Homeગુર્જર નગરીગીર સોમનાથ પર મેઘરાજાના બંને હાથ, પ્રાચી તીર્થનું મંદિર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ પર મેઘરાજાના બંને હાથ, પ્રાચી તીર્થનું મંદિર પાણીમાં ગરકાવ

Team Chabuk-Gujarat Desk: સંત અને સૂરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર. અહીં સોમનાથ દાદાની ગોદમાં વસતા ગીર સોમનાથ જિલ્લાને પણ મેઘરાજાએ તરબોળ કરી નાખ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં દસ ઈંચ જેટલો વરસાદ થવાના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે. ભૂતકાળમાં પણ એવા સમાચાર સામે આવી ચૂક્યા છે કે ધોધમાર વરસાદ થવાના પગલે વારંવાર મંદિરો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. આ વખતે પણ પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. તો બીજી બાજુ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ગ્રામ્યજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સરસ્વતી નદીમાં નવા નીરની આવક થવાના કારણે ખેડૂતો સહિત ગ્રામ્યજનોમાં પણ હરખની હેલી છવાઈ ગઈ છે. અષાઢ અને શ્રાવણમાં પારોઠનાં પગલાં કરેલા મેઘરાજા હવે અનરાધાર બનતા લોકોને પોતાની પ્રાર્થના સાકાર થઈ હોવાનું અને આંખમાં હેત ઉભરાય આવ્યાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ગિર સોમનાથ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં સુત્રાપાડામાં દસ ઈંચ, વેરાવળમાં 6, તાલાલામાં 4, કોડીનારમાં 3.3, ગીર ગઢડામાં 2.7 ઈંચ વરસાદ ખાબક્યો છે.

તાલાલામાં મેઘ મહેર થવાના કારણે હિરણ નદી પણ ગાંડીતૂર થઈ છે અને બે કાંઠે વહેવા લાગી છે. તાલાલાવાસીઓની જીવાદોરીસમી આ નદીમાં પૂર આવતા લોકોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. ગઈકાલે પણ ગીર સોમનાથ અને વેરાવળમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. હવામાન ખાતાની આગાહી પ્રમાણે જ મેઘરાજાએ તોફાની બેટીંગ કરતાં શહેરના લોકોથી ધમધમતા વિસ્તારો બેટમાં તબ્દિલ થઈ ગયા હતા. અનેક બજારોમાં પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને અગવડતા પડી હતી. હાલ તો ગિર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા છે, પણ સામે ચોમાસાએ સુલભની સ્થિતિ ઊભી કરી દીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments