Homeગુર્જર નગરીગીર સોમનાથઃ રેલવે ટિકિટની કાળાબજારી કરનારા સરકારી બાબુઓ જેલ હવાલે

ગીર સોમનાથઃ રેલવે ટિકિટની કાળાબજારી કરનારા સરકારી બાબુઓ જેલ હવાલે

શૈલેષ નાઘેરાઃ જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોને કરવી ?  આવો જ કંઈક ઘાટ વેરાવળ રેલવે ડિવિઝનમાં સર્જાયો છે. RPF ક્રાઈમ બ્રાંચે રેલવે ટિકિટની બજારીના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. RPF ક્રાઈમની તપાસમાં રેલવેના અધિકારી અને કર્મચારીઓની જ સંડોવણી બહાર આવી છે.

એક વર્ષથી ચાલી રહી હતી તપાસ

સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહેલા વેરાવળ આર.પી.એફના PSI ઉદયભાનસિંહે કહ્યું હતું કે, વેરાવળ રેલવે ડિવિઝનના તાલાલા, સાસણગીર,  વિસાવદર, દામનગર જેવા નાના મીટરગેજ રેલવે સ્ટેશનો પરથી પ્રતિદિન એક લાખની તત્કાલ ટિકિટના બુકિંગ થતા જે શંકાના દાયરામાં હતા. રેલવે ટિકિટના કાળા બજારીનું નેટવર્ક ચાલતું હોવાની ચોક્કસ બાતમી આધારે છેલ્લા એક વર્ષથી આ રેકેટનો પર્દાફાશ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

વ્યક્તિની ઉપસ્થિતિ વગર બુકિંગ થયું

તેમણે કહ્યું કે, ગત 24 એપ્રિલે સાસણ ગીર રેલવે સ્ટેશન પરથી અમદાવાદ-લખનઉ, સુરત-શાહગંજ અને સુરત-મુઝફ્ફરનગર એમ ત્રણ તત્કાલ ટિકિટનું કોઈ વ્યક્તિની ઉપસ્થિતી વગર જ બુકિંગ થયું હતું.

RPFની એક ટીમે આ ટિકિટના PNR આધારે અમદાવાદ અને સુરતમાં મુસાફરને ટ્રેસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતુ કે, મુસાફરોએ આ ત્રણેય ટિકિટ કાળાબજારીના ભાવે ખરીદી હતી.

મુસાફરોને ટ્રેસ કર્યા

મુસાફરોને ટ્રેસ કર્યા બાદ રેલવે ક્રાઈમ બ્રાંચે તપાસ આગળ વધારી હતી જેમાં એક પછી એક કડીઓ જોડાતી ગઈ હતી. મુસાફરો પાસેથી મળેલી માહિતીના આધારે અમદાવાદ અને સુરતના કાળાબજારિયાઓ સુધી ક્રાઈમબ્રાંચ પહોંચી હતી જ્યાંથી વેરાવળ રેલવે ડિવિઝનના રેલવેના જ બુકિંગ ક્લાર્ક સુધી પગેરું પહોંચ્યું હતું.

એક પછી એક પત્તા ખુલ્યા

ત્યારબાદ સાસણ ગીર સ્ટેશનના બુકિંગ કલાર્ક સંદિપ અગ્રાવત, તાલાલા સ્ટેશનના બુકિંગ કલાર્ક મનિષ શ્રીવાસ્તવ, વિસાવદર સ્ટેશનના બુકિંગ કલાર્ક નીતિન દમણિયા અને દામનગર સ્ટેશનના ડેપ્યુટી એસ.એસ.શિવકૃપાલ પાસવાનની પણ આ કૌભાંડમાં સંડોવણી બહાર આવી હતી. આમ એક પછી એક પત્તા ખુલ્યા હતા. રેલવે ક્રાઈમબ્રાંચને આ અંગે પુરાવા મળતા જ પોલીસે ચારેય રેલવે કર્મચારીઓ અને ચાર કાળાબજારિયા વિરૂદ્ધ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી લીધી છે. રેલવેના જ કર્મચારીઓ દ્વારા ચલાવાતી ટિકિટની કાળાબજારીનો પર્દાફઆશ થતાં રેલવે વિભાગમાં ખળભળાટ મચ્યો છે.

પત્નીના ખાતામાં જમાં કરતાં નાણાં

પોલીસને ચકમો આપવા માટે આરોપી અધિકારી અને કર્મચારીઓ પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતા હતા. તપાસ અધિકારી ઉદયભાનસિંહે જણાવ્યું હતુ કે, ચારેય રેલવે કર્મચારીઓ પોતાની પત્નીઓના બેન્ક એકાઉન્ટના માધ્યમથી ભ્રષ્ટાચારના નાણાં મેળવાતા હતા.

મનીષે સંજય નામના વ્યક્તિનું એકાઉન્ટ મેનેજ કરતો

એટલું જ નહીં તાલાલા રેલવે સ્ટેશનના બુકિંગ ક્લાર્ક મનીષ શ્રીવાસ્તવે તો તાલાલાના સંજય હરિયાની નામના વ્યક્તિનું એક્સિસ બેન્કનું એકાઉન્ટ ખોલાવી દીધું હતું. મનીષ શ્રીવાસ્તવ આ એકાઉન્ટમાં જ રૂપિયા જમા કરાવતો હતો. મનીષે આ એકાઉન્ટમાં પોતાનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો હતો જેથી તે આ ખાતું મેનેજ કરી શકે. સંજય પાસેથી મનીષ નાણાં મંગાવતો હોવાના પુરાવા પણ સામે આવ્યા છે.

કડક પગલાં લેવા માગણી

રેલવેતંત્ર દ્વારા લોકોની સુવિધા માટે ઉભી કરાયેલી તાત્કાલિક બુકિંગ સેવાનો રેલવેના જ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ગેરલાભ ઉઠાવતા હોવાનું સામે આવતા આરોપી સામે કડક પગલાં લેવાની માગણી ઉઠી છે. બીજી તરફ કાળાબજારીના આ કૌભાંડમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયેલા હોવાની ચર્ચા ઉઠી છે. તપાસમાં હજુ કેટલાય અધિકારી અને કર્મચારીઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments