શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના નવાબંદરની એક બોટના ખલાસીઓ સાથે દરિયામાં જ લૂંટની ઘટના બની. આરોપ છે કે, નવાબંદરથી 50 નોટીકલ માઇલ દૂર દરિયામાં મહારાષ્ટ્રના માછીમારોએ તેમને માર મારી બોટમાંથી માછલી સહિતનો તમામ સામાન લૂંટી લીધો હતો. ઈજાગ્રસ્ત માછીમારોને ઊનાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સારવાર લઈ રહેલા માછીમારોએ કહ્યું કે, મહારાષ્ટ્રની બોટોએ તેમની બોટને ઘેરી લઇ તેની સાથે બોટ ભટકાવી તોડીને ડૂબાડવાની કોશિશ કરી હતી અને 4 ખલાસી તેમજ 1 ટંડેલને માર માર્યો હતો.
ભોગ બનનારા બોટના ટંડેલ મોહનભાઈ શીયાળે કહ્યું કે, “રાત્રે આઠ વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રની બોટો આવી હતી અને તેમણે લગાવેલી જાળ કાપી નાખી હતી. જાળના કટકા કરી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, અંદાજે 70થી 80 જેટલી બોટ હતી. મહારાષ્ટ્રના માછીમારો તેમને ધમકાવીને કહી રહ્યા હતા કે, અહીથી જાળ ઉપાડી લો. તો મોહનભાઈએ કહ્યું કે, અત્યારે અમે ઉપાડીને ક્યાં જઈએ ?”
ઊનાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવાબંદરના ઈજાગ્રસ્ત માછીમારો pic.twitter.com/2WER6HVG4e
— thechabuk (@thechabuk) January 8, 2022
મોહનભાઈ શીયાળે કહ્યું કે, “આ રકઝક બાદ અમે દરિયામાં નાખેલી જાળ ઉપાડતા હતા તો મહારાષ્ટ્રના માછીમારોએ આવીને અમારી જાળ લઈ લીધી. પહેલાં અડધા જાળ મને આપ્યા અને બીજા લઈ ગયા.”
તેમણે કહ્યું કે, “આટલી ઘટના બન્યા બાદ અમે પરત નવાબંદર તરફ ફરી રહ્યા હતા એવામાં મહારાષ્ટ્રની બોટનો આખો કાફલો ભેગો થઈને ફરી આવ્યો. પહેલાં સાતથી આઠ બોટ આવી અને અમારી બોટને ઘેરી લઈ ચારે તરફથી બોટને અથડાવા લાગ્યા.એટલું જ નહીં તે માછીમારો બોટમાંથી દારૂની અને બીયરની ખાલી બોટલ વડે હુમલો કર્યો. અમારી પાછળ 70થી 80 બોટ પડી હતી. અમે અમારી બોટ ધીમી કરી તો કેટલાક માછીમારો અમારી બોટમાં આવી ગયા અને જે હાથમાં આવ્યું તે માર્યું. લાકડા, લોખંડની પાઈપ વડે અમને માર માર્યો. આ દરમિયાન હું અને બે અન્ય લોકો બેભાન થઈ ગયા. તેમણે અમારા કપડા પણ ફાડી નાખ્યા હતા.”
દરિયામાં માછીમારો પર હુમલાની ઘટનામાં બોટને પણ નુકસાન pic.twitter.com/7wXv8PGhsP
— thechabuk (@thechabuk) January 8, 2022
તો બોટ માલિકે કહ્યું કે, અમને કોલ મળતા અન્ય 7થી 8 બોટ અમારી બોટને લેવા ગઈ હતી. આ ઘટના માત્ર નવાબંદરથી 40થી 50 નોટિકલ માઈલ દૂર જ બની છે. બે ખલાસીને ફ્રેક્ચર થયું છે કુલ 5 ખલાસીને દાખલ કરાયા છે. તેઓ માછલી લૂંટી ગયા છે. જાળ લૂંટી ગયા છે. બોટમાંથી બધો સામાન લૂંટી ગયા છે.
તો નવાબંદરના સરપંચ સોમવારભાઈએ કહ્યું કે, “નવાબંદરના માછીમારો સાથે જે ઘટના બની તે બહું દુઃખદ ઘટના છે. જો મહારાષ્ટ્રના માછીમારો ગુજરાતના દરિયામાં આવીને માછીમારો પર હુમલો કરતા હોય તો આમા માછીમારોની કોઈ સુરક્ષા નથી.”
“આવા હુમલા મહારાષ્ટ્રના માછીમારો વારંવાર કરે છે. આ અંગે રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. તેમણે સવાલ કર્યો કે, જો આવા બનાવો વારંવાર બનતા રહેશે અને માછીમારોને કઈ થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે ? બોટમાં ઓછામાં ઓછું 4થી 5 લાખનું નુકસાન છે.” આ સમગ્ર ઘટના અંગે હાલ મરીન પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત