Homeગુર્જર નગરીજૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ છેલ્લા ત્રણ વર્ષથી ડિગ્રી સર્ટિફિકેટ ન...

જૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ છેલ્લા ત્રણ વર્ષથી ડિગ્રી સર્ટિફિકેટ ન આપ્યા હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: આજથી 6 વર્ષ પહેલા એટલે કે 2015માં ગુજરાતમાં એક નવી યુનિવર્સિટીની શરૂઆત થઈ. આ યુનિવર્સિટી એટલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ત્રણ-ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપ્યા ન હોવાનો યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. યુથ કોંગ્રેસના આરોપ બાદ જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યોએ આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે.

જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના યુવા સંગઠન એનએસયુઆઈના પ્રમુખ યુગ પુરોહિતે આરોપ લગાવ્યો છે કે જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વર્ષ 2017 પછી અને ગ્રેજ્યુએટ થયેલા તમામ વિદ્યાર્થીઓને આજ દિવસ સુધી ડિગ્રી સર્ટિફિકેટ ઈશ્યુ કરેલા નથી. એનએસયુઆઈ દ્વારા આ અંગે કોંગ્રેસના ધારાસભ્યોને જાણ કરવામાં આવતા, વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોષી અને માંગરોળ માળીયા (હાટીના)ના ધારાસભ્ય બાબુ વાજાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજૂઆત કરી છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એનએસયુઆઈની રજૂઆત પ્રમાણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 2017 પછી જે વિદ્યાર્થીઓ બી.એ., બી.કોમ., બી.એસ.સી. જેવા ગ્રેજ્યુએટ માટે અભ્યાસ કરતાં હતાં તેવા વિદ્યાર્થીઓને હજુ ગ્રેજ્યુએટ થયે ત્રણ વર્ષ જેવો સમય વિતી ચુક્યો છે છતાં પણ આ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મળ્યા નથી. વિદ્યાર્થીઓ પાસેથી ડિગ્રી સર્ટિફિકેટ માટેની 350 થી 400 રૂપિયા જેટલી ફી ઉઘરાવી લેવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ આ અંગે વારંવાર યુનિવર્સિટીના પદાધિકારીઓને આવેદન અને મૌખિક રજૂઆત કરીને ડિગ્રી સર્ટિફિકેટ આપવા અંગે જણાવેલું છે. છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી. ધારાસભ્ય પત્રમાં લખ્યું છે કે, ડિગ્રી સર્ટિફિકેટ ન હોવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અટકી પડ્યું છે. યુનિવર્સિટીના પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ગોળ ગોળ જવાબ આપી અવનવા બહાના બતાવવામાં આવી રહ્યા છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે એટલે વિદ્યાર્થીઓને ભેગા ન કરી શકાય અથવા મુખ્યમંત્રીના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ આપવાના છે પણ મુખ્યમંત્રી ફ્રી નથી તેવા બહાના બતાવી તેમની રજૂઆતને વારંવાર નકારી કાઢવામાં આવે છે.

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી ડિગ્રી સર્ટિફિકેટ ન મળ્યા હોય તેવા વિદ્યાર્થીઓનો સર્વે એનએસયુઆઈ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું કે 2017 થી અત્યાર સુધીમાં આવા 1,74,000 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મળ્યું નથી. આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય માત્રને માત્ર ડિગ્રી સર્ટિફિકેટના કારણે અટક્યું હોવાનું એનએસયુઆઈનું કહેવું છે. આ મામલે ઝડપથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પટાંગણમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે વળે તે પહેલાં તેમને ન્યાય મળે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments