Homeગુર્જર નગરીગાંધીનગર: પરપ્રાંતિય મજૂરે માલિકને 37થી વધારે પાઈપના ફટકા મારી ઢીમ ઢાળી દીધું

ગાંધીનગર: પરપ્રાંતિય મજૂરે માલિકને 37થી વધારે પાઈપના ફટકા મારી ઢીમ ઢાળી દીધું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનું પાટનગર ગાંધીનગર રક્તરંજીત થયું છે. અહીં દેહગામની ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરે પોતાના જ માલિકને સાડત્રીસથી વધારે પાઈપના ફટકા મારી ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનાની વાત જ્યારે શહેરમાં ફેલાય ત્યારે સૌ કોઈમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. સૌથી મોટી વાત એ છે કે હત્યા કરી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરોપીની ક્રૂરતા નજરે ચડી રહી છે.

આ સમગ્ર બનાવ ગુરૂવારનાં રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બન્યો હતો. આરોપીનું નામ અખિલેશ બિહારી હોવાનું સામે આવ્યું છે. તેની ઉંમર વીસ વર્ષની છે. આશ્ચર્યની વાત એ છે કે અખિલેશ 20થી 25 દિવસ પહેલા જ ફેક્ટરીમાં લાગ્યો હતો. એટલે કે તે નવોસવો હતો. તે પોતાની પત્ની અને બાળકીને લઈ આવેલ હતો.

શ્રી હરિ પાઈપ ફેક્ટરીના માલિક એવા ગૌતમભાઈ રાત્રિ દરમિયાન અન્ય ભાઈઓ હાજર ન હોય ત્યારે પોતે રોકાતા હતા. ઘટના રાતના સાડા નવની આસપાસ બની તેની માહિતી સીસીટીવી ફૂટેજના આધારે મળી હતી. ફેક્ટરીના માલિક ગૌતમભાઈ એક મશીન ચેક કરી રહ્યા હતા ત્યારે આરોપીએ પાછળના ભાગેથી હુમલો કર્યો હતો. ગૌતમભાઈ એક વખત જમીનદોસ્ત થઈ જતા આરોપીએ પોતાની ક્રૂરતાની હદ વટાવી હતી અને વારંવાર પાઈપના ફટકા માર્યા હતા.

આ ચકચારી બનાવમાં આરોપીએ પહેલા તેર ફટકા માર્યા હતા. જોકે તેને સંતોષ નહીં થયો હોય એટલે તેણે ફેક્ટરીની લાઈટ બંધ કરી હતી અને બાદમાં 24 ઘા વધારાના માર્યા હતા. ત્યાં સુધી માર્યા હતા કે જ્યાં સુધી માલિકનું ઢીમ ન ઢળી જાય.

સીસીટીવી ફૂટેજમાં એ વસ્તુ પણ જોઈ શકાય છે કે ગૌતમભાઈને જીવલેણ માર માર્યા બાદ આરોપી તેના ખિસ્સામાંથી કંઈક શોધી રહ્યો હતો. ગૌતમભાઇને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમને હોસ્પિટલ તંત્ર દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. હાલ, તો મજૂરી કામ કરવા આવેલા પરપ્રાંતિય મજૂરની હરકતથી સમગ્ર ગાંધીનગર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં પરિવારજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ એક કલાક મોડી આવી હતી.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments