Team Chabuk-Political Desk: કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ સાથે ખૂબ ખોટું વર્તન થઈ રહ્યું છે. આવું કહેનારા યુથ કોંગ્રેસના પ્રમુખ નિખીલ સવાણીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા અપાયેલા તમામ હોદ્દોઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જતાં જતાં કાંડી ચાપી હતી અને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. હાર્દિક પટેલની નજીકનાં ગણાતા નિખીલ સવાણીએ ગુજરાત કોંગ્રેસને ચારેબાજુથી ઘેરી હતી અને આક્રમણ કર્યું હતું.
તેમણે કોઈ બે દિવસ પહેલાની ઘટનાનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે જે થયું એ બહુ ખોટું થયું છે અને સમગ્ર ઘટનાને અંજામ આપનારા વ્યક્તિ અગાઉ બે વખત પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા હોવાનું કહી પત્રકારોને હિન્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં એવા આક્ષેપ કર્યા કે એનએસયુઆઈને તેમના બાપ-દાદાની પેઢી સમજીને બેઠા છે. નવા જોડનારા યુથવિંગના કાર્યકર્તાઓની સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે.
રાજીનામું આપનારા નિખીલ સવાણીએ ગુજરાત કોંગ્રેસનું યુથ પદ કેવી રીતે કામગીરી કરે છે તે અંગે કહ્યું હતું કે, ગુજરાતમાં યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે મેમ્બરશિપ કરવામાં આવી રહી છે. આ કામ ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં કરોડો રૂપિયાનું ફંડ એકઠું કરી દિલ્હી મોકલી દેવામાં આવ્યું હતું. જેનો આજ દિવસ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. શું યુથ કોંગ્રેસમાં મેમ્બરશિપ માત્ર અને માત્ર પૈસા એકઠા કરવા માટે છે? આમ જોતા લાગી રહ્યું છે કે જેની પાસે વધારે પૈસા હોય તે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે.
નિખીલ સવાણીએ વધુમાં યુવાનોની સંખ્યાને લઈ કહ્યું હતું કે, લાખોની સંખ્યામાં મેમ્બરશિપ થકી યુવાનો જોડાય છે પણ જ્યારે ગ્રાઊન્ડની વાત આવે તો એટલા દેખાતા જ નથી. એટલે કે તમામ સભ્યોની નોંધણી ડમી થઈ હોય તેવું પૂરવાર થાય છે. યુથ કોંગ્રેસની ચૂંટણી તો માત્ર અને માત્ર પૈસા કમાવવાનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે.
તેમણે હાર્દિક પટેલની વાત સામે લાવતા જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખના નેતાઓ કોરોનાથી મૃત્યુ પામનારાઓનાં પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી રહ્યા છે. બીજી બાજુ મારા મિત્ર હાર્દિકભાઈના પિતાનું અવસાન થયું ત્યાં ગુજરાત કોંગ્રેસનો એક પણ નેતા જોવા મળ્યો નહોતો. ફેબ્રુઆરી મહિનામાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે હાર્દિક પટેલનો એક પણ કાર્યક્રમ ગોઠવવામાં નહોતો આવ્યો. આ સિવાયના કોઈ પણ કાર્યક્રમમાં હાર્દિક પટેલને બોલાવવામાં નથી આવ્યા. કોંગ્રેસની આવી નીતિઓ અને જૂથબંધીઓનાં કારણે જ હું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજુનામું આપું છું.
નિખીલ સવાણીએ કરેલા એક એક આક્ષેપનાં કારણે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આમ પણ ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસ ત્રીજા પાયદાન પર છે. હવે નિખીલ સવાણી આવનારા સમયમાં કોઈ પાર્ટીમાં જોડાશે કે નહીં તેની જાણકારી તો સમય જ આપશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત