Team Chabuk-Gujarat Desk: વાવાઝોડા બાદ અસરગ્રસ્ત વિસ્તારો ધીમે ધીમે બેઠા થઈ રહ્યા છે. ઉદ્યોગો ફરી પોતાની ગતિ પકડી રહ્યા છે. ખેડૂતો ખેતરોમાંથી વૃક્ષોનો કાટમાળ હટાવી નવી વાવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. જે લોકોના ઘર પરથી છત જતી રહી છે તેઓ પણ પોતાના ઘરના સમારકામમાં લાગ્યા છે. વાવાઝોડા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ આ આફતને કાળા બજારિયાઓ અવસરમાં બદલી રહ્યા છે. નળિયાં, છાપરાના કેટલાક વેપારી અસામાજિક તત્વો જેવું કામ કરી રહ્યાનો આરોપ લાગ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર એવી જ ચર્ચાઓ થઈ રહી છે કે નળિયા અને છાપરા ફરી કેમ લગાવવા ? એક તરફ વાવાઝોડું વિનાશ સર્જીને જતું રહ્યું છે બીજી તરફ કાળાબજારિયાઓનું પેટ ભરાતું નથી. આરોપ છે કે, સિમેન્ટના છાપરા જે વાવાઝોડા પહેલાં 165 રૂપિયા મીટરના ભાવે બજારમાં આરામથી મળી રહેતા હતા તે જ છાપરાના મીટરના હવે 200થી 300 રૂપિયા દેવા છતાં નથી મળતા. લાલચું વેપારીઓની આ હરકત ગરીબ લોકના ઘાવ પર મીઠું નાખવા જેવી છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે, ચોમાસુ નજીક છે એટલે વેપારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જેમના ઘર પર હાલ છત નથી તેઓ મજબૂર છે. પરિવાર પર છત રાખવા માટે લોકો કેટલાક લોકો પોતાના ઘરેણાં વેચીને છતની વ્યવસ્થા કરી રહ્યા છે. આ એ લોકો છે જેવો રોજનું કમાઈને રોજ ચુલો સળગાવી રહ્યા છે. આ લોકો પાસે આવા વેપારીઓ સામે લડવાનો સમય નથી. બજારમાં મોટા મગર સામે આવા લોકો નાની માછલી સમાન છે.
કેટલાય લોકોએ કાળાબજારીના ભાવે નળિયા અને છાપરા ખરીદી લીધા છે. ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે મામલતદારોને આવા કાળા બજારી કરનારા વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જો આવા વેપારીઓ ધ્યાનમાં આવશે તો તેમની દુકાનો સીલ કરી દેવામાં આવશે. જો કે, કાળાબજારિયાઓ સુધી મામલતદારની નજર પહોંચે તે જરૂરી છે. અત્યાર સુધીમાં તો આવા એક પણ વેપારી વિરૂદ્ધ કાર્યવાહી થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી. જ્યાં સુધી તંત્ર ગ્રાઉન્ડલેવલે જઈને કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આવા વેપારીઓની મનમાની ચાલતી રહેશે અને ગરીબ લોકો લૂંટાતા રહેશે.
આ મુદ્દે ઊના, ગીરગઢડા અને વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોએ પણ અવાજ ઉઠાવ્યો છે અને કાળાબજારી કરતાં વેપારીઓને કાયદાનું ભાન કરાવવા માગણી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત