Homeસિનેમાવાદહે મા માતાજી... ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પાછી આવવાની છે....

હે મા માતાજી… ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પાછી આવવાની છે….

ઝાલાવાડી જલજીરા: ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મની શરૂઆત થાય છે એક દુકાનથી. જ્યાં ટીવી ઉપર એકધારી નજર કરતા લોકો ઊભા છે. શું જોઈ રહ્યા છે? સિરીયલ. કઈ? ક્યૂંકી સાસ ભી કભી બહુ થી. કોણ જુએ છે? પુરુષો! અને એવામાં વિલન સુલ્તાન ધડાકો કરી એ ટીવી ફોડી નાખે છે. ક્લાસિક ગેંગ્સ ઓફ વાસેપુરની શરૂઆત ભારતીય ઈતિહાસની સૌથી લોકપ્રિય સિરીયલમાંની એકથી થઈ હતી. આ સિરીયલ હવે પાછી આવવાની છે.

આ ઐતિહાસિક શોએ લોકપ્રિયતાના એક થી એક કિર્તીમાનો કડડભૂસ કરી નાખ્યા હતા. એને ગમે તે સમયે રાખો ટીઆરપી ઓલ ટાઈમ હાઈ રહેતી હતી. મીહિરનું મૃત્યુ થાય તો ઘરમાં બહેનો રડવા માંડતી હતી. આ સીરિયલે એકતા કપૂરને એકતા કપૂર તરીકેની ઓળખ આપી અને એટલું જ નહીં એક વિચાર એવો પણ આપ્યો કે ગમે તે પાત્રને મારી ફરી જીવતો કરો તો પણ ઓડિયન્સ જોવાની જ છે. મીહિરથી હિટ થયેલો આ આઈડિયા બાલાજી ટેલિફિલ્મ્સે હજુ પણ નથી છોડ્યો. આ ટીવી શો એ સમયે ટીવી પર સૌથી લાંબો ચાલ્યો હતો. વર્ષ 2000થી 2008 સુધી.

એકતા કપૂરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સાસભી…નો પ્રોમો શેર કરી તેની જાણકારી આપી છે. પ્રોમોના કેપ્શનમાં એકતા કપૂરે લખ્યું છે કે, ‘આ પ્રોમોની એક ઝલક જોઈને જ જૂની યાદો જીવંત થઈ ગઈ. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, તો મને એ દરેક ક્ષણ યાદ આવે છે. જેણે આ શોને સૌથી વધારે પ્રેમ આપનારો બનાવ્યો. એ જ પ્રેમની સાથે જોડાઈએ. ફરી એક વખત.’ હવે નવી પેઢીને સાસ ભી કભી બહુથીનો પરિચય થશે. મીહિર નામનું એક પાત્ર મરી ગયું ત્યારે બધાની શું સ્થિતિ થઈ હતી એનો ખ્યાલ આવશે. તમે વિચારતા હો કે ફરીથી શો બન્યો છે? તો કે ના… 16 ફેબ્રુઆરી 2022થી સાંજના પાંચ વાગ્યે રિપીટ ટેલિકાસ્ટ થશે. ફરીથી કસૌટી જિંદગી કી બનાવી પછડાટ ખાધી જ છે.

આ શો એક અમીર ગુજરાતી કુટુંબ પર આધારિત હતો. વિરાણી ફેમિલી. જેમાં તુલસી પુત્રવધૂ બનીને આવે છે. તુલસીનું પાત્ર વર્તમાન સમયે ભાજપના સાંસદ અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ ભજવ્યું હતું. 1833 એપિસોડ નિર્માણ પામ્યા અને પછી સિરીયલનો અંત થયો. 2005માં સિંહાલા ભાષામાં તેને ડબ કરવામાં આવ્યો હતો. 2005માં અફઘાનિસ્તાનમાં ડરી ભાષામાં ડબ થયો. આ બંને જગ્યાએ તેણે રેકોર્ડબ્રેક લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. 2007માં શ્રીલંકામાં તમિલ ભાષામાં તે રિમેડ થયો. મને ક્યૂંકી… ગમતી નથી. જરા પણ નહીં. જોકે શીપ ઓફ થીસીસી ફિલ્મ બનાવનારા અને તુમ્બાડ ફિલ્મ સાથે સંકળાયેલા આનંદ ગાંધીએ આ સિરીયલનું લેખન કાર્ય કર્યું હતું એ વાત વિસ્મય પમાડે છે. કદાચ એટલે જ શો લોકપ્રિય થયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments