Team Chabuk-Gujarat Desk: ભારત સરકારની ફલેગશીપ યોજના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ગ્રામ્ય ક્ષેત્રે સ્વચ્છતા લાવવાના હેતુને સાચા અર્થમાં સાર્થક કરવા માટે ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની વિવિધ પ્રવૃતિઓ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેના માટે ડોર ટુ ડોર કલેકશન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રે-વોટર મેનેજમેન્ટ, ફિકલ સ્લજ મેનેજમેન્ટ વગેરેની વ્યવસ્થાને વ્યાપક બનાવવાનો ગુજરાતમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
5.50 લાખનો ખર્ચ થયો
ગ્રામ વિકાસ વિભાગના આવા નવિન પ્રયોગોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વેડંચા ગ્રામ પંચાયત આ અંગે પહેલ કરીને ૩૦ ટકા ઘરોમાંથી આવતા ગ્રે-વોટર (બાથરૂમ અને રસોડામાંથી આવતા ગંદા પાણી) ની ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું અને ભૂગર્ભ જળ રિ-ચાર્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના માટે વેંડચા ગ્રામ પંચાયતે વાસ્મોનો ટેકનિકલ સપોર્ટ મેળવીને બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ તેમના સહયોગથી રૂા. ૫.૫૫ લાખના ખર્ચે સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરી વેડંચા ગામે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ બનાવવામાં આવ્યો છે.
આ પ્લાન્ટ લગાવવા માટે વેંડચા ગ્રામ પંચાયત દ્વારા નાણાંપંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ લિક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગ્રામ પંચાયતને ૫,૦૦૦ સુધીની વસ્તીના ગામ માટે વ્યકિત દીઠ રૂા.૨૮૦/- અને ૫,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામ માટે વ્યકિત દીઠ રૂા.૬૬૦/- ની ગ્રાન્ટ મળવાપાત્ર થાય છે. દરેક ગ્રામ પંચાયત વેડંચા ગ્રામ પંચાયતની જેમ સરળતાથી લિકવીડ વેસ્ટ મેનેજમેન્ટ આધારિત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપીને તેનું સરળતાથી સંચાલન અને નિભાવણી કરી શકે છે.
પ્લાન્ટની નિભાવણી પણ સાવ સરળ
આ અંગે બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઈ. શેખે જણાવ્યું કે, પાલનપુર તાલુકાના વેડંચા ગામે વાસ્મોના ટેકનિકલ સપોર્ટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટની વિશેષતા એ છે કે, આ મોડલ સરળ ટેકનોલોજી ઉપર આધારિત છે, જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે. આ મોડલમાં કોઈ જટીલ એન્જિનિયરિંગ કે ટેકનિકાલીટી વગર સામાન્ય સિવિલ વર્ક અને મુનચારકોલ, ફટકડી અને ચુના જેવા રો-મટીરીયલનો ઉપયોગ કરીને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને ખેતી અને રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાય છે.
પંચાયતને મહિને 50 હજારની આવક
આ માટે નાણાંપંચની ગ્રાન્ટ ઉપરાંત વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટમાંથી આવુ યુનિટ ગ્રામ પંચાયતો સરળતાથી બનાવી શકે છે. વેડંચા ગામે બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ માત્ર રૂા.પ .૦૦ લાખમાં બન્યું છે. ગામની જરૂરિયાત અને પાણીની આવક પ્રમાણે યુનિટનો ખર્ચ મહતમ રૂા.૫.૦૦ થી રૂા.૬.૫૦ લાખ સુધીનો થાય છે. વેડંચા ગામે બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટથી માત્ર ગ્રે-વોટર ટ્રીટમેન્ટ કરી પાણીને ખેતી અને રિ-ચાર્જ માટે વપરાશ પાત્ર બનાવવામાં આવે છે એટલુ જ નહીં પરંતુ તેનાથી ઉત્પન્ન થનાર જૈવિક ખાતરથી ગ્રામ પંચાયતને મહિને રૂા.૪૫,૦૦૦/- થી રૂા.૫૦,૦૦૦/- સુધીની આવક થાય છે, જેનાથી ગ્રામ પંચાયત સરળતાથી આ યુનિટની નિભાવણી કરી શકે છે અને એ રીતે આ મોડલ એક રીતે ગ્રામ પંચાયત માટે આત્મનિર્ભર સાબિત થયું છે.
આ મોડલની સફળતા જોઈને અન્ય જિલ્લાઓમાંથી ઘણા અધિકારીઓ, સરંપચો અને શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ માટે વેડંચા ગામની મુલાકાત લઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાથે ચર્ચા-વિચારણા કરીને અન્ય જગ્યાએ આ મોડલ અમલી બનાવવા સફળ પ્રયાસો થયા છે.
આ અંગે વેડંચા ગ્રામ પંચાયતના સરપંચ બેચરભાઈ ભાટીયાએ જણાવ્યું કે, વેડંચા ગામે બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટની સફળતાથી પ્રભાવિત થઈ અનેક જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ અને નિષ્ણાંતો ગામની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સતત માર્ગદર્શનના કારણે ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ના અન્ય કમ્પોનન્ટ જેમ કે, શોકપીટ, ડોર ટુ ડોર કલેકશન વિગેરે માટે પણ ગામમાં પહેલાં કરતા વધુ ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે જેનાથી અમારા ગામને મોડલ ગામ તરફ લઈ જવા પ્રેરણા મળે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
