Team Chabuk-Gujarat Desk: રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2021-22 માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ લિમિટેડ મારફતે લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવશે. આ માટેની નોંધણી પ્રક્રિયા આવતીકાલ તા.1 ઓકટોબર ૨૦૨૧ના રોજથી શરૂ થશે.

આ અંગે ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી માટે તા.01/10/2021 થી તા.31/10/2021 સુધી, જયારે ડાંગર, મકાઇ અને બાજરી માટે તા.01/10/2021 થી તા.16/10/2021 સુધી નોંધણી કરાવી શકાશે.
નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12, 8-અની નકલ, ગામ નમૂના-12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લઈ જવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, મગફળી, ડાંગર, મકાઇ તથા બાજરી પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયુ છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. આ અંગે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી હતી.
ગયા વર્ષે મગફળીના ટેકાના ભાવ મણ દીઠ 1 હજાર 075 રૂપિયા હતા. આ વખતે ભાવ વધ્યો છે જેથી ખેડૂતોને મણ દીઠ 1 હજાર 110 રૂપિયા ટેકાનો ભાવ મળશે. સરકારે ગયા વખતે કુલ 1 હજાર 68 કરોડ રૂપિયાની મગફળી ખરીદી હતી. આ ઉપરાંત ગયા વર્ષે મગફળી વેચવા માટે કુલ 4.59 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વખતે પણ મોટી સંખ્યામાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત