Homeગુર્જર નગરીઆણંદઃ સાક્ષીઓ ફરી જતાં હત્યા, હત્યાના પ્રયાસ અને લૂંટના કેસમાં બિલ્ડર પુત્ર...

આણંદઃ સાક્ષીઓ ફરી જતાં હત્યા, હત્યાના પ્રયાસ અને લૂંટના કેસમાં બિલ્ડર પુત્ર સહિત બે નિર્દોષ

Team Chabuk-Gujarat Desk: આણંદની ચકચારી હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટના કેસમાં બિલ્ડર સતીષ મેકવાનના દીકરા આકાશ મેકવાન અને તેના સાગરીતને નિર્દોશ છોડી દેવાયા છે. કેટલાક સાક્ષીઓ ફરી જતાં બિલ્ડર સતીષ મેકવાનના પુત્ર સહિત બેનો છૂટકારો થયો છે.

ફરિયાદ મુજબ આણંદ શહેરમાં આવેલા તેજસનગરમાં 8મી માર્ચે અગાઉના ઝઘડાની અદાવત રાખી 20 વર્ષીય આકાશ સતીષ મેકવાન અને ફરહાન ઉસ્માનગીની ઉર્ફે બંગડીવાળો ગુલામમહંમદ મેમણ નામના શખ્સો વૈભવ ભૂપેન્દ્ર ગોહિલના ઘરે પહોંચ્યા હતા. અને તેની સાથે ઝઘડો કર્યો હતો અને છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, આ દરમિયાન ટોળું તેમની પાછળ આવતાં બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ભાગતી વખતે રસ્તામાં તેમને ભાસ્કર ઉર્ફે વિષ્ણુ રબારી નામનો એક યુવક બાઈક લઈને જતો જોવા મળ્યો હતો. જેને આંતરીને બંનેએ તેની પાસેથી બાઈક માગ્યું હતું પરંતુ ભાસ્કરે બાઈક ન આપતાં તેના પર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ભાસ્કરને તે જ હાલતમાં છોડી તેનું બાઈક લઈ બંને ફરાર થઈ ગયા હતા.સમગ્ર બનાવની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ આણંદ જિલ્લા કોર્ટમાં ચોથા એડિશનલ સેશન્સ જજ એસ. એ. નકુમની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ જે.એસ. ગઢવીએ 18 સાક્ષીઓ અને 42 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

જોકે, મૂળ ફરિયાદી, મૃતકનો ભાઈ તથા પ્રથમ હુમલો થનારો વ્યકિત વૈભવ ઉપરાંત અન્ય બે પંચો, તબીબ સહિત તમામ સાક્ષીઓ હોસ્ટાઈલ થતાં સમગ્ર કેસ પાંગળો બન્યો હતો. જેને પગલે આણંદ જિલ્લા કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.

મૃતકના ભાઈ દશરથભાઈ રબારીએ કોર્ટમાં આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે, તેઓ 8 માર્ચ, 2021ના રોજ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રે દોઢેક વાગ્યે તેમના મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ ભાસ્કર ઉર્ફે વિષ્ણુની ડેડબોડી તેજસનગરની પાછળ યમુનાપાર્ક સોસાયટીની નજીક રોડની સાઈડમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડી છે. સ્થળ પર જતાં ત્યાં લોહીથી લથબથ ભાઈની લાશ પડેલી હોવાનું જોયું હતું. તેમના ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું તે તેમને ખબર નથી. પોલીસમાં તેઓએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરાયો હોય તેવી હકીકત જણાવી હતી.

બીજી તરફ હુમલાનો ભોગ બનેલા વૈભવે કોર્ટમાં જુબાની આપતાં જણાવ્યું હતું કે, 8 માર્ચ, 2021ના રોજ તેમના મિત્ર મંગાની બહેનના લગ્ન જાગનાથપરામા હતા. ત્યાંથી તેઓ તેમના મિત્ર રાહુલ સાથે રાત્રિના સાડા દસ વાગ્યે ઘરે આવતા હતા. તે વખતે તેજસનગરની પાછળ ઝઘડો ચાલતો હતો. તે કોની વચ્ચે ચાલતો હતો તે તેમને ખબર નથી. તેમનો ભાઈ ઝઘડો જોવા ગયેલો અને પોતે તેની પાછળ ગયા હતા. જ્યાં ટોળું ભેગું થયું હતું. દોડતાં-દોડતાં તેમની પગ કૂંડીમાં આવી જતાં તે પડી ગયેલા અને તેમને જમણી બાજુ કમર આગળ વાગ્યું હતું. તેમના ભાઈ રાહુલ હોસ્પિટલમાં તેઓને લઈ ગયા હતા. પછી શું થયું તેમને ખબર નથી. ટોળું શેનું હતું અને ઝઘડો શેનો હતો તે જાણવા મળ્યું નહોતું.

તો આ કેસ લડનારા સરકારી વકીલ જે.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે,તમામ સાક્ષીઓ ફરી જતાં કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. હાલમાં હું મારા ડીજીપી સાહેબ સાથે ચર્ચા કરી લઉું પછી ઉપલી કોર્ટમાં જવું કે કેમ તેનો નિર્ણય લઈશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments