શૈલેષ નાઘેરાઃ ગુજરાતના વધુ એક માસૂમ પર મોટી આફત આવી છે. ગીર સોમનાથના કોડીનારના આલિદર ગામે રહેતા અશોક વાઢેળના અઢી મહિનાના દીકરાને SMA-1 એટલે કે, સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી નામની ગંભીર બીમારી થઈ છે. ડોક્ટરનું કહેવું છે કે, વિવાનને 16 કરોડ રૂપિયાનું એક ઈન્જેક્શન આપવાથી તે સ્વસ્થ થઈ શકે તેમ છે પરંતુ કચ્છની એક કંપનીમાં સામાન્ય પગારે નોકરી કરતાં વિવાનના પિતા અશોક વાઢેળ માટે આ રકમ એકઠી કરવી લગભગ અશક્ય છે. જેથી વાઢેળ પરિવારે નાગરિકો પાસે મદદનો હાથ લંબાવ્યો છે.
ભૂલકાની મદદ માટે એકાઉન્ટ નંબર જાહેર કરાયો છે
આ નાના ભૂલકાની મદદે પણ ઈમ્પેક્ટ ગુરૂ નામની સંસ્થા આવી છે. જેણે અગાઉ ધૈર્યરાજની જે રીતે મદદ કરી હતી તે જ રીતે એક એકાઉન્ટ નંબર જાહેર કર્યા છે. આ એકાઉન્ટ નંબર પર કોઈ પણ નાગરિક પોતાની યથાશક્તિ મુજબ વિવાનની મદદ કરી શકશે.

100-100 રૂપિયાની મદદ મળશે તો પણ 16 કરોડ સુધી પહોંચી શકાશે
ટીમ ચાબુકે વિવાનના પિતા અશોક વાઢેળ સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે, દેશમાંથી 16 લાખ લોકો 100-100 રૂપિયાની મદદ કરશે તો પણ દીકરા વિવાનને નવું જીવન મળી જશે. આશા છે કે જે રીતે ધૈર્યરાજ માટે લોકોએ ટીપે ટીપે સરોવર ભરી દીધુ હતું તેમ વિવાનની મદદ માટે પણ સેવાભાવી સંસ્થાઓ, નેતાઓ અને નાગરિકો આગળ આવશે. તેમણે કહ્યું કે, 25 જૂન સુધીમાં વિવાનના ઈન્જેક્શન માટે ખાતામાં સાડા 6 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. આ રકમ કોઈ વ્યક્તિના ખાતામાં નહીં પરંતુ ઈમ્પેક્ટ ગુરૂ નામની સંસ્થાના ખાતામાં જમા થઈ રહી છે.
હાલ વિવાન ઘરે છે
અશોક વાઢેળે કહ્યું કે, વિવાનની ગંભીર બીમારી અંગે જાણ થયા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હવે જ્યારે ઈન્જેક્શનના રૂપિયા જમા થઈ જશે ત્યારે તેની સારવાર માટે મુંબઈ જવાનું છે.

બીમારીની જાણ ક્યારે થઈ ?
SMA-1 જન્મજાત બીમારી છે પરંતુ 8 જૂને પરિવારને થયું હતું કે, વિવાન પોતાની જાતે હલન-ચલન કરી નથી શકતો. જેથી તાત્કાલિક પરિવાર વિવાનને લઈને રાજકોટ પહોંચ્યો હતો જ્યાં પ્રાથમિક તાપસ બાદ સેમ્પલ ચેન્નઈ મોકલાયા હતા. 15 જૂને વિવાનના રિપોર્ટ આવ્યા હતો. રિપોર્ટ જોઈને ડોક્ટરે પરિવારને આ બીમારી વિશે જાણ કરી તો પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જો કે, હવે લોકોનો જે રીતે સપોર્ટ મળી રહ્યો છે તેનાથી પરિવારને આશા છે કે, વિવાનને થોડા મહિનાઓમાં જ નવજીવન મળશે.
SMA-1 વિશે જાણો
વિવાનને જે બીમારી છે એ જન્મજાત છે. આ બીમારીનું પૂરું નામ સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ ( Spinal Muscular Atrophy Fact Sheet ) છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં 4 ખામીના કારણે થાય છે. રંગસૂત્ર-5ની નાળી જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસના શરીરમાં ન્યૂરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. SMA-1થી પીડિત વ્યક્તિમાં આ પ્રમાણ યોગ્ય જળવાતું નથી જેના લીધે બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
તાજેતાજો ઘણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત