Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ડૉક્ટર દંપતી વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, દંપતીએ એક ખાનગી કંપનીના ડિરેક્ટરને ત્રણ કરોડ રૂપિયાનો બંગલો વેચ્યો. જો કે, બંગલાની જમીન કપાતમાં હોવાની જાણ છતાં આરોપીઓ 2 કરોડ 98 લાખ 74 હજાર રૂપિયામાં બંગલો પધરાવી દીધો. એટલું જ નહીં જ્યારે જમીન કપાતમાં હોવાની જાણ ફરિયાદીને થયા બાદ ફરિયાદીએ આ અંગે વાત કરી તો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતી સર્જાઈ. એટલે કે, ડૉક્ટરે ફરિયાદી સાથે જ દાદાગીરી કરી અને ટપોરીના શબ્દોમાં કહ્યું કે, થાય તે કરી લો !

ઘટના અમદાવાદના મણીનગર વિસ્તારની છે. ક્રિએશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના મહિલા ડિરેક્ટર અને અમરાઈવાડી ખાતે રહેતા મંજુલાબેન દક્ષેશભાઈ ગોહિલે કેન્સર સર્જન કિરણ કોઠારી અને કિરણ કોઠારીની પત્ની સંધ્યા કોઠારી અને સાળી સંગીતા ઠાકર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીનો આરોપ છે કે, કેન્સર સર્જન કિરણ કોઠારીએ તેમને જણાવ્યું હતું કે, તેમની પત્ની અને સાળીને અમર સોસાયટીમાં વારસાઈમાં બંગલો મળ્યો છે જે બંગલો વેચવાનો છે. ફરિયાદીએ બંગલામાં રસ પડતા આરોપી સાથે 2 કરોડ 98 લાખ 74 હજાર રૂપિયામાં બંગલાનો સોદો કર્યો હતો. દસ્તાવેજી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ફરિયાદીએ બંગલાનું પઝેશન પણ મેળવી લીધું હતું. જો કે, બંગલોના કામ ખૂબ જૂનું હોવાથી ગોહિલ પરિવારે નવેસરથી બંગલો બનાવવાનું નક્કી કર્યું હતું.

નવસેરથી કામગીરી કરવાની હોવાથી ફરિયાદીએ સિવિલ એન્જિનિયરનો સંપર્ક કર્યો હતો. જ્યારે સિવિલ એન્જિનિયરે ફરિયાદીને કહ્યું કે, કોર્પોરેશનમાં બંગલાની 80 વાર જગ્યા કપાતમાં છે. આ સાંભળીને ફરિયાદીને આંચકો લાગ્યો હતો અને તાત્કાલિક કેન્સર સર્જન કિરણ કોઠારીનો સંપર્ક કર્યો હતો. જો કે, કેન્સર સર્જન લાજવાના બદલે ગાંજ્યા હતા અને એક ડૉક્ટરને ન શોભે તેવી ભાષામાં ફરિયાદી સાથે વાત કરી હતી.

ફરિયાદીએ આ ઘટના બાદ એક આરટીઆઈ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યુ હતું કે, આ બંગલા મુદ્દે તો કોર્ટ મેટર થઈ ચુકી છે. જે વાત બંગલો વેચતી વખતે કેન્સર સર્જન કિરણ કોઠારી તેમની પત્ની અને સાળીએ છુપાવી આયોજનબદ્ધ બંગલો પધરાવી દેવાનું કામ કર્યું હતું.

આ સમગ્ર મુદ્દે ફરિયાદીએ મણીનગર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આધાર પુરાવા રજૂ કરી ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 406, 420, 467, 468, 506(1), 120 (B) અને 471 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
