Team Chabuk-Sports Desk: બે વર્ષથી ચાલતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો અંત આવી ગયો છે. જેમાં ભારતીય ટીમની હાર અને ન્યૂઝીલેન્ડની ટીમની જીત થઈ છે. 23 જૂન 2021ના રોજ આ પ્રતીક્ષાનો અંત આવ્યો અને ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી ગઈ.
ઈંગ્લેન્ડનાં સાઉથેમ્પ્ટનમાં રમાયેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલને ન્યૂઝીલેન્ડની ટીમે આઠ વિકેટે જીતી લીધી. જીતનો શ્રેય ન્યૂઝીલેન્ડની ટીમને જાય છે જેણે ભારતની મજબૂત ટીમને થોડી વાર માટે પણ મજબૂત છીએ તેવો અહેસાસ થવા ન દીધો.
રિઝર્વ ડેની સાથે 6 દિવસ સુધી ચાલેલી આ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની સામે બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 139 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે કેપ્ટન કેન વિલિયમસનની 52 અને રોસ ટેલરની 47 રનની ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડ આ મેચ જીતી ગયું.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આ ઐતિહાસિક ફાઈનલ મેચ ન્યૂટ્ર્લ વેન્યૂ સાઉથૈમ્પટનના ક્રિકેટ મેદાનમાં રમાઈ હતી. 18 જૂનથી આ મેચનો આરંભ થયો હતો. જોકે વરસાદના કારણે મેચનો પહેલા દિવસ ધોવાઈ ગયો. બીજા દિવસે ટોસ જીતી ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને બેટીંગ માટે આમંત્રણ આપ્યું. બીજા દિવસે પણ વરસાદ અને પ્રકાશની સમસ્યાના કારણે 64.4 ઓવરની જ રમત રમાઈ. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા.
જોકે ત્રીજા દિવસે કાઈલ જેમિસન અને ન્યૂઝીલેન્ડના અટેકર બોલર્સે ભારતીય ટીમને પસ્ત કરી દીધી. ભારત 217માં આઉટ થઈ ગયું. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ન્યૂઝીલેન્ડ 101-2 રન બનાવ્યા હતા. ચોથા દિવસે વરસાદના કારણે મેચ સ્થગિત કરવી પડી. મેચના ચાર દિવસ પૂર્ણ થઈ ગયા અને બંને ટીમની એક એક ઈનિંગ પૂરી નહોતી થઈ. જે પછી પાંચમાં દિવસે મોહમ્મદ શામીની મદદથી ભારતીય ટીમ મેચમાં પરત ફરી. 249માં ન્યૂઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ.
એક સમયે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના સ્કોરની આસપાસ જ આઉટ થતી દેખાઈ રહી હતી, જોકે ન્યૂઝીલેન્ડના પૂંછડીયા બેટ્સમેન કાઈલ જેમિસને રન બનાવી લીધા. જેથી ઈનિંગમાં 32 રનની લીડ મળી ગઈ. પાંચમાં દિવસે ભારતની બીજી ઈનિંગની બેટીંગ આવી. ભારતને એક એવો સ્કોર સેટ કરવાનો હતો જેથી બોલર્સને બેટ્સમેનોને આઉટ કરવા માટેની એક તક મળી જાય. પાંચમાં દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ભારતીય ટીમે બે વિકેટના નુકસાન પર 64 રન બનાવ્યા હતા.
એ પછી બુધવાર એટલે કે મેચના અંતિમ દિવસે રિઝર્વ ડે આવ્યો. આઈસીસીના નિયમ પ્રમાણે વરસાદ અને પ્રકાશનાં કારણે સમય વેડફાયો જેથી એક દિવસ એક્સ્ટ્રા રાખવામાં આવ્યો હતો. જોકે છેલ્લો દિવસ ભારતના કામનો બિલકુલ નહોતો. દિવસની શરૂઆતમાં જ રહાણે, પુજારા અને વિરાટ કોહલી પવેલિયન પરત ફરી ગયા. સાઉદી, બોલ્ટ, જેમિસન જેવા બોલર્સે ભારતની ઈનિંગને 170 રનમાં પૂરી કરી નાખી. જેથી ન્યૂઝીલેન્ડને 139 રનનો ટાર્ગેટ મળ્યો.
અશ્વિને બે વિકેટ લીધી પણ બાદમાં કેપ્ટન કેન વિલિયમસન અને રોસ ટેલરે સાથે મળીને ટીમની જીત સરળ કરી નાખી. મેચના અંતિમ દિવસે આ ટાર્ગેટ મુશ્કેલ નહોતો લાગી રહ્યો. વિશ્વની નંબર વન ટીમ ન્યૂઝીલેન્ડે ફાઈનલ જીતીને ઈતિહાસ રચી દીધો.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત