Team Chabuk-Gujarat Desk: થોડા સમય પહેલાની જ વાત છે. કોંગ્રેસના હાર્દિક પટેલે ઓનલાઇન પત્ર લખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો હોય સાથે મળીને કામ કરવાની વાત ઉચ્ચારી હતી. હવે આ શક્ય આજની તારીખ સુધી તો નથી બન્યું, પણ ગુજરાતમાં એક એવો તાલુકો છે જ્યાં આવો પ્રેરણાસભર કિસ્સો બની ગયો છે.
ગુજરાતના ડાંગના વાસંદા તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો મહામારી સામે લડવા માટે એક થયા. આ નેતાઓની તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને નાથવા માટે તમામ નેતાઓએ એક સાથે રહી, એક સૂરમાં તારીખ 21થી 28 સુધી 8 દિવસ માટે લોકડાઉન લગાવી દીધું હતું.
આ માટે વાસંદામાં ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત તેમજ જિલ્લા શાસકપક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં રાજકીય મતભેદોને કોરાણે મૂકી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જનતા માટે અને મહામારી સામે લડવા 8 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવી, ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.
આમ તો ભાજપ અને કોંગ્રેસનું નામ આવે ત્યારે હંમેશાં એક લાકડીના બે છેડા જ નજર આવે જે ક્યારેય ભેગા થવાના ન હોય. આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર સતત ચાલતો હોય. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા ગયાની જ વાતો થતી હોય. તેમાંથી અલગ તરી આવી જનતા માટે ઉત્તમ દાખલો બેસાડનારા આ નેતાઓ ખરેખર પીઠ થાબડવાને લાયક છે. ઊચ્ચ કક્ષાએ બેઠેલા હોદ્દેદારોએ પણ મહામારી સમયે વાસંદાએ લીધેલો આ નિર્ણય આવકારવો અને વખાણવો રહ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત