Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં ગૌશાળા, પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ન ચૂકવાતાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો આકરા પાણીએ છે. છેલ્લા કેટલાક સમયના આંદોલન બાદ પણ સરકારે સહાય ન ફાળવતા બનાસકાંઠામાં તમામ ગૌશાળાઓમાંથી હજારો પશુઓને છોડી દેવાયા છે. જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે.
ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનો આરોપ છે કે, સહાય જાહેર થયા બાદ પશુઓના નિભાવ માટે આવતું દાન બંધ થયું છે. જોકે છ મહિના બાદ પણ સરકારે રૂપિયા ન ફાળવતા ગૌશાળા અને પાંજરાપોલ સંચાલકોની હાલત કફોડી બની છે.
સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રિઝવવાનો તમામ પ્રયાસો કર્યા હતા. છેલ્લે સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટીમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા હવે આજે વહેલી સવારે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યા છે.
પાંજરાપોળમાંથી ઢોર છોડવાના હોવાની વાતની જાણ થતાં જ પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરીકેટ મુકી દીધા હતા. મોટી સંખ્યામાં પોલીસ જવાનોને પણ તૈનાત કરી દીધા હતા. જો કે, સંચાલકો એકના બે ન થયા અને હજારો ઢોરને છોડી દીધા છે. ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યા છે.
મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ 160 જેટલી ગૌશાળાઓમાં 80,000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. આ તમામ પશુઓને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકીને પગલે પોલીસ સજજ બની છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે ડીસાની ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરીકેટ ગોઠવી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. આ સાથે જ પાંજરાપોળના નિભાવ અને જાળવણી માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી. જો કે, બજેટ રજૂ થયાના મહિનાઓ વિતવા છતાં હજુ સુધી પાંજરાપોળ સંચાલકો પાસે એક રૂપિયો પણ નથી પહોંચ્યો. પાંજરાપોલ સંચાલકો માગણી કરી રહ્યા છે કે, જાહેરાતની રકમ તેમને તાત્કાલિક ફાળવવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત