Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ સૌથી મોટું અભિયાન ચલાવાયું છે. અમદવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે ગુજરાતમાં પહેલીવાર ડ્રગ્સ બનાવતા યુનિટ પર દરોડો પાડ્યો અને 2 આરોપીની ધરપકડ કરી કુલ સાડા ચાર કિલોગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. આ ઉપરાંત ટીમે આરોપીઓ પાસેથી કુલ 85 લાખ રોકડા રૂપિયા પણ જપ્ત કર્યા. અમદાવાદ નાર્કોટિસ્ક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે વલસાડના ડૂંગરી ગામે રેડ કરી હતી. આ રેડ 20 કલાક સુધી ચાલી હતી.
એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે શખ્સો ઝડપાયા છે. છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમની આરોપીઓ પર નજર હતી. મોકો શોધીને ટીમે આરોપીના અલગ અલગ અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને રોકડા રૂપિયા પણ મળી આવ્યા હતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમની પ્રાથમિક તપાસમાં આ રૂપિયા ડ્રગ્સના વેચાણથી થયેલી આવક હોવાનું મનાઈ રહ્યું છે.
રાજ્યમાં આ પહેલાં ડ્રગ્સ ઝડપાવાના કેટલાય કિસ્સાઓ બની ગયા છે. જો કે, આખેઆખુ યુનિટ ઝડપાવાનો આ પ્રથમ કિસ્સો છે. આરોપીઓના આ યુનિટને જોઈને NCBની ટીમ પણ ચોંકી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બે આરોપીમાંથી આરોપી પ્રકાશ પટેલ ડ્રગ્સ બનાવવાનું કામ કરતો હતો. જ્યારે સોનુ રામ નિવાસ નામનો આરોપી ડ્રગ્સ વેચવાનું કામ કરતો હતો.
હાલ NCBની ટીમે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. ટીમ તપાસ કરી રહી છે કે, આરોપીઓ કેટલા સમયથી આ ડ્રગ્સનું યુનિટ ચલાવતા હતા અને અત્યાર સુધીમાં કોને-કોને અને ક્યાં ક્યા વિસ્તારોમાં ડ્રગ્સ મોકલ્યું છે. આ ઉપરાંત આરોપીઓ સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ તેમજ આરોપીઓ કાચો માલ ક્યાંથી લાવતા તે અંગે પણ ટીમે તપાસ શરૂ કરી છે. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત