Homeસાહિત્યમડિયા અને તેમનું ધોરાજી

મડિયા અને તેમનું ધોરાજી

મયૂર ખાવડુ: મડિયાના ધોરાજીમાં હવે જઈએ તો કેવું લાગે છે? ધોરાજીએ પોતાનો કાયાકલ્પ કરી લીધો છે. રહેવા માટે સારા ખોરડા છે. પહેલા જે ગાય અને ભેંસના ટોળા રસ્તા વચ્ચારે દેખાતા એ હવે નથી દેખાતા, છતાં કોઈ કોઈ વખત ગાડીની વચ્ચે આવતા આવતા બચી જવાના બનાવો બને છે. જૂનાગઢ બાજુ કે જામકંડોરણા બાજુ જતાં, જ્યાં ધોરાજીના બે છેડા પૂર્ણ થાય છે ત્યાં મડિયાએ અનુભવેલી સૃષ્ટી સચવાઈને પડી છે. ધોરાજીના બે ભાગ પડી જાય છે. એક મુસ્લિમભાઈઓનો વિસ્તાર છે બીજો હિન્દુભાઈઓનો વિસ્તાર છે. ત્રણ વખત ધોરાજીની મુલાકાત લીધી છે અને ત્રણે વખત મુસ્લિમોના વિસ્તારમાં ગયો છું. જ્યારે પણ જાઉં છું ત્યારે શરણાઈના સૂરનો નાયક મડિયાને અહીંથી તો નહીં જડ્યો હોયને એવા કાલ્પનિક વિચારોમાં ખોવાઈ જાઉં છું. તાલુકાની વચ્ચે એક ટાવર આવી જાય છે. મેઘાણીના નામનું પુસ્તકાલય આવી જાય છે. જ્યાં વૃદ્ધોનો જમાવડો થાય છે. સાંજના સમયે ગફારના ભૂંગળા-બટેટાને ખાવા માટે લોકો ટોળે વળી જાય છે.

ધોરાજીની ગલીઓમાં આપણી આંખ સામેથી કેટલાય કાળા માથાના માનવીઓ પસાર થાય છે. આપણે ખૂદને પ્રશ્ન પૂછીએ છીએ કે, શું આ લોકોને મડિયા તેમના ધોરાજીના હતાં તેનું ગૌરવ છે? એના શરીરમાં એ વાતનું શેર એક લોહી ચડે છે? આપણે પૂછશું તો શું જવાબ મળશે? ક્યાંક ભરચક વિસ્તારમાં બધાની સામે હડધૂત તો નહીં કરી નાખે ને?

એ કોણ ભાઈ? દુકાનનું નામ બોલો તો ખબર પડે? પાનનાં ગલ્લે પૂછો? ઊભાર્યો સવજીને આવવા દ્યો… આવો ઉત્તર મળશે તો તો વધારે શરમજનક સ્થિતિમાં મૂકાઈ જઈશું.

ધોરાજી પહેલા કરતા બદલાયું છે. માખીઓ ઓછી બણબણે છે. કેટલાક રસ્તાઓ સાંકડા ના સાંકડા રહ્યા છે. ભીડ અને ટ્રાફિક જામ તુરંત થઈ જાય છે. મીઠું પાન હજુ પહેલા જેવું જ સરસ મળે છે. બસ સ્ટેન્ડ બદલ્યું છે. વહેલી સવારના પાંચ વાગ્યે પેસેન્જર વિનાનું એ સ્થળ ખોંખોરો ખાતા ડ્રાઈવર કે કન્ડેક્ટરના હવામાં ઓગળી જતાં બીડીના ધૂમાડાની માફક ભેંકાર ભાસે છે. એ દૃશ્યને વધુ બિહામણું સામેના ઝાડ પર કોઈ કોઈ વખત બેસતી ચીબરી પોતાની કાળી-પીળી આંખોથી બનાવે છે. અહીં કબૂતરોનો ફફડાટ ધ્યાનથી સાંભળી શકો. નર કોયલ બોલે. કાબરો પેસેન્જરોએ ફેંકેલા ખોરાકને ખાવા યુદ્ધે ચડે. બસના ટાયરના પૈડાની ચીચીયારીઓ પણ બીવડાવી નાખે. એક વળાંકવાળા રસ્તેથી બસ પસાર થાય ત્યારે કામકાજ માટે જતાં કારીગરોમાં મડિયાના પાત્રોની ઝાંખી થાય. રસ્તામાં ભેંસોનું ખાડુ આવતું હોય તો તેમાં કમાઉ દીકરાને શોધવા બારીમાંથી નજર નાખીએ. ધોરાજી ઘણું બદલી ગયું છે. ને છતાં તેની માટી એ જ સુવાસ આપણી સામે રાખે છે, જે મડિયાએ પોતાના શૈશવમાં એક સમયે અનુભવી હતી. જ્યાંથી તેને આ બધા પાત્રો જડ્યા હતા.

કોઈ પણ સર્જકને સૌથી વધારે લાગણી પોતાના વતન પ્રત્યે હોય છે. ઉંમર વધે તેમ તેની કળા તો મજબૂત બને જ પણ વતન પ્રત્યેનો પ્રેમ પણ દૂધની જેમ ઊભરાવા માંડે. એ સ્મૃતિમાં અહર્નિશ આવ્યા કરે અને ચીટલો ભરી પજવ્યા કરે. મને ખ્યાલ નથી પણ એટલું તો અચૂક કહી શકું કે યાયાવર પક્ષીની માફક વિદેશ પ્રવાસ કરનારા મડિયાના જીવનમાં અન્ય કોઈ સ્થળ કરતા ધોરાજીનું જ મહત્વ વિશેષ રહ્યું હશે.

તેમના પુત્ર અમિતાભ મડિયાએ તેમની પ્રતિભાને ઓછા શબ્દોમાં ખોલી નાખી છે, તેઓ મડિયાનું સમગ્ર પદ્ય પુસ્તકમાં લખે છે, ‘ચેઈન સ્મોકર તો ખરા જ, પણ ચેઈન રાઈટર પણ હતા. 46 વરસના આયુષ્યમાં પુષ્કળ લખ્યું છે – એ Prolific Writer હતા.’

ચંપકલાલ મહેતાએ કુમાર માસિક માટે ચુનીલાલ મડિયાનું ઈન્ટરવ્યૂ લીધું ત્યારે તેમણે પદ્યમાં નિરંજન ભગતને પ્રિય કવિ ગણાવ્યા હતાં પણ વાત જ્યારે ગદ્યની આવી ત્યારે તેઓએ મુશ્કેલ છે કહી ટાળ્યું હતું. મડિયા આજે જીવંત હોત તો નવોદિતોનું ગદ્ય વાંચી તેમની કટાક્ષશૈલીમાં કહેત, ‘એ તો લખાતું ક્યારનું બંધ થઈ ગયું!’

આ સાક્ષાત્કારમાં જ મડિયા પોતાનાથી અતિલેખન થઈ ગયું હોવાનો મુદ્દો સ્વીકારે છે. ઓછા આયુષ્યમાં માતબર લખાણ, પાછું જેવું તેવું તો નહીં લખનારા મડિયાનું કર્મ પહેલાથી જ નક્કી થઈ ગયું હશે? એ જે ક્ષેત્રમાં લખે છે તેમાં નાયક બની ઉભરી આવે છે. છેલ્લે તો સોનેટ પણ લખી ચોંકાવી દીધા હતા. મડિયાએ તો પત્રકાર તરીકે પણ કારકિર્દીને શોભાવી હતી. પણ તેની જાણ કેટલા પત્રકારોને અને કેટલા પત્રકારોની છાતી મડિયા પણ પત્રકાર હતા એ વાતથી ફૂલી સમાતી નથી. પત્રકારત્વ અને સાહિત્ય ના બેઉં ત્રાજવામાં પગ રાખી સમતોલન જાળવવાનું સૌભાગ્ય ભગવતીકુમાર શર્મા, મેઘાણી અને મડિયા જેવું અન્ય કોઈને સાંપડ્યું નથી. સાંપડ્યું છે તોપણ આટલો ઉંચો કાંકરો કોઈ ફેંકી નથી શક્યા.

મડિયાના સાહિત્યપ્રિય જીવનમાંથી એક નિષ્કર્ષ એ પણ નીકળે છે કે તેમણે લેખનનો આરંભ કરતા પૂર્વે જેઓને વાંચ્યા તેઓ આજે પણ વિશ્વસાહિત્યમાં સૌષ્ઠવ ધરાવે છે. દુમા, ડિકન્સ, શોલોખોવ, ચેખોવ, પર્લબક, ટોલ્સટોય, ગોલ્સવર્ધી, ઓ’હેન્રી, વિલિયમ સાયરોન સહિતનાઓને ઉતાર્યા હોવાની માહિતી મડિયાના સમગ્ર પદ્ય પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. તેમનું ક્રમશ: વાંચન પણ પશ્ચિમી સાહિત્ય તરફ જ વધારે ઢળેલું રહ્યું. અંગ્રેજી સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ જ તેમને વિદેશ પ્રવાસમાં ખેંચી ગયો હોવો જોઈએ. જ્યાં પણ તેઓ પોતાના ગમતાં લેખકોને મળ્યા હતા. જેમ કે મડિયાની જ્યોર્જ મિલર સાથેની મુલાકાત. જેની તસવીર પણ ચુનીલાલ મડિયાના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે.

પહેલા હું ફક્ત ધોરાજીમાં જતો, હવે જ્યારે જઉ છું ત્યારે મડિયાના ધોરાજીમાં પગ મૂકુ છું એવું મગજમાં પહેલાં જ ઠસાવી લઉ છું. એમના ઘરને તો હજુ જોયું નથી. વીકિપીડિયામાં એ જૂનીશૈલીના મકાનની તસવીર જોઈ ત્યારથી ચંચળ ચિત્ત દેડકાની જેમ ત્યાં જવા માટે કૂદકા મારી રહ્યું છે. અંદર નહીં પણ બહારથી ખાલી એક નજર નાખવી છે. એ નજર પણ એવી લાલચ ભરેલી હશે કે હમણાં બારી ખુલશે અમે મડિયા તેમાંથી બહાર ડોકિયું કરવા આવશે. એક હાથમાં પેન હશે અને બીજા હાથમાં સિગરેટ. કદાચ તેમને મારામાં કોઈ પાત્ર દેખાય જાય તો!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments