Homeગુર્જર નગરીગુજરાત માટે આજે ગોઝારો દિવસ, 4 અકસ્માતમાં 15 લોકોના મૃત્યુ

ગુજરાત માટે આજે ગોઝારો દિવસ, 4 અકસ્માતમાં 15 લોકોના મૃત્યુ

દિવાળી અને બેસતા વર્ષના તહેવારની પૂર્ણાહુતિ સાથે રાજ્યમાં અકસ્માતોની પણ વણઝાર લાગી ગઈ છે. તહેવારો દરમિયાન ખુશીમાં મહાલતા કેટલાય પરિવારો પર આભ તૂટી પડ્યું છે. ગુજરાતમાં એક જ દિવસમાં ચાર અલગ અલગ જગ્યાએ અકસ્માત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા બુધવાર ગોઝારો સાબિત થયો છે. એક બાદ એક અકસ્માતના કારણે મુખ્યમંત્રીએ પણ દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોની આત્માની શાંતિ માટે તેમણે પ્રાર્થના કરી છે.

અકસ્માતનું બ્રીફ

ગુજરાતમાં આજે અકસ્માતની 4 મોટી ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે. અને 42થી વધુને ઇજા પહોંચી છે. રાજ્યના વડોદરા, સુરત, સુરેન્દ્રનગર હાઈવે પર ગોઝારા અકસ્માત સર્જાયા છે. ત્રણેય અકસ્માતમાં સૌથી ગંભીર અકસ્માત વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો છે. જેમાં 5 મહિલા સહિત 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્યને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. સુરેન્દ્રનગરમાં કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. તો સુરત અકસ્માતમાં હજુ સુધી મોતના કોઈ સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 108 દ્વારા તમામને સારવાર હેઠળ લઈ જવાયા છે.

વડોદરા અકસ્માતમાં 11નાં મોત

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રિજ પર થયેલા અકસ્માતમાં 11નાં મૃત્યુ અને 16 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલા આઇશરનો ટ્રેલર સાથે અકસ્માત થયો. જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં 15 લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ દુર્ઘટનામાં 11 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે વડોદરાના માર્ગ અકસ્માત પર સીએમ વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે વડોદરામાં રોડ અકસ્માતની ઘટનાથી દુઃખી છું. અધિકારીઓને દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના છે. અને મૃતકોની આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું.

સુરેન્દ્રનગરમાં ચાર લોકોને અકસ્માત નડ્યો

સુરેન્દ્રનગરના લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં 4નાં મોત અને એક વ્યકિત ઈજાગ્રસ્ત થઈ છે. સુરેન્દ્રનગરના લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. ગંભીર અકસ્માતમાં લખતર ગામના કુંભાર પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા. મૃતકમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષ છે. મૃતક કુંભાર પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કોઠારિયા ગામ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અથવા તો સામે વાહનની લાઈટ પડતાં કાર ઝાડ સાથે અથડાતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં મૃત્યુ થયા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.

સુરતમાં અકસ્માતમાં વીસ લોકો ઈજાગ્રસ્ત

સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે બે ટ્રાવેલર્સ વચ્ચે અકસ્માત થયો છે જેમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં હજુ કોઇ મૃત્યુના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે 20થી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. બંને બસમાં બેઠેલા મુસાફરોની ચિચયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાયા છે.

નવસારીમાં ત્રણને ઈજા

નવસારીમાં ખાનગી બસનો અકસ્માત, એક બાળકી સહિત 3ને ઇજા નવસારીમાં પણ ખાનગી બસનો અકસ્માત થયો છે. જેમાં બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. જો કે બસ ક્લીનર અને એક બાળકી સહિત 3 લોકોને ઇજા થઇ છે. ચીખલી નજીક કન્ટેનરની પાછળ બસ અથડાઇ હતી. અને મળતી માહિતી મુજબ બસ મધ્યપ્રદેશથી પાલઘર શ્રમિકોને લઇને જઇ રહી હતી. આમ બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments