Homeગુર્જર નગરીઅમદાવાદ સિવિલ હોસ્પિટલનો વિવાદીત નિર્ણયઃ મીડિયાને કવરેજ કરવા માટે સિક્યોરિટી હેડ પાસેથી...

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વિવાદીત નિર્ણયઃ મીડિયાને કવરેજ કરવા માટે સિક્યોરિટી હેડ પાસેથી મંજૂરીની ચીઠ્ઠી લેવી પડશે !

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે તેને વિવાદોમાં રહેવું જ છે. એટલું જ નહીં હવે તો સિવિલ હોસ્પિટલ તંત્ર તાનાશાહ જેવા નિર્ણયો પણ લેવા માંડ્યું છે. આજે સવારે સિવિલ હોસ્પિટલમાં એક ખાનગી ન્યૂઝ ચેનલની મહિલા પત્રકાર સાથે સિક્યોરિટી ગાર્ડે દાદાગીરી કરી. મહિલા પત્રકારનો વાંક માત્ર એટલો જ હતો કે તેને કવરેજ કરવા જવું હતું. દર્દીઓને પડતી હાલાકી જનતા સમક્ષ રજૂ કરવી હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાય દિવસથી ચાલતી તબીબોની હડતાળનું અપડેટ મેળવવું હતું પરંતુ સિક્યોરિટી ગાર્ડે પત્રકારને હોસ્પિટલની અંદર જ ન જવા દીધી.

મહિલા પત્રકારે જ્યારે સિક્યોરિટીની વાતને અવગણી હોસ્પિટલની અંદર જવાની કોશિશ કરી તો સિક્યોરિટી ગાર્ડના ટોળા વળી ગયા અને એક મહિલા પત્રકારને ધક્કા-મુક્કી કરી હોસ્પિટલના ગેટની બહાર લઈ જઈ ગેટ બંધ કરી દીધો.આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓએ સારું લગાડવા એક નિર્ણયની જાહેરાત પણ કરી દીધી છે કે, તેઓ મહિલા પત્રકાર સાથે અણછાજતું વર્તન કરનારા સિક્યોરિટી ગાર્ડ સામે પગલાં લેશે. જો કે, બીજી બાજુ એક એવો નિર્ણય લીધો છે જેને તાનાશાહી જ કહી શકાય.

સૂત્રોનું માનીએ તો સિવિલ તંત્રનો આ નિર્ણય છે કે, હવેથી કોઈ પણ પત્રકારને પરવાનગી વગર કવરેજ કરવાની છૂટ નહીં મળે. જો પત્રકારોને સિવિલ હોસ્પિટલનું કવરેજ કરવું હશે તો પ્રથમ તેમણે સિક્યોરિટી હેડ પાસે એક ચીઠ્ઠી લખાવવી પડશે. સિક્યોરિટી હેડ સાહેબનું મન હશે તો તેઓ કવરેજ કરવાની છૂટ આપશે. જો તેમને જરા પણ અહેસાસ થઈ જશે કે સ્ટોરી તો આપણી પોલ ખોલશે તો તેઓ બહાના બનાવી સરકારી જવાબ આપી શકે છે. જેવા કે સાહેબ હમણા મિટિંગમાં છે !

આપણે પત્રકારત્વને લોકશાહીની ચોથી જાગીર ગણીએ છીએ. પત્રકારત્વ માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. પત્રકારત્વ આઝાદ છે તે કોઈની ચીઠ્ઠી અને મંજૂરીની રાહ ન જુવે. પત્રકારત્વ ગમે તે વ્યક્તિ, સંસ્થા તેમજ ખુદ સરકાર અને વિપક્ષને અરીસો બતાવનારું છે. જેથી સિવિલ હોસ્પિટલ ઈચ્છે તો પણ આવું ન થઈ શકે. એટલે આ વિવાદીત નિર્ણય સિવિલ હોસ્પિટલે પાછો લેવો પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments