Team Chabuk-Gujarat Desk: અમદાવાદના મણિનગરમાં એક યુવકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. યુવક મણિનગરના ફાયર સ્ટેશન સામેથી પોતાની બાઈકમાં જઈ રહ્યો હતો. આ સમયે તેણે અચાનક બાઈક પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તા પર પટકાયો. આ જોઈને આસપાસમાં હાજર લોકો તાત્કાલિક તેની પાસે પહોંચી ગયા હતા અને યુવકને સરખી રીતે રસ્તાની સાઈડમાં બેસાડ્યો હતો. બાદમાં એમ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો.

મળતી માહિતી મુજબ યુવક જ્યારે ફાયર સ્ટેશન સામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે જ યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ ધડાકાભેર ફાટ્યો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે રસ્તા પર પટકાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થતા બચી ગઈ છે. હાલ તે ઈસનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. હાલ યુવકની હાલત સ્થિર છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, યુવકને હાથના ભાગે ઈજા પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ આવી રીતે મોબાઈલ બ્લાસ્ટ થતાં કિશોરનું મૃત્યું થયું હતું. આ ઉપરાંત એક દુકાનમાં બેસેલા વ્યક્તિના ખિસ્સામાં પણ મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. તેઓ જ્યારે દુકાનમાં બેઠા હતા અને દુકાનદાર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના ખિસ્સામાં રહેલો મોબાઈલ સળગવા લાગ્યો હતો. મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા તેમણે તાત્કાલિક મોબાઈલ ખિસ્સામાંથી કાઢી દુકાન બહાર ફેંક્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

વારંવાર મોબાઈલ ફાટવાની ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. આજે દરેક ઘરમાં મોબાઈલ ફોન છે અને બાળકો પણ તેનો ઉપયોગ કરતાં હોય છે. કેટલીક વાર તો ચાર્જ પુરુ થઈ ઘયું હોવા છતાં બાળકો ચાર્જિંગની પીન લગાવીને મોબાઈલનો ઉપયોગ કરતાં હોય છે. જે ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે.
એક એક્સપર્ટે કહ્યું કે, આમ તો મોબાઈલ બ્લાસ્ટની ઘટના બહું ઓછી બને છે પરંતુ બ્લાસ્ટ થવાના કારણે ક્યારેક વ્યક્તિનું મૃત્યું પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે, મોબાઈલ ફાટવાના ઘણા કારણો છે. મોબાઈલમાં વાયરસના કારણે પણ બ્લાસ્ટની ઘટના બની શકે છે. જ્યારે આપણે મોબાઈલ ફોનમાં એવી એપ્લીકેશન અથવા તો ગેમ ઓપન કરીએ છીએ જે વેરિફાઈડ નથી હોતી તેવા સંજોગોમાં મોબાઈલમા વાયરસ આવી શકે છે. જે મોબાઈલને હેક કરી લે છે અને મોબાઈલના મધરબોર્ડ પર અસર કરે છે. જેના કારણે મોબાઈલ ફોનના ફાટવાની સંભાવના વધી જાય છે. તેમણે કહ્યું કે, મોબાઈલ ફોન ફાટવાનું બીજુ કારણ મોબાઈલમાં લાગેલા લોકલ પાર્ટ પણ હોઈ શકે છે. ક્યારેક કોઈ કંપની અથવા દુકાનદાર પૈસા બચાવવા માટે મોબાઈલમાં લોકલ પાર્ટ લગાવી દે છે જે યુઝર માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ચાર્જમાં મોબાઈલ રાખીને ઉપયોગ કરવાથી પણ મોબાઈલ ફાટી શકે છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત