Homeગુર્જર નગરીઆને કહેવાય ખેતી સદા સુખ દેતી

આને કહેવાય ખેતી સદા સુખ દેતી

જગતનો તાત ખુશ તો સમજો આખી દુનિયા ખુશ. જેનાથી સૃષ્ટિ ચાલી રહી છે, જેના પર સમગ્ર અર્થતંત્ર નભેલું છે તેવી કૃષિ સમગ્ર સૃષ્ટિની સાયકલ જીવંત રાખે છે. ખાસ કરીને  ભારત જેવો દેશ વિકાસશીલ છે. જે 60 ટકાથી વધુ કૃષિ પર આધારિત છે, જ્યાંનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે તે ખેતી દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં સમગ્ર દેશ થંભી ગયો હતો ત્યારે એકમાત્ર ધંધો ચાલુ હતો. તે હતી ખેતી. જગતને અન્ન પૂરું પાડતાં કિસાને એક દિવસ પણ લોકડાઉન રાખ્યું નહોતું. જો ખેતી અને ખેત પેદાશ જ અટકી જાય તો લોકો કોરોનાથી બાદમાં પણ ભૂખથી પહેલાં મરે.

આમ તો આજે આપણે ખેતીનો વિષય અને જગતના તાતની ખુશીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કે, હાલ સૌરાષ્ટ્રનો મુખ્ય પાક ગણાતા કપાસના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાથી ધંધા રોજગાર ભલે ઠપ્પ હોય પણ આ વર્ષે કપાસના ભાવ વધતા જગતનો તાત જરૂર ખુશ છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાણી ત્યારે ખેડૂત જરૂર મુશ્કેલીમાં હતો, કારણ કે પાક નિષ્ફળ જવાની કે ઓછો ઉત્પાદનની ભીતિ સેવાઈ રહી હતી. અતિવૃષ્ટિથી મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું તો કપાસના ઉત્પાદનમાં અડધો અડધ ઘટાડો નોંધાયો. એક બાજુ કોરોનાને કારણે મંદી તો બીજી બાજું નહીંવત ઉપજની ભીતિથી ખેડૂત બીચારો બાપડો બન્યો હતો. પરંતુ ધીમે ધીમે નહીંવત ઊપજ વચ્ચે પણ જણસીના સારા ભાવથી ખેડૂતો કમરતોડ ફટકામાંથી બહાર આવી રહ્યા છે.

દિવાળી અને શિયાળો ઋતુનું આગમન એટલે નવા કપાસની સિઝન પણ શરૂ. હાલ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં કપાસની ધીમી ગતિએ આવક વધી રહી છે. આવક વધવાની સાથે ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મોટાભાગના ખેતરોમાં પ્રથમ વીણી થઈ ગઈ છે. ત્રણેક વીણીએ સમાપ્ત થતી કપાસની સિઝન આમ તો ફેબ્રુઆરી મહિના સુધી ચાલુ રહે છે. ચાલુ વર્ષે એક મણ દીઠ રૂપિયા 900 થી શરૂ થયેલા કપાસના ભાવ હાલ રૂપિયા 1250 સુધીના ઉપજી રહ્યા છે અને હજુ આગામી દિવસોમાં પણ ભાવમાં સતત વધારો મળવાની પૂરેપૂરી શક્યતા છે.

છેલ્લા સાત-આઠ વર્ષથી સોનાના ભાવ ત્રણ ગણા થયા છે ત્યારે સાત-આઠ વર્ષથી રૂપિયા 800-900 પ્રતિ મણ રહેલા કપાસના ભાવમાં આ વર્ષે રૂપિયા 200 થી 300નો વધારો થયો છે. કપાસના ભાવ વધવાનું મુખ્ય કારણ ઉત્પાદનમાં ઘટાડો તો છે જ પરંતુ કપાસની ખરીદીમાં ધૂમ વધારો થયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી મગફળી, કપાસની ચાઈનામાં નિકાસ થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળીના થતાં ઉત્પાદનમાં અડધાથી વધુ માલ ચાઈના મોકલી દેવામાં આવે છે. સિઝનની શરૂઆત થતાં જ ડ્રેગન કપાસ,મગફળીની ધૂમ ખરીદી કરવા લાગે છે અને વેપારીઓ-મીડિયેટરો ધૂમ કમાણી કરી લે છે. ત્યારે આ વર્ષે કપાસની વધુ પડતી માંગને કારણે અને ઉત્પાદનના ઘટાડાને કારણે ભાવ ધીમે ધીમે સારા મળી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ કપાસના ભાવ રૂપિયા 1400 સુધી પહોંચે તેવી શક્યતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ-ખેડૂતો દર્શાવી રહ્યા છે.

 “ચાબુક”ને ખેડૂત અગ્રણી ભુપતભાઈ પટેલ પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષે કપાસની 40 હજાર જેટલી ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી. જેના પ્રમાણમાં આ વર્ષે ગત અઠવાડિયા સુધીમાં જ 70 હજાર જેટલી ગાંસડીની નિકાસ કરી દેવાઈ છે અને હજુ પણ નિકાસ થતી જ રહેવાનું જાણવા મળ્યું છે.

ખેતરમાં પરસેવે રેબઝેબ થતાં ખેડૂતને દર વર્ષે પોતાની જણસના પૂરતા ભાવ મળવાની આશા હોય છે. તેમ છતાં દર વર્ષે પડતર જેવા ભાવ મેળવી સંતોષ માની લેતાં હોય છે. ઘણી વખત સરકારની કુનીતિને કારણે ખેડૂતોને પિસાવાનો વારો આવે છે. ત્યારે આ વર્ષે ખેડૂતોને કપાસના સરેરાશ સારા ભાવ મળતાં જરૂરથી સંતોષનો ઓડકાર ખાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments