Homeગુર્જર નગરીતમને કોઈને નહીં ખબર હોય પણ GPSCની પરીક્ષા પણ મહારાજ પાસે શુભ...

તમને કોઈને નહીં ખબર હોય પણ GPSCની પરીક્ષા પણ મહારાજ પાસે શુભ મુહૂર્ત જોવડાવીને જ નક્કી કરવામાં આવેલી છે!

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે GPSC દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત GPSCના ચેરમેન દિનેશ દાસા દ્વારા ટ્વિટર પર કરાતાં જ પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ. લાંબા સમયથી ભરતીની રાહ જોઈને તૈયારી કરી રહેલા યુવાનોને હાશકારો થયો. દિનેશ દાસાએ ક્યા વિભાગમાં કેટલી જગ્યાની ભરતી કરવામાં આવશે તે સહિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી. દિનેશ દાસાએ ટ્વિટર પર GPSC દ્વારા લેવાનાર પરીક્ષાની તારીખ અને જગ્યાની જાહેરાત કરતાં જ ટ્વિટર પર ધડાધડ લાઈક અને કોમેન્ટ્સ આવવા લાગી. જો કે પરીક્ષાની તારીખને લઈને એક યુવાને ટ્વિટર પર દિનેશ દાસા સમક્ષ એવી માંગણી કરી કે જેનાથી રમૂજ પણ ફેલાઈ ગઈ. સામે દિનેશ દાસાનો જવાબ પણ મજેદાર હતો.

AD

GPSC વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાની તારીખ 12/12/2021 જાહેર કરવામાં આવી છે. આ તારીખને લઈને ટ્વિટર પર દિનેશ દાસાને એક યુઝર્સે વિનંતી કરી. જય નામના એક યુઝર્સે દિનેશ દાસાના ટ્વિટમાં કોમેન્ટ કરતાં લખ્યું કે, તા. 12/12/2021 લગ્ન માટેનું સારું મુહૂર્ત છે, ગઈ સાલ કોવિડના કારણે ઘણા લોકોના લગ્ન બંધ રહેલ અને આ વર્ષે ઘણા ઉમેદવારો કે તેમના રિલેટિવમાં આ દિવસે પણ લગ્ન હશે, તો એક રવિવાર પરીક્ષા પાછળ લેવામાં આવે તેવી વિનંતી.

AD

દિનેશ દાસાનો જવાબ

12/12/2021ના રોજ લગ્ન પ્રસંગ હોવાથી પરીક્ષાની તારીખ બદલવા માટે યુઝર્સે કરેલી વિનંતીનો જવાબ દિનેશ દાસાએ મજેદાર રીતે આપ્યો. દિનેશ દાસાએ આ યુઝર્સને જવાબ આપતા લખ્યું કે, GPSCએ પણ મહારાજ પાસે જોવડાવીને જ શુભમુહૂર્તે 12/12એ પરીક્ષા નક્કી કરેલ છે. (મહારાજનું સરનામું/ફોન નંબર બાબતે કોઈએ પુછપરછ કરવી નહીં) શુભેચ્છાઓ ! આમ, દિનેશ દાસાએ રમૂજ સ્વરૂપે યુઝર્સને જવાબ આપીને કહી દીધું કે પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. તૈયારીઓ કરવા લાગો.

મહત્વનું છે કે, GPSCના ચેરમેન દિનેશ દાસા ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે. તેઓ GPSC દ્વારા લેવાનાર પરીક્ષાઓ, પરીક્ષાના પરીણામ વગેરે બાબતેનું અપડેટ સતત ટ્વિટર પર મૂકતાં રહે છે. તેઓને 2 લાખથી વધુ લોકો ટ્વિટર પર ફોલો પણ કરી રહ્યા છે. તેઓ ટ્વિટર પર જરૂર લાગે તેવા યુઝર્સને કોમેન્ટનો જવાબ પણ આપતાં હોય છે.

183 જગ્યાઓ પર થશે ભરતી

GPSC દ્વારા ગઈકાલે વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 215 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, નાયબ રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રાર, સહાયક રાજ્ય વેરા કમિશનર, નાયબ નિયામક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સમાજ કલ્યાણ અધિકારી, શ્રમ અધિકારી, રાજ્ય વેરા અધિકારીની જગ્યાઓ પર ભરતી થશે. GPSC દ્વારા લેવાનાર આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા માટે 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે. અને પ્રાથમિક કસોટીની તારીખ 12/12/2021 જાહેર કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments