Team Chabuk-National Desk: બિહારનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં વેક્સિન લેવા ગયેલા એક યુવકને વેક્સિન આપવાની જગ્યાએ ખાલી હવાથી ભરેલું ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું. સૌ પ્રથમ નીચે આપેલો વીડિયો જોઈ લો.
બિહારમાંવેક્સિન લેવા ગયેલા યુવકને ખાલી ઇન્જેક્શન આપી દીધું#Vaccination #Bihar pic.twitter.com/3bu00SWfMs
— thechabuk (@thechabuk) June 26, 2021
આ વીડિયો બિહારના સારણનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોરોનાની વેક્સિન લેવા માટે ખુરશી પર બેઠો છે. બાજુમાં રહેલી મહિલા આરોગ્યકર્મી ઇન્જેક્શનનું પેકિંગ ફાડીને સિરિંઝ કાઢે છે અને ઇન્જેક્શનમાં વેક્સિનનો ડોઝ ભર્યા વિના જ ખાલી સિરિંઝ આ વ્યક્તિના હાથ પર લગાવી દે છે. જ્યારે આ યુવકને વેક્સિન લગાવવામાં આવી રહી હતી, ત્યારે તેનો એક મિત્ર આ વીડિયો ઉતારી રહ્યો હતો. જેથી સમગ્ર ઘટના આ વીડિયોમાં કેદ થઈ ગઈ છે.
આરોગ્યકર્મી મહિલાની ભયંકર બેદરકારીનો આ વીડિયો વાઇરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ સારણના ડિસ્ટ્રીક્ટ ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડો. અજય કુમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, વીડિયોની માહિતી મારી પાસે આવી છે. લાપરવાહીના કારણે વેક્સિન આપનારી નર્સ ચંદા કુમારીને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. સાથે જ 48 કલાકની અંદર આ મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
ડો. અજય કુમારે એમ પણ કહ્યું કે, નર્સે આવું જાણી જોઈને નથી કર્યું. વેક્સિનેશન સેન્ટર પર ખૂબ જ ભીડ હોય છે. તેથી ઉતાવળમાં નર્સથી ભુલ થઈ ગઈ હોઈ શકે છે. અજય કુમારે કહ્યું કે, યુવકને ફરીથી બોલાવીને તેને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. જે માટે યુવક પોતાની રીતે તારીખ પસંદ કરી શકે છે.
વેક્સિન વગરનું ઇન્જેક્શન જે યુવકને લગાવ્યું હતું તેનું નામ અઝહર છે. યુવકનું કહેવું છે કે નર્સે આવું ભુલથી કર્યું હોઈ શકે છે. પરંતુ આ પ્રકારની ભુલ આરોગ્ય વિભાગની સમગ્ર પ્રક્રિયા પર સવાલો ઉભા કરે છે. જો કે આ ઘટનામાં વીડિયો સામે આવ્યો તેથી આ પ્રકારની ભુલ થઈ હોવાની જાણકારી મળી શકી પરંતુ આવી ભુલો અન્ય ઘણી જગ્યાએ પણ થતી હશે, જે સામે આવી નથી.
10 દિવસ પહેલા ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી પણ વેક્સિનને લઈને બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. આઝમગઢમાં વેક્સિનના વેસ્ટેજનો એક વીડિયો વાઇરલ થયો હતો. જ્યાં એક વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન ભરેલી શીશી કોઈ આરોગ્યકર્મી એમનામ મૂકીને ચાલ્યું ગયું હતું. આ પહેલા અલીગઢમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોનાની વેક્સિન ભરેલી 29 સિરિંઝ કચરાના ઢગલામાંથી મળી હતી. રાજસ્થાનમાંથી પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત