Homeગુર્જર નગરીજૂનાગઢમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશની સરાજાહેર હત્યાથી સમગ્ર પંથકમાં ખળભળાટ

જૂનાગઢમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશની સરાજાહેર હત્યાથી સમગ્ર પંથકમાં ખળભળાટ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરમાં સરાજાહેર કોંગ્રેસના નેતા અને પૂર્વ મેયરના પુત્રની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ જૂનાગઢ કોંગ્રેસના અગ્રણી અને જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની આજે બપોરના સમયે ઘાતકી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો ધર્મેશ પરમારની હત્યા કરીને નાસી છૂટતા જૂનાગઢ પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

હત્યાની આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલા રામ નિવાસ નજીક બપોરના સુમારે જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના 49 વર્ષીય પુત્ર ધર્મેશ પરમાર પર અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યા હતા. હુમલાના કારણે ધર્મેશ પરમાર લોહીલુહાણ થઈ ગયા હતા. ધર્મેશ પરમારને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને અજાણ્યા શખ્સો સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ લોકો એકઠાં થઈ ગયા હતા અને બાદમાં ધર્મેશ પરમારને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં તબીબોએ ધર્મેશ પરમારને મૃત જાહેર કર્યા હતા.

ધર્મેશ પરમારની હત્યાની જાણ થતાં જ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બનાવ સ્થળે પ્રાથમિક તપાસ કરીને હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. પોલીસે હત્યારાઓની માહિતી અને સગડ મેળવવા તપાસ આદરી છે.

ધર્મેશ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કામ કરતાં હતા. તેમની પત્ની પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેમના પિતા લાખાભાઈ પરમાર જૂનાગઢના મેયર રહી ચૂક્યા છે. જૂનાગઢ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ધર્મેશ પરમારની હત્યાથી પરિવાર સહિત સગા-સંબંધીઓમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યાના બનાવની જાણ થતાં તેમના હિતેચ્છુઓ પણ એકઠાં થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments