HomeતાપણુંUP પંચાયતની ચૂંટણીઃ પશ્ચિમ બંગાળ બાદ ભાજપને વધુ એક ઝટકો

UP પંચાયતની ચૂંટણીઃ પશ્ચિમ બંગાળ બાદ ભાજપને વધુ એક ઝટકો

Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર બાદ ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ જોઈએ તેટલો સારો દેખાવ કરી શક્યો નથી. મળતી માહિતી પ્રમાણે સમાજવાદી પાર્ટી અને આરએલડીના ગઠબંધને ભાજપને પછાડી દીધો છે.

ઉત્તર પ્રદેશની પંચાયતની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચુક્યા છે. મોડી રાત્રે પંચાયત સભ્યોના તમામ 3050 જગ્યાઓ માટેના પરિણામ આવી ચુક્યા છે. જિલ્લા પંચાયતના સભ્યો માટે થયેલી આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આ ચૂંટણી પરિણામમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી નથી.

ઉત્તર પ્રદેશની પંચાયતની ચૂંટણીમાં એક પણ પક્ષને સંપૂર્ણ જન સમર્થન મળ્યું નથી પરંતુ અત્યાર સુધી મળેલા આંકડા જોઈએ તો સમાજવાદી પાર્ટી સમર્થિત ઉમેદવારોને 747 બેઠકો પર જીત મળી છે. જ્યારે ભાજપ સમર્થિત ઉમેદવારોને 690 બેઠકો પર વિજય મળ્યો છે. બહુજન સમાજવાદી પાર્ટીને 381 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને માત્ર 76 બેઠકો પર જ જીત મળી છે જ્યારે અપક્ષના ફાળે 1156 બેઠકો ગઈ છે.

મહત્વનું છે કે રાજકીય પાર્ટીઓએ પોતાનું ચૂંટણી ચિહ્ન ઉમેદવારોને આપ્યું નહતું પરંતુ માત્ર સમર્થન આપીને તેઓને ચૂંટણી લડાવી હતી. જેથી ચૂંટણી પંચે કોઈપણ પાર્ટીની જીતની જાહેરાત કરી નથી. પરંતુ આ તમામ આંકડા રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો અને તેમના અધિકૃત વિજેતા ઉમેદવારોની યાદીમાંથી મેળવવામાં આવ્યા છે.

આ આંકડામાં સમાજવાદી પાર્ટી અને આરએલડીના ગઠબંધનનો દબદબો જોવા મળ્યો છે. સપા અને આરએલડી સમર્થિત ઉમેદવારોએ ભાજપ સમર્થિત ઉમેદવારોને પાછળ છોડી દીધા છે. આમ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર બાદ ભાજપને ઉત્તર પ્રદેશમાં વધુ એક ઝટકો લાગ્યો છે. જિલ્લામાંથી મળેલી માહિતી પ્રમાણે સમાજવાદી પાર્ટી અને આરએલડીના ગઠબંધને ભાજપને ઉત્તર પ્રદેશ પંચાયતની ચૂંટણીમાં પછાડ્યું છે. જો કે બહુમતિ એક પણ પક્ષને મળી નથી.

ભાજપે તો અંતિમ પરિણામ આવ્યાના 24 કલાક પહેલા જ બહુમતિ મેળવી લીધી હોવાની જાહેરાત કરી દીધી હતી. સોમવારે સાંજે ઉત્તર પ્રદેશ ભાજપના ઓફિશિયલ ટ્વિટર પરથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે ભાજપ સમર્થિત 918 ઉમેદવારો જીતી ચુક્યા છે અને 456 ઉમેદવારોએ આગળ ચાલી રહ્યા છે. ભાજપના નેતાઓએ પણ મીડિયામાં આ અંગેની જાહેરાતો કરી દીધી હતી પરંતુ ગ્રાઉન્ડ લેવલે તપાસ કરતાં કહીકત અલગ જોવા મળી રહી છે.

જિલ્લાઓમાંથી મળેલા આ આંકડા ખાસ કરીને ઉમેદવારો, પાર્ટીઓ અને જિલ્લામાં હાજર પત્રકારો પાસેથી મેળવવામાં આવ્યા છે. જેમાં સમાજવાદી પાર્ટીએ એકલા હાથે જ ભાજપને ધૂળ ચાટતું કરી દીધું છે. જો કે બહુમતિ તો સમાજવાદી પાર્ટી પાસે પણ નથી.

સમાજવાદી પાર્ટીએ પોતાના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને ઉમેદવાર અને કાર્યકરોને કોરોનાના આ સમયમાં લોકોની મદદ માટે આગળ આવવા કહ્યું છે. તો સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ કહ્યું કે, સમાજવાદી પાર્ટીએ ભાજપને ભુંડી રીતે હરાવી દીધી છે.ર તો આ તરફ ભાજપના નેતાઓ પોતાની જીતનો દાવો કરતાં કહી રહ્યા છે કે સમાજવાદી પાર્ટીએ પોતાની વિજેતા ઉમેદવારોની યાદીમાં અપક્ષ ઉમેદવારોને પણ ઉમેરી દીધા છે.

આમ ભાજપ અને સમાજવાદી પાર્ટી બન્ને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. પરંતુ હવે ખરાખરીનો ખેલ જિલ્લા પંચાયતના અધ્યક્ષની પસંદગી બાબતે થવાનો છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષની વરણીમાં મોટી સંખ્યામાં જીતીને આવેલા અપક્ષ વિજેતા ઉમેદવારો અને અન્ય નાના પક્ષોની ભૂમિકા મહત્વની રહેશે. તમામ પક્ષો પોતાના ઉમેદવાર અધ્યક્ષ બને તે માટે એડીચોટીનું જોર લગાવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments