Team Chabuk-Gujarat Desk: ગુજરાતને હવે પેપરફોડોએ પોતાના અજગરભરડામાં લીધા છે. થોડા સમય પૂર્વે જ ફૂટેલા હેડ ક્લાર્કના પેપરની શાહીના ડાઘ ગુજરાત સરકારની ઉપરથી સૂકાયા નહોતા ત્યાં ઉર્જા વિભાગની ભરતી પરીક્ષાનું પેપર પણ ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં નવી બનેલી ગુજરાત સરકારની કેબિનેટની માથે વધુ એક કાળું કલંક લાગ્યું છે. કેન્દ્રની સરકારને પણ મનમાં એવું હશે કે ગુજરાતનું નવું કેબિનેટ દૂધે ધોયેલું હોય 2022ની ચૂંટણીમાં જનતા તરફથી કશોક ફાયદો થશે. જોકે બે-બે ભરતી પરીક્ષાના પેપરો ઉપરા-છાપરી ફૂટ્યા અને ગુજરાતની ભાજપ સરકાર હતી ત્યાંની ત્યાં આવીને રહી ગઈ.
મોદી સાહેબ વખતે તો કંઈ નહોતું થતું
ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એક પણ ભરતી કૌભાંડ સામે નહોતું આવ્યું પણ વિજય રૂપાણીની સરકાર બાદ પેપર ફૂટવાનો સિલસિલો ભુપેન્દ્ર પટેલની સરકાર સુધી લંબાયો છે. આ સર્વસત્તાધીશોના નાક નીચે કેવી રીતે પેપર ફુટતા હશે તે ફિલ્મની કોઈ પટકથાથી ઓછું નથી. આ જ ઘટના જો દક્ષિણ ભારતમાં બની હોત તો એ લોકો સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનાવવાની તૈયારી કરવા માંડેત!
21 લાખમાં પાસ!
જેમણે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યાનું જાહેર કર્યું હતું એ જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે બાદમાં રાજ્ય સરકારની ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે કેટલાક ચોક્કસ સમાજના ઉમેદવારો રૂપિયા આપી પરીક્ષામાં પાસ થતાં હોવાનો ધડાકો કર્યો હતો. આ ધડાકાથી ગુજરાત ફરી એક વખત ધુણ્યું હતું, કે શું ચારેબાજુથી મજબૂત હોવાના બણગા ફૂંકતી ભાજપની સરકાર એક પરીક્ષા ઠીકથી નથી લઈ શકતી. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે એવી પણ જાહેરાત કરી હતી કે, 21 લાખ રૂપિયા લઈ ઉમેદવારોને પાસ કરવામાં આવે છે. તેમણે કેટલાક વચેટિયાઓની માહિતી આપી હતી. એ સિવાય આ પરીક્ષામાં પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના યુવાનોને પાસ કરાવીને નોકરી અપાવવાનું ષડ્યંત્ર હોવાનો આક્ષેપ યુવરાજસિંહે કર્યો હતો.
કેવી રીતે પાસ થાય?
યુવરાજસિંહે કરેલા આક્ષેપમાં ઉમેદવારોને કેવી રીતે પાસ કરવાનું ષડયંત્ર ચાલે છે તેની પણ વાત સામે રાખી હતી. વિદ્યાર્થી નેતાએ કહ્યું હતું કે, રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવી હોય તેનો નંબર કન્ટ્રોલ રૂમમાં આપી દેવામાં આવે છે. આ વિદ્યાર્થીને માત્ર કમ્પ્યુટરની સામે બેસવાનું હોય છે. ઓનલાઈન પેપરમાં કન્ટ્રોલ રૂમમાંથી સાચા વિકલ્પ પર આપોઆપ ટીક માર્ક કરી દેવામાં આવે છે. આ પ્રકારના ઉમેદવારોની પાસેથી એક લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા