Homeગુર્જર નગરીઆ મોડેલ ગુજરાતના આ ગામમાં લડશે ચૂંટણી, 100થી વધુ બ્રાન્ડસને પ્રમોટ કરવા...

આ મોડેલ ગુજરાતના આ ગામમાં લડશે ચૂંટણી, 100થી વધુ બ્રાન્ડસને પ્રમોટ કરવા માટે કરી ચુકી છે મોડેલિંગ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકારણ ગરમાયું છે. સરપંચ પદના ઉમેદવારો સરપંચ બનવા માટે સોગઠા ગોઠવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આ વખતે એક ગામ એવું છે જ્યાં મુંબઈમાં મોડલ તરીકે નામના મેળવેલી યુવતી ચૂંટણી લડી રહી છે. આ યુવતીનું નામ છે એશ્રા પટેલ.

મૂળ છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામની નિપા ઉર્ફે એશ્રા પટેલે સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે. આ ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે, ત્યારે કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રાને આશા છે કે તે ગામલોકોનો વિશ્વાસ જીતશે અને સરપંચ બનશે. એશ્રા પટેલ વર્ષોથી મુંબઇમાં રહીને મોડેલિંગ કરે છે અને લગભગ 100થી વધુ બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે મોડેલિંગ કર્યું છે.

સરપંચ પદની ઉમેદવાર એશ્રાએ કહ્યું કે, મારી જિંદગીમાં તો બધું સારું જ છે. હું દુનિયાના ઘણા બધા દેશમાં ફરી છું, ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહીં ? એટલે મને થયું કે મારે કંઈક કરવું જોઈએ. અહીં હમણાં સરપંચ તો છે, પણ વહીવટ બીજો કરે છે. કામ થતાં નથી, જેઓને મજૂરી મળતી હોય તેઓને મનરેગા હેઠળ મજૂરી પુરી પાડવાની એ પૈસા ખિસ્સામાં નાખે છે. લોકો માટે કોઈને કામ નથી કરવું, એટલે મને મારા દિલથી થયું કે કાંઇક કરું.

હું અહીં રહેતી હતી, ત્યારે શાળાએ જવા માટે બસ ન હતી, અડધો દિવસ બસ આવે અડધો દિવસ ના આવે. હમણાં તો બસ આવતી જ નથી. ઘણા બધા એવું કહે છે કે, અહીં બસ નથી આવતી એટલે અમે છોકરાઓને શાળાએ મોકલતા નથી. શિક્ષણનો અભાવ રહેશે તો એમને સમજ કેવી રીતે પડશે. લોકો એમને છેતર્યા જ કરશે. મારે એ લોકોને શિક્ષણ આપવું છે.

બીજું ચોમાસામાં અહીં ઘૂંટણસમા પાણી હતા, અત્યારે એક સગર્ભા મહિલાને ઊંચકીને લાવવી પડી હતી. ત્યાં કોઈ ગાડી પણ જઇ ના શકે તેવી હાલત હતી. એટલે જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તા બનાવવા છે. કેટલા બધા લોકો પાસે પાકા ઘર નથી. ઘરમાં હમણા તો પાણી પડે છે. કોઈપણ જાતની સગવડ જ નથી. તેવા લોકોને આવાસ અપાવવું છે.

ઉલ્લેખનીય છે કે, એશ્રા પટેલના પિતા નરહરી પટેલ, ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે. હવે ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે ગામ લોકો એશ્રા પર વિશ્વાસ મુકે છે કે કેમ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments