Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરનો વરસાદ એટલે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ...

સુરેન્દ્રનગરનો વરસાદ એટલે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ…

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ચાતક નજરે પ્રતીક્ષા કરી રહેલા ખેડૂતો ખુશખુશાલ થયા છે. શહેરમાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે, તો બીજી બાજુ વરસાદ જમીનને કોરી નથી થવા દેતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી છે. ગઈકાલે ગુરૂવારના રોજ ચોટીલામાં 24 કલાકમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય જિલ્લાના મહત્વપૂર્ણ વિસ્તાર એવા લખતરમાં 1.5 અને વઢવાણમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે.

આ વખતે ઝાલાવડવાસીઓની માઠી બેઠી હતી. ખેડૂતોએ પાક વાવ્યો અને વરસાદ હાથ તાળી આપી ચાલ્યો ગયો હતો. અષાઢ અને શ્રાવણ પ્રભુ શિવની પ્રાર્થના અને તહેવારોની ઉજવણીમાં ચાલ્યા ગયા બાદ આખરે મેઘમહેર થઈ ખરી. છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણે ખેડૂતો સહિત શહેરીજનોમાં પણ આનંદ લાવીને રાખી દીધો છે.

તો બીજી બાજુ સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના અન્ય વિસ્તાર જેવા કે હળવદ, લિંબડી, ચુડા અને સાયલા સહિતના નાના મોટા તાલુકા અને ગામડાઓમાં પણ છૂટાછવાયાં ઝાપટા સાથે મેઘરાજાએ દર્શન દીધા છે.

ખેડૂતો આશા રાખી બેઠા છે કે આ વરસાદના કારણે પાકને સારો ફાયદો થાય. સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 10.04 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. આમ છતાં સુરેન્દ્રનગરમાં જોઈએ એટલો વરસાદ પડ્યો નથી. હજુ પણ નદી-નાળા અને જળાશયો ખાલીખમ અને ભેંકાર ભાસી રહ્યા છે. કેટલાક તળિયે ચાલ્યા ગયા છે. સુરેન્દ્રનગર માટે આ કંઈ આ વર્ષની જ સ્થિતિ નથી. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષનું તારણ કાઢવામાં આવે તો ખ્યાલ આવે કે આ ઝાલાવાડની ભૂમિ પર મેઘરાજા જોઈએ તેટલા આશિર્વાદ આપતા નથી.

ગઈકાલે લખતરમાં મેઘરાજા બરાબરના જામ્યા હતા. બપોર બાદ 43 મિમી. પડેલા વરસાદના કારણે ખેડૂતો અને લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. બીજી બાજુ હળવદ તાલુકામાં કડાકા ભડાકા અને વીજળીની સાથે પડેલા મેઘરાજાએ શાનથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જોકે ધ્રાંગધ્રાના ખેડૂતો બે ઈંચ વરસાદથી ચિંતિત છે. અહીં બીટી કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે. તો ગુવાર, જુવાર, તલ જેવા પાકને ફાયદો થયો છે. ત્યારે ભાદરવામાં રહી રહીને મજા આપી રહેલા મેઘરાજા આગામી સમયમાં સુરેન્દ્રનગર પર કેવું હેત વરસાવે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments