Homeગુર્જર નગરીસિંહના ટોળા હોય: જૂનાગઢ-ભેંસાણ હાઈવે પર એક સાથે સાત સિંહોની મોર્નિંગ વોક...

સિંહના ટોળા હોય: જૂનાગઢ-ભેંસાણ હાઈવે પર એક સાથે સાત સિંહોની મોર્નિંગ વોક જોઈ લોકો સ્તબ્ધ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતીમાં એક લોક જીભે ચડેલી સુવિખ્યાત કહેવત છે. પણ લાગે છે કે હવે આ કહેવતને બદલવાનો સમય નજીક આવી ગયો છે. કહેવાય છે કે સિંહના ટોળા ન હોય…! પણ ગુજરાતના જૂનાગઢ અને ભેંસાણ રોડ પર વહેલી સવારે જે દૃશ્યો કેમેરામાં કેદ થયા છે અને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે એ જોતા લાગે છે કે સિંહના પણ ટોળા હોય મારા વ્હાલા.

વહેલી સવારનો સમય હતો. સ્થળ જૂનાગઢ અને ભેંસાણ હાઈવેનું ડરવાણા ગામનું પાટીયું. સવારમાં લોકો કામ પતાવવા માટે ગાડી લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક સાત સિંહોનું ટોળું રોડ પર પોતાનું શાસન જમાવી બેઠું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહોને જોયા બાદ રસ્તેથી પસાર થતા લોકોએ વાહનો થોભાવી દીધા હતા અને સિંહોની લટારની આનંદ માણી હતી. ભાગ્યશાળીને દેખાય એવો આ દુર્લભ નજારો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો અને બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

જૂનાગઢ અને ગીરના જંગલમાં જ રહેતા સિંહો કોઈ કોઈ વખત શિકારની શોધમાં માનવ વસાહત વાળા વિસ્તારમાં આવી ચડે છે, તો કોઈ વખત ખેતરમાં આવી જાય છે. લોકો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે કે સિંહો શિકારની શોધમાં નીકળ્યા હતા. સિંહોની શાહી સવારી પસાર થતા વાહનો થંભી ગયા હતા. અંધારામાં સિંહોની ચહેલપહેલ અને તેમની અદા સ્પષ્ટ દેખાતી હતી. થોડીવાર માટે રસ્તામાં સિંહોની એકીસાથે આટલી મોટી સંખ્યા જોઈ વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ સિંહ કોઈની પજવણી નથી કરતું એ વાત અહીં ફરી સિદ્ધ થઈ હતી. સિંહો રસ્તામાંથી પસાર થઈ ગયા બાદ વાહનોની ચહેલપહેલ પૂર્વવ્રત થઈ હતી. રસ્તામાંથી એક સાથે સાત સિંહોને લાઈવ જોનારા વાહન ચાલકોની સવાર સુધરી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments