Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સગર્ભાઓ એટલે કે ભાવિ માતાઓને બાળક માટે અમૃત સમાન માતાનું ધાવણ કેવી રીતે આપવું તેની સચોટ પદ્ધતિઓથી જાણકાર બનાવવાનું બાળ અને માતાના આરોગ્ય માટે ખૂબ જ અગત્યનું અભિયાન શરૂ કર્યું છે. તેના ભાગ રૂપે હાલમાં એમ.બી.બી.એસ.ના તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓને સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સંસ્થાના સહયોગથી વીડિઓ અને નિદર્શનો દ્વારા માતાએ બાળકને કેવી રીતે ધાવણ આપવું જોઈએ તેની તાલીમ મુંબઈ આઇ. આઈ. ટી. એ બનાવેલા વીડિઓ અને મોડેલ નિદર્શન દ્વારા આપવામાં આવી રહી છે. ઉપરોક્ત સંસ્થાના નાયબ નિયામક ડો. મનીષ ફેન્સી રાજ્યભરમાં આ તાલીમ યોજી રહ્યાં છે અને હાલમાં ચાલી રહેલા વિશ્વ સ્તનપાન સપ્તાહની પ્રવૃતિઓના ભાગ રૂપે સયાજી હોસ્પિટલમાં નર્સિંગ વિદ્યાર્થીઓ અને ભાવિ તબીબોને આ તાલીમ અને બ્રેસ્ટ ફીડિંગ કેમ અનિવાર્ય છે તેની સમજણ આપવામાં આવી રહી છે.
સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગનાના વડા ડો.આશિષ ગોખલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ આયોજન અંગે વિભાગના અધિક પ્રાધ્યાપક ડો.મૈત્રી શાહે જણાવ્યું કે, અમે અમારે ત્યાં નોંધાયેલી સગર્ભા બહેનો જ્યારે પૂર્વ પ્રસૂતિ તબીબી તપાસ કરાવવા આવે ત્યારે તેમને સલામત માતૃત્વ માટે તૈયાર કરવાના ભાગ રૂપે કાઉન્સેલિંગ અને મોડલ આધારિત નિદર્શન દ્વારા ધાવણ આપતી વખતે પોઝિશન કેવી રાખવી, ફીડિંગ વખતે કેવી ભૂલો માતાઓ કરે છે અને તેને લીધે કેવી મુશ્કેલીઓ સર્જાય છે તથા એ ભૂલો કેવી રીતે સુધારવી તેની સમજણ આપવાનું શરૂ કરવા માંગીએ છે. તેમાં આ તાલીમ ખૂબ ઉપયોગી બનશે અને ભાવિ માતામાં બાળકને સરળતાથી સ્તનપાન કરાવી શકાય છે એનો વિશ્વાસ બંધાશે.
ખાસ કરીને આ તાલીમમાં ક્રોસ ક્રેડલ ફીડિંગ ટેકનિકની સમજણ આપવામાં આવી રહી છે. આ પદ્ધતિમાં બંને હાથને અદબની મુદ્રામાં રાખીને બાળકને યોગ્ય રીતે તેડીને ધાવણ આપતાં શીખવાડવામાં આવે છે. તેનો મોટો ફાયદો એ છે કે, બાળકને ટીપે ટીપે નહીં પણ ઘૂંટડે ઘૂંટડે માતાનું દૂધ પીવા મળે છે જેથી તેને વધુ પોષણ મળવાની સાથે કુપોષણ અટકાવી શકાય છે. સચોટ રીતે ધાવણ માત્ર બાળક માટે જ નહીં પણ માતા માટે પણ એટલું જ ફાયદાકારક છે. ધાવણની સચોટતા માટે બાળકને કેવી રીતે તેડવું એ ખૂબ મહત્વનું છે.
બાળકોના વિભાગના સહ પ્રાધ્યાપક ડો. શ્વેતલ ભટ્ટ કહે છે કે, જન્મ પછી નવજાત શિશુને શક્ય તેટલું વહેલું માતાનું ધાવણ આપવું જોઈએ અને તેના સિવાય મધ કે અન્ય કશું જ આપવું ન જોઈએ. આ બાબત માતા માટે પણ એટલી જ ફાયદાકારક છે. બાળક માટે જન્મના 6 મહિના સુધી માતાના દૂધથી ઉત્તમ અન્ય કોઈ પોષક આહાર નથી. ધાવણની સચોટ પદ્ધતિ કુપોષણની સાથે બાળ મરણ ઘટાડવામાં ઉપયોગી બની શકે છે.
તેઓ કહે છે કે, આ પ્રકારની તાલીમ અને તેના અમલથી સમુચિત બ્રેસ્ટ ફીડિંગની જાગૃત્તિની બાબતમાં ગુજરાત અન્ય રાજ્યો માટે મોડલ બની શકે. આ સપ્તાહના ભાગ રૂપે જન્મના છ મહિના પછી કેવો ઉપરી આહાર આપવો તેની જાણકારીનું સત્ર યોજવામાં આવશે. આ ઉપરાંત બાળ આરોગ્ય વિભાગ દ્વારા સ્તનપાન જાગૃતિ વિષયક ક્વિઝ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓ પણ વિવિધ કક્ષાના તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી છે.
રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા દ્વારા સંસ્થા ખાતે અગાઉ એક બેચમાં ટ્રેનિંગ ટુ ટ્રેનર્સ અન્વયે રાજ્યના જિલ્લાઓના તબીબો અને નર્સિંગ સ્ટાફને આ તાલીમ આપવામાં આવી છે. હવે આ લોકો પોતાના જિલ્લાના અન્ય તબીબો અને આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપશે. લોક માતા ગંગા અને જન્મદાત્રી માતા, આ બંનેનો દરજ્જો એક સમાન છે. ગંગાનું જળ જન સમુદાયને પોષે છે તો માતાનું દૂધ પ્રત્યેક બાળક માટે સુપોષક છે, એનો જન્મસિદ્ધ અધિકાર છે. માતાના ધાવણથી બાળકને વંચિત રાખવું એ કાયદાની રીતે તો નહીં પણ નૈતિક ગુનો છે એવું જરૂર કહી શકાય. ગંગા તેરા પાની અમૃતની પંક્તિઓ ને, માતા તારું ધાવણ અમૃત એ રીતે પણ લખી શકાય. ત્યારે સયાજી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ અને રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિગૃહનો આ પ્રયાસ સરાહનીય છે.
આરોગ્ય વિભાગની ગાઈડ લાઇનમાં નવજાત શિશુને જન્મના પહેલા કલાકમાં જ માતાનું ધાવણ આપવાની ભલામણ કરવામાં આવી છે. જો કે સગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય એન્ટી નેટલ અને બ્રેસ્ટ ફીડિંગ-પૂર્વ પ્રસૂતિ અને સ્તનપાન કાઉન્સેલિંગના અભાવે માતામાં વિશ્વાસની કમી રહે છે એવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગના તબીબ અને અધિક પ્રાધ્યાપક ડો.મૈત્રી શાહે જણાવ્યું કે, તેના લીધે માતાઓના મનમાં’ મને દૂધ ઓછું આવે છે, દૂધ નથી આવતું, હું બાળકને નહીં ધવડાવી શકું’ જેવા ડર ઘર કરી જાય છે.
પ્રસૂતિ પહેલાં જરૂરી સમજણ મળી ના હોય તો માતા બાળકને ઉચિત રીતે છાતીએ વળગાડી શકતી નથી અને ડીંટડી (નિપલ)થી દૂધ પીવડાવે છે. એટલે બાળકની ઊર્જા દૂધ શોષવામાં વપરાય છે અને તેને પૂરતું દૂધ મળતું નથી. તેના લીધે વજન વધતું નથી અને બાળક નબળું રહે છે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે બાળક માટે માતાના દૂધની અગત્યતા સમજાવતા તેમણે ઉમેર્યું કે, આ તકલીફોના નિવારણ માટે સગર્ભાવસ્થાની તપાસ દરમિયાન ભાવિ માતાને મોડલની મદદથી પ્રેક્ટિકલ કરાવીને, વીડિઓ બતાવીને બાળકને યોગ્ય રીતે છાતીએ વળગાડીને ધાવણ આપવાની સમજણ આપવી ખૂબ જરૂરી છે.
ખાસ કરીને પહેલીવાર માતા બનવાની હોય તેવી બહેનોનું આવું કાઉન્સેલિંગ અનિવાર્ય છે. બાળકને ધાવણ આપવાની બાબતમાં માતાનો આત્મ વિશ્વાસ ના બંધાય તો તે યોગ્ય અને પૂરતું દૂધ પીવડાવી શકતી નથી અને સગાવ્હાલા બાળકને ઉપરના દૂધ પર ચઢાવી દેવાનો સહેલો રસ્તો અપનાવે છે. જે માતા અને નવજાત બાળક, બંનેના આરોગ્ય માટે જોખમી અને હાનિકારક છે. એટલે સગર્ભા બહેનોને સ્તનપાન અંગે સમજણ આપીને તેમનામાં વિશ્વાસ બંધાવવો ખૂબ જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત