Team Chabuk-Gujarat Desk: કોરોના વાયરસના કારણે ધાર્મિક તહેવારોની ઉજવણીનો રંગ ફિક્કો પડ્યો છે. મોટાભાગના મોટા મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા સહિતના ધાર્મિક સ્થાનો ભક્તો માટે બંધ છે. કોરોનાના કારણે ધાર્મિક સ્થાનોમાં મર્યાદિત વ્યક્તિઓ સાથે તહેવારોની ઉજવણી કરવા મજબૂર થવું પડ્યું છે.
આજે અખાત્રીજ છે. સામાન્ય દિવસોમાં અખાત્રીજથી જ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વતૈયારીઓ આરંભી દેવાતી હોય છે. અખાત્રીજના દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના રથનું પરંપરાગત રીતે પૂજન કરાય છે. જો કે, કોરોના સંક્રમણના કારણે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ ત્રણે રથનું પૂજન કરવામાં આવ્યું. સવારે શહેરના જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યુ હતું. રથની પૂજાવિધિમાં ગણતરીની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
અમદાવાદમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે કાબૂમાં આવી રહ્યું છે. જો કે, આવા માહોલ વચ્ચે આ વર્ષે ભગવાન જગન્નાથની જળયાત્રા અને રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે અસમંજસ છે. જળયાત્રા અંગ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથજી આપણા માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ગયા વર્ષે આપણે મહામારીના કારણે રથયાત્રા કાઢી શક્યા નથી. આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તે કહેવું હાલ વહેલું છે. આપણે જગન્નાથને પ્રાર્થના કરીએ કે મહામારીથી જલદી મુક્તિ મળે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ શુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે. રથયાત્રા પૂર્વે જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા નીકળે છે. ગયા વર્ષે રથયાત્રા પર કોરાના નામનું વિઘ્ન નડ્યું હતું અને આ વખતે પણ સંકટ યથાવત છે.
જળયાત્રા મુદ્દે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતું કે, 24મી જૂને જળયાત્રા યોજવા મુદ્દે જળયાત્રા યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. તેમણે રથયાત્રા મુદ્દે કહ્યું કે, રથયાત્રાનો નિર્ણય પણ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે.
ગયા વર્ષે છેલ્લા 143 વર્ષમાં પહેલીવાર ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરની બહાર નીકળી શકી ન હતી. કોરોના સંક્રમણના કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ હતી. રથયાત્રા નગરમાં કાઢવા મુદ્દે અંતિમઘડી સુધી સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે વાટાઘાટો ચાલી હતી. રથયાત્રાનો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જો કે, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને રથયાત્રાને મંદિર પરિસરમાં ફરવાની જ છૂટ આપવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત