Homeગુર્જર નગરીતંત્રના આ નિર્ણયો જ દર્શાવે છે કે જનતા ફરી પાંજરે પૂરાઈ રહી...

તંત્રના આ નિર્ણયો જ દર્શાવે છે કે જનતા ફરી પાંજરે પૂરાઈ રહી છે

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના સરકારી તંત્ર અને પોલીસના નેતાઓ સામે પગલાં ભરવાના ડરના કારણે હવે ગુજરાતની આમ જનતાને પીસાવાનો સમય શરૂ થઈ ચુક્યો છે. ચૂંટણીમાં મોટા મોટા તાયફાઓ, મેળવાડાઓ, સભા-સરઘસો અને ત્યારબાદ ક્રિકેટના મેદાનમાં દર્શકોની ભીડ ભેગી કર્યા બાદ હવે સરકારની આંખો ખૂલી છે. સરકારી તંત્રને ભાન થયું છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી હવે નબળો ધણી બૈરી પર શૂરો થાય તેમ જાહેર સ્થળોને બંધ કરવાનું શરૂ કરી દીધું છે.

સૌથી પહેલાં ગઈકાલે એટલે કે મંગળવારે ગુજરાત સરકારે નિર્ણય લીધો કે મહાનગરોમાં કર્ફ્યૂ  10 વાગ્યાથી શરૂ થઈ જશે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારબાદ આ ગુજરાતની સરકારે પોતાના ફાયદા માટે, ચૂંટણીઓમાં મોડે સુધી પ્રચાર-પ્રસાર કરી શકાય તે માટે સમયમાં છૂટ આપીને 12 વાગ્યાથી કર્ફ્યૂ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જનતાને પણ લાગ્યું કે સરકાર નિયમો હળવા કરી રહી છે. પરંતુ જેવી ચૂંટણી પતી કે કેસ પણ વધવા લાગ્યા અને જનતા પર કડક નિયમો થોપવાની પણ શરૂઆત થઈ.

માંડ કરીને દુકાનદારો, ખાણીપીણીના સ્ટોલધારકો, હોટેલ-રેસ્ટોરન્ટ ધારકોની આવકની ગાડી પાટે ચડી હતી ત્યાં પાછા સરકારી તંત્રના આ નિર્ણયથી પરેશાની વધી છે.

અમદાવાદમાં બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય બંધ

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં કેસ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક 200 ઉપર કોરોનાના નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેને પગલે હવે અમદાવાદનું તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદ શહેરમાં આવતીકાલથી તમામ બાગ-બગીચા, કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. જેથી આવતીકાલથી અમદાવાદ શહેરના 273 ગાર્ડન બંધ રહેશે. એ પણ જ્યાં સુધી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી. તંત્ર કહી રહ્યું છે કે ભીડ એકત્ર થતી હતી માટે આ નિર્ણય લેવાયો છે.

સુરતમાં પણ તંત્રને ભાન આવ્યું

વધતા કેસને લઈને સુરત મહાનગરપાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે સુરત શહેરમાં બહારથી આવતા લોકોએ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. બહાર ગામથી જે લોકો આવી રહ્યા છે તેઓએ ફરજિયાત પણે સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન થવું પડશે. જે કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં પણ દરરોજ 200 ઉપર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ચૂંટણી ટાણે જે તંત્રને ભીડ નજર આવતી નહતી તે તંત્રને અચાનક રસ્તાઓ પર અને માર્કેટમાં ભીડ નજરે પડી રહી છે. સુરતના ઉધનામાં તંત્ર દુકાનો અને શાક માર્કેટ બંધ કરાવી દીધી છે. અમદાવાદની માફક સુરતમાં પણ તમામ બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમ બંધ કરી દેવાયા છે. ઉપરાંત સુરત શહેરમાં 21 રૂટ પર સિટી બસ અને બીઆરટીએસ બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં આજથી એક અઠવાડિયા માટે ટ્યુશન ક્લાસિસ બંધ રખાશે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે.

સરકારની બે મોઢાની વાત

એક તરફ સરકારી તંત્ર મહાનગરોમાં વધતા કેસને લઈ બજારો અને જાહેર જગ્યાઓ સહિતના સ્થળોને બંધ કરાવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને હોળી-ધૂળેટીના તહેવારમાં પણ લોકો માટે ખુલ્લુ રાખવામાં આવનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. પરંતુ અહીંથી સરકારને તગડી કમાણી થતી હોવાથી સરકાર બંધ કરવાનો નિર્ણય નથી લઈ રહી જ્યારે નાના દુકાનદારો અને વેપારીઓ પર નિયમોનું બુલડોઝર ફેરવી તેઓની આવક પર સીધી અસર પહોંચાડવામાં આવી રહી છે.

રાજ્યમાં હાલ જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં જનતા કરતાં તંત્ર વધુ જવાબદાર હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કેમ કે તંત્રએ જ ચૂંટણીઓમાં રાજકીય પાર્ટીઓની ગતિવિધિઓ સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા, નેતાઓ પર મીઠી નજર રાખી કોઈ કાર્યવાહી ન કરી. જેનું પરિણામ હવે મળી રહ્યું છે. જેથી હવે જનતાએ પણ ના છૂટકે સરકારના નિર્ણયોને સહર્ષ વધાવી ઘરમાં પૂરાવા તૈયારી કરી લેવાની જરૂર જણાઈ રહી છે.

હાલ રાજ્યમાં સરકારી તંત્ર જે રીતે પ્રજા પર નિયમો થોપી રહી છે તે જોતા જનતા પણ હવે ફરીથી ઘરમાં રહેવા તૈયાર થઈ ગઈ છે. પ્રદુષણ ફરી ઘટાડવા જનતા તૈયાર છે. ફરી પાછી નદીઓ ચોખ્ખી થવાની છે. હિમાલયની ટોચ ફરી પાછી નરી આંખે જોવાની છે અને અંતમાં ફરી પાછી થાળીઓ વગાડવાની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments