Homeગુર્જર નગરી15 જિલ્લાના એક પણ બેરોજગારને સરકારી નોકરી નહીં

15 જિલ્લાના એક પણ બેરોજગારને સરકારી નોકરી નહીં

Team Chabuk-Gujarat Desk: ગુજરાતની ભાજપ સરકારના રાજમાં બેરોજગારી એ મોટો મુદ્દો બનતો જાય છે. બેરોજગારીનો ફુગ્ગો દર વર્ષે ફુલતો રહે છે. ઊંચી ડિગ્રા પ્રાપ્ત કરેલા નવા વિદ્યાર્થીઓ ઉમેરાય છે પણ નોકરીઓ મળતી નથી. આ વખતે વિધાનસભામાં ફરી એક વખત બેરોજગારીનો મુદ્દો ચગ્યો છે અને સરકાર ભીંસમાં આવી ગઈ છે.

સરકારે રોજગારી આપવાની મોટી મોટી વાત તો કરી, ખૂદ નાણામંત્રી નીતિન પટેલ ગુજરાતના બજેટમાં રોજગારીનો 20 લાખ જેટલો મોટો આંકડો બોલી ગયા, પણ હાલમાં કેટલા રોજગાર વાંચ્છુકોને રોજગારી મળી તેનો આંકડો વાંચશો તો તમ્મર ચડી જશે.

ગુજરાત વિધાનસભામાં ફરી એક વખત રોજગારીનો મુદ્દો ચગ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને જિલ્લાવાર સવાલો પૂછ્યા હતાં તેમાં રોજગારીની કંઈક આવી સ્થિતિ સામે આવી હતી.

આ  વાત છે વર્ષ 2019થી 2020ની. રાજ્યની રોજગાર કચેરીઓમાં નોકરી મળે તે આશાએ 3,92,418 શિક્ષિત જ્યારે 20,566 અર્ધ શિક્ષિત યુવાનોએ નોકરી મેળવવાની આશાએ પોતાનું નામ રાજ્યની રોજગાર કચેરીમાં નોંધ્યું હતું. વિધાનસભામાં ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે કુલ 1777 લોકોને નોકરી મળી છે. જોકે સરકારે કહ્યું છે કે આમાંથી જેટલા બેરોજગારો નોંધાયેલા છે તેમાંથી કુલ 5,86,277ને ખાનગી રોજગારી પણ આપી છે. આ વાત કહી સરકારે રોજગારીના આંકડામાં ભીનું સંકેલવાની કોશિશ અચૂક કરી હોવાનું લાગી રહ્યું છે. 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાતમાંથી સરકાર ફક્ત 1,777 લોકોને જ નોકરી અપાવી શકી તે મગજ ભમી જાય એવી વાત છે.

સરકારના આવા જવાબને લઈ આક્ષેપ કરતા કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં મહિસાગર, ખેડા, મોરબી, નવસારી, ભરુચ, જૂનાગઢ, દાહોદ, સુરત, વડોદરા, અમદાવાદ, તાપી વલસાડ, ડાંગ, નર્મદા.. આવા 15 જિલ્લાઓમાં એક પણ બેરોજગારોને સરકારી નોકરી નથી મળી.

આમ તો બજેટમાં સરકાર દ્વારા 20 લાખ નોકરીઓ આપવાની વાત કરી હતી! જે એકદમ પાયાવિહોણી લાગી રહી છે, કારણ કે ધ્યાનથી વિચારો તો ગુજરાત સરકારની આટલી તો કચેરીઓ પણ નહીં હોય. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ભરતીમાં થતાં ભવાડાના કારણે વિદ્યાર્થીઓ પણ ચિંતિત થઈ ગયા છે. અને એક પારદર્શી ભરતી પ્રક્રિયા અને નોકરીની આશા રાખી રહ્યા છે.

આમેય ગુજરાત સરકારને સૌથી વધારે ખમવાનો વારો બેરોજગારો તરફથી જ આવ્યો છે કારણ કે ગાંધીનગરમાં વિરોધ કરવા ઉમટી પડેલા વિદ્યાર્થીઓ સરકાર માટે માથાનો દુખાવો બની ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments