Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં જાહેર સ્થળો પર હવે મહિલાઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. જે પોલીસ મહિલાઓની સુરક્ષા માટે ખડેપગે હોય તેમાંના જ પોલીસ કર્મી જો મહિલાઓની છેડતી કરે તો ફરિયાદ પણ ક્યા કરવી. આવી જ ઘટના બની છે અમદાવાદ શહેરમાં. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એક કોન્સ્ટેબલે યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. વાપીથી ટ્રેનમાં અમદાવાદ આવેલી ABVPની યુવતીને અમદાવાદ રેલવે સ્ટેશન પર કડવો અનુભવ થયો છે. ABVPની યુવતીની એક પોલીસ કોન્સ્ટેબલે જ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
યુવતીની ફરિયાદ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશન પર ABVPની યુવતી જ્યારે લિફ્ટમાં હતી ત્યારે સાથે રહેલા પોલીસ કોન્સ્ટેબલે તેના મોઢા પરથી માસ્ક દૂર કરીને ગાલ પર હાથ ફેરવ્યો હતો. જેથી યુવતીએ પ્રત્યુતરમાં હાથ દૂર કરીને કોન્સ્ટેબલના પગ પર પગ માર્યો હતો અને લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ પણ પોલીસ કોન્સ્ટેબલે યુવતીનો પીછો કર્યો હતો અને મોબાઈલ નંબર માગ્યો હતો. પરંતુ ABVPના કાર્યકરો આવી જતાં કોન્સ્ટેબલ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. આ મામલે ABVPની યુવતીએ ઘટનાના પાંચ દિવસ બાદ પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ મામલે નામ વગર જ ફરિયાદ નોંધીને કાર્યવાહી આગળ વધારી છે.
પાંચ દિવસ પહેલા બની હતી ઘટના
ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળ દમણની અને હાલ અમદાવાદના પાલડીમાં આવેલા ABVPના કાર્યાલયમાં રહેતી ABVPની કાર્યકર્તા એવી 25 વર્ષની યુવતી 31 જુલાઈના રોજ વાપીથી અમદાવાદ ટ્રેનમાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતરીને યુવતી ટ્રોલીબેગ ન મળતાં રેલવે ટ્રાફિક પોલીસ ચોકીમાં જઈને પોલીસ પાસે તેની બેગ ખોવાઈ હોવાની જાણ કરી હતી. જેથી પોલીસ અધિકારીએ સિવિલ ડ્રેસમાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલને યુવતીની મદદ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ ABVPની યુવતી અને કોન્સ્ટેબલ પાણીના સ્ટોલ પર જતાં સ્ટોલવાળાએ જણાવ્યું કે સીસીટીવી રૂમમાં પ્લેટફોર્મ 1 પર બેગ લઈ ગયા છે. આથી યુવતી અને કોન્સ્ટેબલ પ્લેટફોર્મ 1 પર જવા માટે લિફ્ટમાં ગયા હતા.
લિફ્ટમાં કોન્સ્ટેબલની નિયત બગડતાં તેણે યુવતીએ પહેરેલું માસ્ક હાથથી નીચે કરીને યુવતીના ગાલ પર હાથ ફેરવવા લાગ્યો હતો. પરંતુ યુવતીએ તુરંત જ કોન્સ્ટેબલના પગ પર પોતાનો પગ મારીને લિફ્ટની બહાર નીકળી ગઈ હતી. યુવતીને બેગ મળી જતાં તે બેગ લઈને પેપર વર્ક કરીને રેલવે સ્ટેશનની બહાર નીકળી રહી હતી ત્યારે આ કોન્સ્ટેબલ તેનો પાછળ આવીને મોબાઈલ નંબરની માંગણી કરી હતી. જો કે આ સમયે રેલવે સ્ટેશનની બહાર યુવતીને ABVPનો એક યુવક લેવા આવ્યો હોય કોન્સ્ટેબલ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં યુવતીએ આ સમગ્ર ઘટનાની જાણ ABVP સંગઠનના યુવકને કરી હતી. ABVP સંગઠનના લોકો અને શહેર અધ્યક્ષ સાથે આ બાબત વાત કરીને રેલવે પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ