Homeગુર્જર નગરીનુકસાન: તમે PhonePe વાપરો છો ? તમારી સાથે પણ આવું થઈ શકે...

નુકસાન: તમે PhonePe વાપરો છો ? તમારી સાથે પણ આવું થઈ શકે છે

Team Chabuk-Gujarat Desk: ટેકનોસેવી લોકો જાણે છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું એ આપણી આંગળીઓના ટેરવા પર છે. કરિયાણાની દુકાનોથી લઈ મોટા ઉદ્યોગોમાં લાખો રૂપિયાની લેતી-દેતી થોડી ક્લિકમાં થતી હોય છે. પરંતુ જો આ ક્લિક કરતી વખતે આંગળીનું ટેરવું જો થોડું ડાબે કે જમણે જતું રહ્યું અને ઉતાવળમાં સ્ક્રીન પર ધ્યાન ન રહ્યું તો દાવ ઉંધો પડી શકે છે.

આવી જ એક ઘટના ગીર સોમનાથના ઊનામાં બની છે. જ્યાં એક યુવકે તૌકતે વાવાઝોડા બાદ મળેલી સહાયને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં માત્ર એક જ ભૂલ કરી અને ઊનાના બદલે આ પૈસા ઝારખંડ ટ્રાન્સફર થઈ ગયા.

યુવકને ધ્યાનમાં આવતા જ તેણે ફોન નંબર દ્વારા તે યુવકનો સંપર્ક કર્યો પરંતુ ભાષા અવરોધ બની અને વાત થઈ શકી નહીં. હવે અઠવાડિયાથી યુવક બેન્કના ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ તેને હજુ રૂપિયા મળ્યા નથી.

કોની સાથે બની ઘટના ?

ગીર સોમનાથના ઊના તાલુકાના ખોડિયાર નગરમાં રહેતા અનિલ ચાવડા નામના યુવાનને 19 હજાર 684 રૂપિયાનો ફટકો પડ્યો છે. અનિલે જણાવ્યું કે, આ રૂપિયા વાવાઝોડા બાદ અમારા ઘરને થયેલા નુકાસાનના વળતર પેટે મળ્યા હતા. જે ટ્રાન્સફર કરવામાં થોડી ભૂલ થઈ ગઈ અને રૂપિયા કોઈ અન્ય રાજ્યના મારમ રવિન્દ્ર રેડ્ડી ( Maram Ravindrareddy ) નામના યુવકને ટ્રાન્સફર થઈ ગયા છે.

આવી રીતે ભૂલ થઈ

અનિલે જણાવ્યું કે, સેન્ટ્રલ બેંકના ATMથી મારા અગિયાર આંકડાના અન્ય બેંક એકાઉન્ટ નંબરમાં હું Phonepe થી રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. જો કે, મારા અગિયાર આંકડાના નંબરમાંથી આગળનો એક આંકડો નીકળી ગયો અને પાછળ 10 આંકડા વધ્યા તે ઝારખંડના યુવકના મોબાઈલ નંબર બની ગયા. આમ, એક આંકડાની ભૂલથી સહાયના રૂપિયા મને ન મળી શક્યા. અનિલે કહ્યું કે, આ એકાઉન્ટ નંબરમાં તે પહેલી જ વાર રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. જેથી આ ભૂલ થઈ ગઈ છે.

સામેની વ્યક્તિ ઢોંગ કરે છે કે સત્ય બોલે છે તે સમજાતું નથી

અનિલે કહ્યું કે, આ ઘટના બાદ તાત્કાલિક તેણે ફોન નંબર પર ફોન પણ લગાવ્યો હતો. તેની ભાષા ન સમજી શકતા એક મિત્રને વાત કરી હતી અને રૂપિયા ફરી ટ્રાન્સફર કરવા કહ્યું હતું જો કે, યુવક અમારી વાત સમજી ન શક્યો કે સમજી ન શકવાનો ઢોંગ કર્યો તે અમને સમજાયું નહીં.

સહાયની રકમ પરત મેળવવા અન્ય એક મિત્રને કહ્યું તો તેણે ટ્વીટર પરથી Phonepeને મદદ માટે વિનંતી કરી પરંતુ Phonepeએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે તેઓ પાસે રિવર્સ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા નથી. બેંકનો સંપર્ક કરો.

અનિલે કહ્યું, અમે ઊનામાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખાનો પણ સંપર્ક કર્યો. ત્યાં મેં તમામ પ્રૂફ આપી રૂપિયા પરત મેળવવા માટે આજીજી કરી પરંતુ હજુ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. બેંકે આશ્વાસન આપ્યું છે કે, લગભગ રૂપિયા પરત મળી જશે.

આ મુદ્દે અનિલે પોલીસને પણ સંપર્ક કર્યો છે જો કે, હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બીજી તરફ અનિલનો આ કિસ્સો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે ચેતવણી સમાન છે. જો કોઈ સાથે આવી ઘટના બને તો કંપનીઓ કોઈને કોઈ રીતે છટકી જતી હોય છે. ત્યારબાદ જો સામે વાળી વ્યક્તિ સારી હોય તો ઠીક નહી તો યુઝર્સના હાથમાં અફસોસ સિવાય કશું નથી આવતું.

ટીમ ચાબુકે આ મુદ્દે એક નિષ્ણાત સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ટ્રાન્ઝેક્શન કરવામાં થર્ડ પાર્ટી ખાનગી એપનો ઉપયોગ ઓછો કરીએ એ જ સારું. જો અનિલે પણ બેંકની એપ્લીકેશન અથવા BHIM એપથી એકાઉન્ટ ટુ એકાઉન્ટ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોત તો આવું ન થયું હોત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments