Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પંદરમી વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બીલ – ૨૦૨૩ (gujarat public university bill) લાવવામાં આવ્યુ હતું. જેને બહુમતી સાથે વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યું છે.
આ એક્ટ અંતર્ગત વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા,અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ એક્ટની જોગવાઈઓથી ૧૧ પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આજના ઐતિહાસિક વિધેયક દ્રારા આવનારા ૧૦૦ વર્ષની સુદ્રઢ શિક્ષણ વ્યવસ્થાનો પાયો નંખાઈ રહ્યો હોવાનું જણાવતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલની ભૂમિકા મહત્વની બની રહેશે.
મંત્રીશ્રીએ આ વિધેયકની જોગવાઈઓથી ગૃહના દરેક સભ્યને માહિતગાર કરતા કહ્યું હતું કે,યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે.એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે.જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે.
આ વિધેયકની જોગવાઈઓના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઇ શકાશે.સુયોગ્ય સંકલનથી યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઇ શકાશે. સુગઠિત નાણાંકીય અંકુશ આવશે.વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનાત્મક સંશોધનોને વેગ મળશે અને યુનિવર્સિટીને વધુ ઓટોનોમી પ્રાપ્ત થશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. એકેડમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવશે.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્રારા કોલેજના અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસરો, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ કરાઈ છે. યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.નવા અભ્યાસક્રમો, સંસાધન અને સંસોધનને વેગ મળશે. આ એક્ટની અમલવારીથી વર્ષો જુની અપ્રાસંગિક કલમો કાયદાકીય જોગવાઈઓનો અંત આવશે તેમજ તમામ યુનિવર્સિટીઓ માટે એક જ કાયદો લાવવાથી વહીવટી સરળતામાં વધારો થશે. નિર્ણયોમાં અસમંજસતાની સ્થિતિ દૂર થશે અને યુજીસી કે અન્ય કોઈ મહત્વની બોડી ઉચ્ચ શિક્ષણની કોઈ પણ મહત્વની બાબત માટે દિશા નિર્દેશ આપશે ત્યારે તરત જ યુજીસી કે અન્ય કોઈ પણ ગાઈડલાઈનને માત્ર એક નાની પ્રક્રિયા દ્વારા આખા રાજ્યમાં અમલી બનાવવામાં આવશે.
યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે. ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્ય ક્રમો પણ ચલાવી શકશે.
અત્રે નોંધનીય છે કે,પારદર્શક વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કરતા આ એક્ટનો પ્રાથિમક ડ્રાફ્ટ સૂચનો માટે ૧૫ દિવસ પબ્લિક ડોમેઈનમાં મૂકીને સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. જેમાં કુલ 140 સ્ટેક-હોલ્ડર્સ પાસેથી 238 સૂચનો પ્રાપ્ત થયાં. જેમાંથી 30 સૂચનોને આધારે એક્ટમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. તથા 40 સૂચનોને સ્ટેચ્યુટ કે ઓર્ડિનન્સમાં સમાવેશ કરવામાં આવશે. અન્ય સૂચનો એવા છે કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનની જોગવાઈઓ સાથે સુસંગત નથી અથવા નીતિવિષયક ફેરફારનાં સૂચન છે.
એક્ટની મહત્વની જોગવાઈ
•યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે
•યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે
•આ એક્ટ દ્રારા ૧૧ યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે
•રાજ્યની ૧૦ પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલશ્રી રહેશે : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શ્રીમતી શુભાંગીની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે
•અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ
•યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે
•યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો