Homeગુર્જર નગરીભૂતકાળ: જ્યારે એક તરફી પ્રેમમાં પાગલ રાજુએ ગુપ્તીના 15 ઘા ઝીંકી દીક્ષાને...

ભૂતકાળ: જ્યારે એક તરફી પ્રેમમાં પાગલ રાજુએ ગુપ્તીના 15 ઘા ઝીંકી દીક્ષાને પતાવી નાખેલ, આરોપીની રાતે જૂનાગઢથી થઈ હતી ધરપકડ

Team Chabuk-Gujarat Desk: ઈતિહાસ એક એવી વસ્તુ છે કે એ પુનરાવર્તન કરે છે. એટલે જ વિદ્વાનો ઈતિહાસને ફક્ત રાજા-મહારાજા અને ઈ:સની ઘટનાઓના બોક્સમાં બાંધીને ન રાખતા તેમાંથી બોધપાઠ લેવાની સલાહ આપે છે. સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ આખા ગુજરાતને હચમચાવીને રાખી દીધું. વાઈરલ થયેલો વીડિયો જોનારાઓ હત્યારા ફેનીલ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. ગ્રીષ્માને લઈ સોશિયલ મીડિયામાં એટલું વિસ્તૃત લખાયું છે કે એક પુસ્તક તૈયાર થઈ જાય. સોશિયલ મીડિયામાં આટલી જાગૃતિ દીક્ષા સમયે નહોતી આવી.

ગ્રીષ્માની હત્યા આજથી છ વર્ષ પહેલા રાજકોટમાં ઘટેલી ઘટનાનું સ્મરણ કરાવી જાય છે. જ્યારે પી.ડી.માલવિયા કોલેજની દીક્ષા પર એક તરફી પ્રેમમાં પાગલ બનેલા રાજુ મકવાણાએ ઉપરા છાપરી પંદર છરીના ઘા ઝીંકી રહેંસી નાખી હતી. પોલીસે ગણતરીની કલાકમાં હત્યારા રાજુની ધરપકડ કરી લીધી હતી અને તેને જેલ ભેગો કરી દીધો હતો. રાજુએ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ તો ઘટનાનું લાઘવ સ્વરૂપ દર્શાવ્યું. આખી ઘટના કહીએ.

23 એપ્રિલ 2015ની સવાર હતી. પરીક્ષાનો સમય હતો અને કોઠારિયા રોડ પરના હુડકો ક્વાર્ટરમાં રહેતી દીક્ષા દિનેશભાઈ મકવાણા પણ પરીક્ષા આપવા આવી હતી. દીક્ષાને ખબર નહોતી કે આજે તેના જીવનની અંતિમ પરીક્ષા છે. અણધાર્યું મોત તેની રાહ જોઈ બેઠું છે. દીક્ષાના આવતા જ રાજુ પણ ત્યાં પહોંચ્યો હતો. તેણે દીક્ષા સાથે પહેલા ઔપચારિક વાત કરી હતી. પછી ઝઘડો થયો. એ સમયે હાથમાં ગુપ્તી લઈ આવેલા રાજુ મકવાણાએ દીક્ષાના એક તરફી પ્રેમમાં પાગલ બની તેને ઉપરા છાપરી છરીના પંદર જેટલા ઘા ઝીંકી દીધા હતા.

બાદમાં રાજુ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વારદાતના દિવસે જ, રાતના સમયે પોલીસે રાજુની જૂનાગઢમાંથી ધરપકડ કરી લીધી હતી. રાજુની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોલીસ સામે કબૂલ્યું હતું કે, એ એકબીજાને પ્રેમ કરતા હતા. એકબીજાને લગ્નનું વચન આપ્યું હતું, પણ બાદમાં તેણે તેની જ જ્ઞાતિના અન્ય યુવકની સાથે સગાઈ કરી લીધી હતી. રાજુ દીક્ષાની પાછળ પાછળ કોલેજે જતો હતો પણ દીક્ષા તેની તરફ જોતી નહોતી. અંતે ઉશ્કેરાયેલા રાજુએ દીક્ષાનું કોલેજ કેમ્પસમાં જ કાસળ કાઢી નાખ્યું હતું.

પોલીસની સામે રાજુએ એ વાતની પણ કબૂલાત કરી હતી કે હત્યા કર્યા બાદ એ ટુ વ્હિલમાં કાલાવડ પહોંચ્યો હતો, જ્યાં તેણે અવાવરું વંડામાં હત્યાને અંજામ આપી તે ગુપ્તી ફેંકી દીધી હતી. પોલીસે આરોપી સાથે તેણે વાપરેલી ગુપ્તીને કબ્જે કરી હતી. પોલીસે આરોપીને રિમાન્ડમાં લીધા બાદ તેને જેલ ભેગો કરી દીધો હતો. જોકે વાત અહીં પૂર્ણ નથી થઈ જતી. આ ઘટનાએ એક નવો વળાંક લીધો હતો.

થોડા સમય બાદ એક બીજા સમાચાર પણ આવ્યા. વહેલી સવારનો ચાર વાગ્યાનો સમય હતો. રાજુએ નવી જેલની બેરેક નંબર પાંચના જાજરૂમાં બારીની જાળીમાં દોરી બાંધી ફાંસો ખાધો. જ્યાં દોરી તૂટી હતી અને રાજુ જમીન પર પટકાયો હતો. રાજુનો અવાજ સાંભળી જેલના અન્ય કેદીઓ સફાળા બેઠા થયા હતા અને તેનો આત્મહત્યાનો પ્રયાસ સામે આવી ગયો હતો. રાજુને અહીંથી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ રાજુ હજુ જેલમાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments