Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હોસ્પિટલોની અંદર મોટાપાયે ચાલી રહેલી મનમાની સામે યોગી સરકારે લાલ આંખ કરી છે. જે પછી અહીંનું હોસ્પિટલ તંત્ર, હોસ્પિટલ ખોલીને શું શું કરે છે, તેની આખી વાર્તા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ સામે આવી ગઈ હતી. લખનઉમાં ખાનગી 45 દવાખાનાઓ પર દરોડા પાડતા ઈલાજના નામે લોકોના જીવન સાથે રમવામાં આવતી શતરંજનું તૂત સામે આવી ગયું છે.
કોઈ હોસ્પિટલમાં ડોક્ટર જ નહોતા, જ્યારે કેટલાક દવાખાનાઓમાં તો ઓપરેશન થીએટરમાં બીયરની બોટલો રખડતી હતી. આ દવાખાનાઓ દારૂખાના બની ગયા હતા! મોટાભાગની હોસ્પિટલો એવી હતી જે રજીસ્ટ્રેશન વિના જ ચલી રહી હતી. મોટા પાયે ચાલી રહેલી લાપરવાહી પર 29 હોસ્પિટલોને નોટીસ ફટકારવામાં આવી છે. જેઓ હોસ્પિટલને સરકસ બનાવીને બેઠા છે.
સોમવારના રોજ સ્વાસ્થ્ય વિભાગને સાથે રાખી લખનઉ જિલ્લા પ્રશાસનની 6 ટીમોએ દરોડા પાડ્યા, તો મોટાભાગની હોસ્પિટલો લાઈસન્સ વગર જ ધમધમી રહી હતી. કેટલાકના લાઈસન્સ પણ એક્સપાયર થઈ ગયા હતા. ક્યાંક હોસ્પિટલોમાં ડોક્ટર જ દેખાય નહોતા રહ્યા. તો એક હોસ્પિટલમાં બીએસસી પાસ મુન્નાભાઈ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોમવારના રોજ તુલસી એન્ડ ટ્રામા સેન્ટર ઉપર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ટ્રામા સેન્ટરમાં ચાર આઈસીયુના ખાટલા હતા, પણ ડોક્ટર નહોતા. અહીં ઓપરેશન થીએટરના ફ્રિજમાં બીયરની બોટલો આરામ ફરમાવી રહી હતી. દવાખાના ચલાવવાનું લાઈસન્સ પણ સમાપ્ત થઈ ગયું હતું. આ રીતે જ મેડિપ્લસ એન્ડ ટ્રામા સેન્ટરના લાઈસન્સની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ હતી.
દરોડા દરમિયાન મોર્ડન હોસ્પિટલ મેટરનિટી એન્ડ ટ્રોમા સેન્ટરમાં ત્રણ આઈસીયૂના બેડ હતા. જોકે એક્સરે અને ઈમરજન્સીની સુવિધા નહોતી. પરિચારિકાઓ પાસે નર્સિંગની ડિગ્રી પણ નહોતી. આ પ્રમાણે જ ન્યૂ એશિયન હોસ્પિટલ એન્ડ ટ્રામા સેન્ટરમાં પણ ડોક્ટરો નહોતા. બીએસસીની ડિગ્રી લઈ બેઠેલા હોસ્પિટલના માલિક પ્રેમ કુમાર વર્મા પોતે જ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા, જે જોઈ દરોડા પાડનારા અધિકારીઓ અને સારવાર લેવા આવેલા દર્દીઓ પણ અવાક થઈ ગયા હતા.
સ્વાસ્થ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસન અધિકારીઓએ પાડેલા દરોડા બાદ જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશના નેતૃત્વ હેઠળ સીએમઓ ડૉ. મનોજ અગ્રવાલે 29 હોસ્પિટલોની વિરૂદ્ધ નોટીસ જાહેર કરી હતી. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, જો હોસ્પિટલ મેનેજમેન્ટે તંત્રને સંતોષકારક જવાબ ન આપ્યો તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત