Homeસિનેમાવાદફિર વહી રાત: સરસ ખીચડી બનતી હતી અને સળગાવી નાખી

ફિર વહી રાત: સરસ ખીચડી બનતી હતી અને સળગાવી નાખી

ઝાલાવાડી જલજીરા: હમણાં મારે એક દવાખાને જવાનું થયું. ડોક્ટરની વય સાંઈઠ વર્ષની એટલે મારા કરતાં વધારે દિવાળી જોઈ ચૂકેલા, પરંતુ મારા માથાના વાળ ભવિષ્યની કેટલીય દિવાળીઓ જોઈ ચૂક્યા હોવાની ચાડી ખાતાં હતાં. એટલે કે સફેદ! ડોક્ટરને મેં કહ્યું, ‘ગઈકાલથી માથું ખૂબ દુ:ખે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કંઈ બીજું જોવાનું મન નથી થતું. ઉંઘ પણ નથી આવતી. ઘરમાં જ ચાલતો હોવા છતાં એવું લાગે છે કે જાણે જોજન ચાલી લીધું….’ આવી અસંખ્ય વાતો મેં ડોક્ટર આગળ છતી કરી એટલે ડોક્ટરે તેમના હાથમાં રહેલી લાઈટ અને ગળામાં રહેલું સ્ટેથોસ્કોપ સાઈડમાં રાખી, દવા માટેનું ખાનું બંધ કરતા કહ્યું, ‘નક્કી તમે ફિર વહી રાત ફિલ્મ જોઈ લાગે છે.’

ડોક્ટરનો જવાબ સાચો હતો. કહું કે ડોક્ટર ફિલ્મના રસિયા હતા એમ નહીં પણ એમને આ પૂર્વે આવો જ એક દુખાવો થયેલો. એ 15મી ઓગસ્ટની રાત હતી. જ્યારે દેશ સ્વતંત્ર થયો હતો અને 15મી ઓગસ્ટ 1980માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. 1980માં ડોક્ટર ફિલ્મ જોયા બાદ અદ્દલ મારા જેવું અનુભવતા હતા. તેમના માનસપટમાંથી એ ભયાવહ અભિનયના દૃશ્યો ખસવાનું નામ નહોતા લેતા. ત્યારે તો માધ્યમોનો આટલો વિકાસ નહોતો થયો એટલે મન ફંટાવા બીજું પણ શું જોવું?

આ ડેનીની એક માત્ર દિગ્દર્શક તરીકેની ફિલ્મ હતી. આ ફિલ્મે જ કદાચ ડેનીને એ જ્ઞાન આપ્યું હશે કે હવે પછી બીજું કંઈ પણ કરવું પરંતુ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપ ન લાવવું. અભિનેત્રી કિમ હતી અને તેના અભિનયમાં ‘નમકિન’ હતું જ નહીં. પહેલાથી અભિનયમાં ઊંચી કારકિર્દી બનાવી ચૂકેલા શ્રીમાન રાજેશ ખન્ના હોય તો ફિલ્મ સારી જ હશે તેવું માનીને દર્શકો ગયા હોવા જોઈએ. ફિલ્મના તમામ કલાકારોમાં કોઈ જંગ જીતી ગયું હોય તો તે અરુણા ઈરાની હતી.

આ ફિલ્મ એક હોરર છે. પણ ષડયંત્રકારી હોરર છે. ફિલ્મની શરૂઆત જે રીતે થાય છે એ જોતા ફિલ્મના અંતમાં એક ગહન રહસ્ય દબાયેલું હશે તેવું લાગે પણ એવું કંઈ નથી. અડધેથી તો આખેઆખું રહસ્ય જ બદલી જાય છે. બનાવવી હતી મસાલેદાર અકની પણ બની ગઈ ખીચડી. ખીચડીને જ્યારે કાઢી ત્યારે ખબર પડી કે પાછળથી તો આખેઆખી સળગી ગઈ છે. ફિર વહી રાત ફિલ્મનું કથાવસ્તુ એવું જડબેસલાક છે કે તે સસ્પેન્સ થ્રીલર શ્રેણીમાં ભારતની માઈલસ્ટોન ફિલ્મ બની શકી હોત પણ ડેનીની એન્ટ્રી બાદ અને પાર્ટીના સીન બાદ તો તે હોરર થ્રીલર ઓછી અને કોમેડી ફિલ્મ વધારે લાગવા લાગી.

એક હવેલી રાખી. જેમ હોરર ફિલ્મમાં હોય છે. એક છોકરી રાખી, જેને ભયાનક સ્વપ્ન આવે છે. એ છોકરીના માતા પિતા નથી પણ તેની પાસે પ્રોપર્ટી ઘણી છે. આટલી બધી પ્રોપર્ટીની માલિક હોવા છતાં યુવતી હોસ્ટેલમાં રહે છે અને હોસ્ટેલમાંથી તેને કાઢી મૂકવામાં આવે છે ત્યારે તે રડે છે. આટલા બધા રૂપિયાનું અભિનેત્રી કરતી હતી શું? જો તે ઈચ્છેત તો અચૂક એક રૂમ ભાડે રાખી શકેત! તેને એક ડોક્ટર સાથે પ્રેમ છે. જે બધાના માથા પર મુગટ ફિટ કરી તેમની માનસિક ચિકિત્સા કરે છે. એની પાસે હરી ફરીને ચિકિત્સા કરવા માટે એ કાળા કલરના મુગટ સિવાય કંઈ નથી. 1992માં સલમાન ખાનની સૂર્યવંશી નામની એક ભંગાર ફિલ્મ આવી હતી. એમાં સલમાન ખાને માથા પર ચામડાનો પટ્ટો પહેર્યો છે. બસ એવો કાળા કલરનો પટ્ટો ડોક્ટરની પાસે છે.

આર.ડી.બર્મનનું સંગીત હોવા છતાં અને કિશોર કુમાર, લતા અને આશાના સ્વરબદ્ધ ગીતો હોવા છતાં એક પણ ગીત ચિત્તને ટાઢક આપતું નથી. સ્વપ્નમાં એ ડોશી શું કામે આવે છે? તેનો ઉદ્દેશ્ય શું છે? શા માટે મરી ગઈ હતી? અને આ છોકરીનો પીછો કેમ નથી છોડતી? આવા સવાલોનો મારો આપણને પ્રથમ કલાકે થાય છે. દર્શક તરીકે એ પ્રશ્નોનું સોલ્યુશન અંતમાં મળશે તેવી આકંઠ આકાંક્ષા આપણને હોય છે, એવામાં તો…. એવામાં તો આખેઆખી કથા જ બદલી જાય છે.

દિગ્દર્શક ડેની આપણું ધ્યાન છાસવારે ભટકાવવા માગે છે કે ફિલ્મની વિલન તો પેલી કિશોરી ગૌરી છે. પણ આપણને લાગતું જ નથી કે એ વિલન હોય. આ તો ડેનીએ પોતાની પાસે રહેલી લાકડીથી હત્યા કરી નાખી, નહીં તો અહીં એ સવાલ પણ ઉત્પન્ન થાત કે એ લાકડી રાખવાનો ફાયદો શું? ચાલતા, ઉંઘતા, દોડતા, ખાતા, પીતા, ગાડી ચલાવતા, એ લાકડી તેની પાસે જ હોય છે. અભિનય કોને ન કહેવાય એ વાત જો જાણવી હોય, તો આશા બનતી કિમ યશપાલને જોવી. એ ઠીકથી ડરતી પણ નથી, એ વાત જ આપણને ડરાવી જાય છે.

ફિલ્મ પરાકાષ્ઠાએ (ક્લાઈમેક્સ) પહોંચતા પહોંચતા હાંફે એ પૂર્વે જોનારાઓ સદંતર હાંફી જાય છે. એક વ્યક્તિને પકડવાનો છે એમાં તો ઈન્સ્પેક્ટર બનતા સુરેશ ઓબરોય આખી ફોજ લઈ આવે છે. અને બધા એટલી બધી ગોળીઓ ચલાવે છે જ્યારે કોઈ આ ગોળીઓ ક્યાં ક્યાં ચલાવી એનો હિસાબ માગવાનું જ ન હોય. સસ્પેન્સના તાણાવાણા સરસ રીતે ગુંથ્યા છે. ફિલ્મમાં સાયન્સ ફિક્શન પણ છે! ડેની રાજેશ ખન્નાની કાર એક વાયરથી ઠિક કરી નાખે છે!

ક્લાઈમેક્સના કલાક પહેલા જ્યારે એક રહસ્ય પરથી પડદો ઉંચકાય છે ત્યાં જ અસલી ફિલ્મ પતી જાય છે. એ પછી જે પણ બચે છે એ માથાનો દુખાવો છે. ફિલ્મના અભિનયમાં અભિનય છે અને ઘનઘોર રાત છે. મિત્રો આ ફિલ્મનો લેખક કોણ એ જોવા હું વીકિપીડિયા પર ગયો હતો. ખૂબ શોધ્યું પણ મને ન મળ્યો, તમને મળે તો કહેજો. મને ત્યાંથી જ માહિતી મળી કે આ ફિલ્મે એ સમયે બે કરોડની કમાણી કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments