એવો વિચાર ન આવે કે મને અન્યાય થયો છે. હું પસંદ નથી થયો તો મારી જ કંઈક ભૂલ કે ખામી હશે. હું એ સુધારીશ અને ફરીથી પ્રયાસ કરીશ.’

અધિકારી બનવાના સપના સાથે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં આવો અદભુત વિશ્વાસ પેદા કરનાર જીપીએસસીના ચેરમેન આદરણીય શ્રી દિનેશ દાસા સાહેબ આજે એમનો કાર્યકાળ પૂરો કરીને સેવાનિવૃત થઈ રહ્યા છે. દાસા સાહેબના 6 વર્ષના કાર્યકાળ દરમ્યાન જીપીએસસીએ એના સૂત્ર ‘ચયનમ  સત્વશીલાનામ’ ને સાર્થક કરીને ખરેખર યોગ્ય અને લાયક ઉમેદવારો પસંદ કરીને સરકારને આપ્યા છે.

મજૂરી કરીને પરિવારને મદદ કરતો કોઈ છોકરો કે સાવ નાના અંતરિયાળ ગામડાના સામાન્ય પરિવારની કોઈ દીકરી અધિકારી તરીકે પસંદ થાય એ જીપીએસસીની પારદર્શક પસંદગી પદ્ધતિનો પરિચય આપે છે. અરવલ્લી જિલ્લાના સાવ છેવાડાના પીપરાણા ગામના વતની શ્રી પ્રકાશ પ્રજાપતિ ડી.વાય.એસ.પી. બની ગયા, બીજાના ઘરમાં રસોઈનું કામ કરીને અને હિરાઘસીને પરિવારને મદદરૂપ થતી માતાનો પુત્ર સફિન હસન જિલ્લા રજીસ્ટ્રાર બન્યો (જે આજે તો આઇપીએસ છે). શાળામાં ફરી-ફરીને પેનો વેંચનાર માતાનો દીકરો વિવેક ટાંક ડેપ્યુટી કલેકટર બન્યો, અનાજ દળવાની ઘંટી ચલાવનાર પરિવારનો દીકરો સાગર રાઠોડ ડીવાયએસપી બન્યો. એક ડ્રાઇવરનો પૌત્ર નિર્મલ ગોગરા જીએસટીનો આસિસ્ટન્ટ કમિશનર બન્યો, ગામડામાં ખેતીવાડી કરતા એક સાવ સામાન્ય ખેડૂતનો દીકરો વિપુલ સાકરીયા જીપીએસસીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા સ્થાને પાસ થયો. આવા તો ઢગલાબંધ દાખલાઓ છે.

દાસા સાહેબે ભરતીની જાહેરાત આપવાની સાથે સાથે  પરીક્ષા ક્યારે લેવાશે અને પરિણામ ક્યારે જાહેર થશે તેની તારીખ જાહેર કરવાની પરંપરા શરૂ કરી અને નિભાવી. સિસ્ટમમાં અનેક એવા પરિવર્તનો કર્યા  જેથી પરીક્ષાની તૈયારી કરનારા વર્ગનો વિશ્વાસ વધુ દ્રઢ થયો. સાહેબ, આપની વિદાય બાદ આપના જેવા જ ઉત્તરાધિકારી જીપીએસસીને મળે એવી પ્રાર્થના સાથે આપની કર્મઠતા, કર્તવ્યનિષ્ઠા અને કુશળતાને કોટી કોટી વંદન.

વિવેકભાઈ ટાંકના શબ્દો

શૈલેષભાઈ સગપરિયાની પોસ્ટ પર જ કોમેન્ટ કરતા પોરબંદરના ડેપ્યુટી કલેક્ટર વિવેકભાઈ ટાંકે જૂના દિવસોની યાદ તાજી કરી દિનેશ દાસા સાહેબની કામગીરી વખાણતા લખ્યું હતું કે, ‘ભારતીય ઇતિહાસમાં જેમ ‘ગુપ્ત વંશ’ ને અને ગુજરાતના ઇતિહાસમાં જેમ ‘સોલંકી વંશ’ ને સુવર્ણકાળ ગણવામાં આવે છે. તેવી જ રીતે GPSC માં ‘ડો.દિનેશ દાસા સાહેબ’ નો સમયગાળો સુવર્ણયુગ ગણી શકાય. તેમણે GPSC ની ઇમેજ એકદમ જ બદલી નાખી અને યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું એક પ્રેરકબળ ઉભું કર્યું. તેઓના સમયગાળા દરમ્યાન સાચા અર્થમાં મહેનત કરનારા હજારો વિદ્યાર્થીઓના સપનાઓ પૂર્ણ થયા છે. તેમાંનો એક હું પણ છું. તેમણે મહેનત કરતા યુવાનોને ધ્યાને રાખીને કરેલ પારદર્શી કામગીરી બદલ લોકો તેમના હંમેશા આભારી રહેશે.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments