Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનામાં એક યુવકને ડમી વિદ્યાર્થી બની 10મા ધોરણની પરીક્ષા આપવી ભારે પડી ગઈ.ઊનાની ખાનગી સ્કૂલમાં રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. સુપરવાઈઝરને શંકા જતાં તેમણે પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલકને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ડમી વિદ્યાર્થીનો ભાંડો ફૂટી ગયો હતો.
હાલ રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. જેમાં ઊનામાંથી ડમી વિદ્યાર્થી ઝડપાતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે બંને વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ઊના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
કોણ છે ડમી વિદ્યાર્થી ?
ઊનાના દેલવાડા રોડ પર આવેલી ચાણક્ય સ્કૂલમાં આ ઘટના બની છે. સ્કૂલમાં તાલુકાના ગાંગડા ગામમાં રહેતાં વિદ્યાર્થી પ્રતાપ ખોડુ વાઘેલાને રિપીટર વિદ્યાર્થી તરીકે બ્લોક ફાળવાયો હતો. આ બ્લોકમાં રાબેતા મુજબ રિપીટરની પરીક્ષા લેવાઈ રહી હતી. જયેશ વિરાણી નામના શિક્ષક આ રૂમમાં સુપરવિઝન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને સીટ નંબર C-3259 પર બેસેલા વિદ્યાર્થી પર શંકા ગઈ હતી. તેમણે વિદ્યાર્થીની પાવતી જોયા બાદ તેમની શંકા વધુ દ્રઢ બની હતી. ત્યારબાદ સુપરવાઈઝરે કેન્દ્રના સંચાલક અને શાહ.એચ.ડી હાઈસ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતા કિશોરગીરી જીવનગીરી ગૌસ્વામીને જાણ કરી હતી.
જાણ થતાં જ કિશોરગીરી જીવનગીરી ગૌસ્વામી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બ્લોક નં.75માં જઇ તપાસ કરી હતી. તપાસમાં વિદ્યાર્થીની પાવતીમાં લગાવેલો ફટો અને પરીક્ષા આપી રહેલો વિદ્યાર્થી અલગ જણાતા તેની કડક પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમિયાન પરીક્ષા આપી રહેલાં વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે તે પ્રતાપ નહીં પણ પ્રતાપના માસીનો દીકરો ભલકુ માનભાઈ ભાલિયા છે. પોતે પાતાપુર રહે છે અને ડમી વિદ્યાર્થી તરીકે કેન્દ્રમાં ગેરકાયદે પ્રવેશ મેળવ્યો હતો.
વિદ્યાર્થીની કબૂલાત બાદ સ્થળ સંચાલક કિશોરગીરી ગૌસ્વામીએ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક બોર્ડના ઝોનલઓફિસર વિપૂલ ખાંભલાને જાણ કરી હતી. વિપૂલ ખાંભલાની સૂચનાથી સંચાલકે આ બન્ને વિદ્યાર્થીની વિરૂદ્ધ ઊના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત