Homeગુર્જર નગરીદાહોદ: ચાલક પર ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હિલ ફરી ગયું અને છતાં એક આંચ...

દાહોદ: ચાલક પર ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હિલ ફરી ગયું અને છતાં એક આંચ ન આવી

Team Chabuk-Gujarat Desk: રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ફરી એક વખત યથાર્થ સિદ્ધ થતી જોવા મળી છે. મંગળવારના રોજ એક પરિવાર પોતાની બાઈક પર જઈ રહ્યો હતો. આ સમયે સામેથી આવી રહેલા ટ્રેક્ટરને કારણે ડાબી બાજુ જવા ગયેલ ચાલકને ખબર નહોતી રહી કે તે જ્યાં બાઈક ચલાવી રહ્યો છે ત્યાં ખાડો છે. પરિણામે બાઈક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બાળક સહિત એક મહિલા અને ચાલક રસ્તામાં પડી ગયા હતા.

મહિલા અને બાળક તો સમયસૂચકતા વાપરતા ઝડપથી નીકળવામાં સફળ થયા હતા પણ બાઈક સવારની જિંદગી પર ટ્રેક્ટરના પાછળના કદાવર ટાયરના કારણે જોખમ આવી ગયું હતું. આમ છતાં બાઈક ચાલકનો હેમખેમ જીવ બચી ગયો હતો. આ ચમત્કારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને હાલ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ભારે વરસાદ બાદ ગુજરાતની ધરતી ચંદ્રની ધરતી બની જાય છે અને ઠેકઠેકાણે ખાડા પડી જાય છે. તંત્રની તો પોલ ખુલે જ છે પણ બિચારા ચાલકોને વરસાદી પાણી ભરાતું હોવાના કારણે ક્યાં ટાયર મૂકવું અને ક્યાં નહીં તેની ખબર પડતી નથી. આવો જ એક ખાડો સ્માર્ટ સિટી દાહોદમાં પડ્યો હતો. જોકે સદનસીબે એક પરિવાર પોતાનો આધાર ગુમાવતું ગુમાવતું રહી ગયું હતું. આ વ્યક્તિનો જીવ જો કોઈના કારણે બચવા પામ્યો હોય તો તે હેલ્મેટ છે.

એક સમયે તો જ્યારે દંપતિનું બાઈક ખાડામાં પડી ગયું ત્યારે જોનારાઓને કમકમાટી છૂટી ગઈ હતી કે હમણાં માથાનો ચૂરેચૂરો થઈ જશે. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાંથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યાં આગળ સ્માર્ટ સિટીનો બોર્ડ લગાવેલો હતો. જોકે રસ્તાઓ જોતા સ્માર્ટ તો દૂર દૂર સુધી દેખાતું નહોતું. એક ટ્રેક્ટર સામેથી આવી રહ્યું હતું. તેની સામેથી બાઈક સવાર દંપતિ આવી રહ્યું હતું જેમની સાથે એક બાળક પણ હતું. રસ્તામાં પાણી ભરાયું હોવાથી બાઈક ચાલકનું બેલેન્સ બગડી ગયું હતું અને તે ગબડી પડ્યો હતો. આથી ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલમાં બાઈક ચાલક આવી ગયો હતો. હેલ્મેટ પહેર્યું હોવાના કારણે આ બાઈક ચાલકનો જીવ બચી ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments